શીતપ્રદેશોમાં લેધર જેકેટ્સ બારે મહિના માટે હોટ ફેવરિટ ગણાય છે. જોકે પહેલાં તો વધુ પડતી ઠંડી હોય તો જ સામાન્ય રીતે લેધર જેકેટ્સ પહેરી શકાતાં. હવે લેધર સાથે અનેક કોમ્બિનેશનથી ગુલાબી ઠંડીમાં પણ લેધર જેકેટ્સ પહેરી શકાય છે. ખાસ કરીને યંગસ્ટર્સમાં લેધર જેકેટ્સ પસંદીદા પહેરવેશ છે.
કોમ્બિનેશન
ગર્લ્સ અને બોયઝ બંને માટેના લેધર જેકેટ્સમાં હવે જુદાં જુદાં કોમ્બિનેશન જોવા મળે છે. વુલન સાથે લેધરના કોમ્બિનેશનથી બનાવેલાં જેકેટ્સ આજકાલ ઘણાં ટ્રેન્ડી લાગે છે. ફર સાથે લેધરનું કોમ્બિનેશન તો વર્ષોથી જોવા મળે જ છે. આ ઉપરાંત ઘટ્ટ કોટન કાપડ સાથે પણ લેધર મટીરિયલનું કોમ્બિનેશન કરીને લેધર જેકેટ બનાવવામાં આવે છે. આ ઉપરાંત જીન્સ લેધર કોમ્બિનેશનથી બનાવેલાં જેકેટ્સ પણ યુવાનોમાં આકર્ષણ જમાવે છે.
ગુલાબી ઠંડીમાં રંગીન જેકેટ્સ
પહેલાં લેધર જેકેટ્સમાં ચોક્કસ રંગો જ બજારમાં મળતા હતા. બ્રાઉન, મરૂન, રસ્ટ બ્લેક અને કોફી રંગ લેધરમાં સામાન્ય રહેતો. હવે ચેરી, ડાર્ક પર્પલ, નેવિ બ્લૂ જેવા રંગોમાં પણ લેધર જેકેટ્સ ઉપલબ્ધ છે.
જેકેટ્સમાં સ્ટાઈલ
ફેશન એક્સપર્ટ્સના માનવા પ્રમાણે લેધર જેકેટ્સને સ્ટાઈલિશ બનાવવામાં પોકેટસ, ઝીપ કે ડલ મેટલ બટન્સનો વિશેષ ઉપયોગ થાય છે. લેધર જેકેટ્સમાં ફિટિંગ અતિમહત્ત્વનો ભાગ ભજવે છે. જો તમે પ્લસ સાઈઝના હોય ને તમને લેધર મટીરિયલ પહેરવાનો શોખ હોય તો ખાસ કરીને જેકેટ્સ પહેરતી વખતે એ વાતનું ધ્યાન રાખવું કે લેધર જેકેટ વધુ પડતું ચુસ્ત ન હોવું જોઈએ. તેનાથી તમે બેડોળ લાગી શકો છો. આ ઉપરાંત લેધર જેકેટ વધુ પડતું ખુલ્લું હશે તો તેનાથી તમે મેદસ્વી લાગી શકો છો. તેથી લેધર જેકેટનું ફિટિંગ બોડી ટાઈપ પ્રમાણે પરફેક્ટ સિલેક્ટ કરવું. લેધર જેકેટ્સમાં પણ હવે ક્રોપ ટોપ સ્ટાઈલ આવી છે. તે દરેક સાઈઝનું શરીર ધરાવતી મહિલાઓ પર ઓપે છે.
લેધર જેકેટ્સ કેરી કરતાં...
- દરેક યુવતીને કોટ અને જેકેટ્સ પહેરવાનો સામાન્ય રીતે શોખ હોય જ છે. જો તમે પણ ઠંડીની સિઝનમાં નવા જેકેટ ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ ટિપ્સ તમારા માટે એકદમ બંધબેસતી છે.
- ડિઝાઈન ભલે જૂની હોય પરંતુ સ્ટાઈલ બિલકુલ નવી છે. જો તમારે સ્કૂલ કે કોલેજ જવા માટે ફટાફટ તૈયાર થવાનું હોય તો લોન્ગ બૂટ્સ અને જેન્ગીસ સાથે લેધર જેકેટ પહેરી શકાય. કોલેજ અથવા ફ્રેન્ડ્સ સાથે કેઝ્યુઅલ આઉટીંગ માટે આ સ્ટાઇલ ખૂબ જ સારી રહેશે.
- ક્રોપ ટોપ સ્ટાઈલના લેધર જેકેટ્સ સાથે વુલન સ્કાર્ફનું કોમ્બિનેશન કરીને તમે લોન્ગ કુર્તા અને સ્ટ્રેટ પેન્ટ્સ સાથે કેરી શકો છો.
- લેધર જેકેટને ખરીદતી વખતે તેની ક્વોલિટીને સારી રીતે ચેક કરીને ખરીદો. ડાર્ક બ્રાઉન, મરૂન, બ્લેક અને ડાર્ક ગ્રીન કલરના લેધર જેકેટ્સ બ્લુ જીન્સ પર બહુ જ સારાં લાગે છે. તેને તમે બીજા કેઝ્યુઅલ ડ્રેસીસ સાથે પણ પહેરી શકો છો. ખાસ કરીને ટ્રાવેલિંગનાં શોખીન તેને વોર્ડરોબમાં જગ્યા જરૂર આપે.
- લેધર - ડેનિમ કોમ્બિનેશન જેકેટ દરેક વોર્ડરોબમાં એડ કરી શકાય. કોલેજથી લઈને મોટી પાર્ટી સુધી લેધર - ડેનિમ જેકેટ તેનો જલવો ચલાવે છે. જો તમને પણ આ જેકેટ પસંદ છે તો વિચારવાનું શું! બ્લેક જીન્સ અને હાઈનેક ટી શર્ટ સાથે આ કોમ્બિનેશન પહેરો. ખાસ કરીને કોર્પોરેટ ઇવેન્ટમાં આ લુક તમને જુદાં તારવી દેશે. આ સાથે જો રફ એન્ડ ટફના બદલે ગ્લેમરસ લુક જોઈએ તો લેધર હીલ્સ પહેરો.