કુલોત પેન્ટ્સ નામ તો સુના હોગા? રશિયન વોર વિશે જો માનુનીઓએ વાંચ્યું કે સાંભળ્યું હશે અથવા રશિયન વોરની ફિલ્મો જોઈ હશે તેમને ચોક્કસ કુલોત પેન્ટ્સનો અંદાજ હશે. કુલોત પેન્ટ્સ અત્યારે ધ મિડલ લેન્થ પ્લાઝો, જમ્પ સુટ અને સ્પ્લિટ સ્કર્ટ તરીકે પણ ઓળખાય છે. આ પ્રકારના પેન્ટ્સને તમે રિબોન્ડ ફેશન પણ કહી શકો છો.
રશિયામાં કુલોત પેન્ટ્સની શોધ ૧૮મી સદીમાં થઈ હતી. રશિયન આર્મીમાં કુલોત યુનિફોર્મ તરીકે નક્કી થયા હતા. આર્મીમાં કુલોત યુનિફોર્મ હોવાનું કારણ એ હતું કે, સૈનિકો ઢીંચણ સુધીનાં શૂઝ પહેરતા હતા. તેની પર કુલોત સૌથી વધુ કમ્ફર્ટેબલ હતા. તે સમયમાં સ્ત્રીઓ સ્કર્ટ વધુ પહેરતી હતી, પરંતુ ઘોડે સવારી કે રમતગમત વખતે તે પહેરવેશ કમ્ફર્ટેબલ નહીં હોવાથી સ્કર્ટ જેવાં દેખાતા અને પાયચાં વચ્ચેથી કટ કરીને સિવેલાં પેન્ટ સ્ટાઈલનાં આ કુલોત સ્ત્રીઓનાં પણ ફેવરિટ બન્યાં હતાં.
આજે પણ રશિયાની ઘણી સ્કૂલોમાં કુલોત ગર્લ્સનાં યુનિફોર્મ તરીકે જોવા મળે છે. સમયનાં ચક્રની જેમ ફેશન પણ હંમેશાં ફરી ફરી પાછી આવે છે. થોડા બદલાવ સાથે અઢારમી સદીનાં આ કુલોત ફરી એકવાર વિશ્વભરમાં ફેશનમાં આવ્યા છે. બદલાતી ફેશનનાં બદલાતા રૂપમાં હવે વિવિધ સ્ટાઇલના કુલોતે સ્થાન લીધું છે.
પ્લાઝો અને બરમૂડાની વચ્ચેનાં મિડલ લેન્થ પેન્ટ્સ એટલે કે કુલોત અત્યારે દરેક યુવતીની પસંદ છે. કુલોત પેન્ટ્સનો ઈન્ડોવેસ્ટર્ન સ્ટાઈલ, ઓફિસ વેર અને એથનિક વેરમાં પણ સમાવેશ થાય છે. જમ્પસૂટ અને પ્લાઝો બાદ આજનો લેટેસ્ટ ટ્રેન્ડ છે કુલોત પેન્ટ્સ.
આમ જોવા જઈએ તો કુલોતની લંબાઈ ફિક્સ નથી, કાપડના પ્રકાર અને ડિઝાઈન મુજબ કુલોત સિવડાવી શકાય. માર્કેટમાં ની લેન્થથી લઈને મિડલ લેન્થ સુધીમાં કુલોત મળી રહે છે. કુલોત મોટેભાગે કોટન, ખાદી જેવા કડક કાપડમાંથી વધુ બનાવવામાં આવે છે. શિફોન અને સિન્થેટિકમાંથી બનેલા કુલોત ઓછા કમ્ફર્ટેબલ હોય છે. આ કુલોત પ્લેન, ચેક્સ, ફ્લોરલ, પોલકા ડોટ્સ, બાંધણી, બાટીક અને એબસ્ટ્રેક્ટ પ્રિન્ટમાં શોભી ઊઠે છે. કુલોત પર તમે ટી- શર્ટ, ટયૂનિક ટોપ, બ્લેઝર કે શર્ટ પણ પહેરી શકો છો. તો આ વર્ષે તમે પણ તમારા વોર્ડરોબમાં કુલોત ઉમેરીને ટ્રેન્ડી બની શકો છો.