ભારતની રચેલ ગુપ્તાએ પ્રતિષ્ઠિત મિસ ગ્રાન્ડ ઇન્ટરનેશનલ 2024નો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો છે. 20 વર્ષની રચેલ પંજાબના જલંધરની વતની છે અને 70 દેશોના પ્રતિસ્પર્ધીઓ વચ્ચે તેણે આ બ્યૂટી પેજેન્ટનો તાજ પોતાના નામે કર્યો છે. આથી પણ સૌથી મહત્ત્વની વાત એ છે કે રચેલે આ સાથે ગ્રાન્ડ પેજેન્ટ ચોઈસ એવોર્ડ પણ જીત્યો છે. તાજી જીત્યા બાદ રચેલે પોતાના ઇન્સ્ટાગ્રામ પર કહ્યું હતું, ‘વી હેવ ડન ઇટ...! અમે ભારતીય ઇતિહાસનો પ્રથમ સોનેરી તાજ જીતી લીધો છે. મારામાં વિશ્વાસ મુકનાર દરેકની હું આભારી છું. હું વચન આપું છું કે હું તમને નિરાશ થવા દઈશ નહીં. હું એક એવી રાણી બનવા માગું છું કે જેનું સામ્રાજ્ય તમે હંમેશા યાદ રાખશો.’
સ્પર્ધાના આયોજકોએ પણ સોશિયલ મીડિયા પર આ જીતની ઉજવણી કરી હતી. રચેલના વખાણ કરતાં લખ્યું હતું, ‘તેનામાં સુંદરતા, લાવણ્ય અને ખરી કુશળતા છે. અમે આશા રાખીએ કે તે ભવિષ્યમાં જે પણ પગલાં લે એમાં હજુ વધુ તેજથી ચમકે.’
રચેલ ગુપ્તા આ પહેલાં પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સફળતા મેળવી ચૂકી છે. પહેલાં તેણે 2022માં મિસ સુપર ટેલેન્ટ ઓફ ધ વર્લ્ડનો ખિતાબ જીત્યો હતો. ઓગસ્ટ 2024માં મિસ ગ્રાન્ડ ઇન્ડિયા જીત્યા પછી તે ઇન્ટરનેશનલ પેજન્ટ માટે ગઈ હતી.
વર્ષ 2022માં તેણે પહેલી આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જીત્યા બાદ કહ્યું હતું, ‘હું સમજું છું કે ઘણી મહિલાઓ પોતાના સપના સાકાર કરવામાં ખચકાટ અનુભવે છે. તેની પાછળ ઘણી વખત તેમના પર ભૂતકાળથી મુકી દેવામાં આવેલો જવાબદારીનો ભાર જવાબદાર હોય છે અને ઘણી વખત તેમનામાં આત્મવિશ્વાસની પણ કમી હોય છે. મને આશા છે કે મારી સફરમાંથી તેમને પણ સપના સાકાર કરવાની પ્રેરણા મળે અને બંધનની
સાંકળો તોડીને પોતાના સપના પુરા કરવા માટે મહેનત કરે.’