હવે સ્વાસ્થ્યની કાળજી રાખવા સાથે ફિટ રહેવા માટે સામાન્ય રીતે લોકો રોજબરોજની ખાદ્ય ચીજોમાં ભારે તકેદારી રાખતાં થયાં છે. ઓર્ગેનિક ફૂડ તરફ વળી રહેલા લોકો પોતાનું રસોડું ઇકો ફ્રેન્ડલી હોય તેવો આગ્રહ રાખતા થયા છે. આ ઇકો ફ્રેન્ડલી - ગ્રીન કિચન બનાવવું જોકે ઘણું આસાન છે. આપણા ઘરમાં સામાન્ય રીતે એવી કેટલીયે ચીજો વાપરીએ છીએ જે પર્યાવરણને નુકસાન કરે છે અને એમાં કિચન તો મોખરે જ હોય છે. કિચનમાં જાણે અજાણે વપરાતી ચીજો ઇકો ફ્રેન્ડલીના કન્સેપ્ટથી વિપરીત હોય છે. જો અહીં થોડું ધ્યાન રખાય તો કિચન મારફતે પર્યાવરણને થતું નુકસાન ટાળી શકાય છે. જોઈએ કઈ રીતે આ શક્ય બની શકે.
ઢાંકીને રસોઈ બનાવવી
આ વાત ખૂબ સામાન્ય છે, પણ મોટા ભાગે લોકો એને ફોલો કરવાનું ટાળતા હોય છે. જો ખરેખર કોઈ પણ વાનગી બનાવતી વખતે વાસણને ઢાંકીને બનાવશો તો તમારો રસોઈ બનાવવામાં લાગતો સમય અને ગેસ કે અવનના બિલમાં ૭૫ ટકા જેટલી બચત થશે તેમજ શાકભાજીનાં ન્યુટ્રિશન્સ બાષ્પરૂપે ઊડી જવાને બદલે ખોરાકમાં અકબંધ રહેશે.
ઓર્ગેનિક ફૂડ
આજના સમયમાં ઓર્ગેનિક ગ્રીન ફૂડ, વેજિટેબલ, ફ્રૂટ અને અનાજ શોધવું એ અઘરું કામ નથી. ઓર્ગેનિક સ્ટોર્સ અને મોલમાં આવું ઓર્ગેનિક ફૂડ આસાનીથી મળી રહે છે. ખરેખર તો ઓર્ગેનિક એટલે એવી વસ્તુઓ જેને ઉગાડવામાં કોઈ પણ પ્રકારનાં કેમિકલયુક્ત ખાતર અને ફર્ટિલાઇઝર, એન્ટિ-બાયોટિક્સ કે ગ્રોથ-હોર્મોન્સનો ઉપયોગ થયો ન હોય. ફક્ત અનાજ, દાળ, ચોખા અને ફ્રૂટ્સ જ નહીં, બજારમાં મળતું ઓર્ગેનિક ચીઝ અને તેલ પણ વાપરી શકાય.
કિચન ગાર્ડન
એક્સપર્ટની થોડી હેલ્પ લઈને તમે પોતાનું જ એક નાનું કિચન ગાર્ડન બનાવી શકો છો. ઓછી જગ્યામાં પણ એક નાના ખૂણામાં કે પછી કિચનની વિન્ડોની બહાર બનાવેલા ગાર્ડનમાં તમે તેજાના, વેજિટેબલ્સ વાવી શકો છો. આ એક ઉપયોગી અને મજેદાર કન્સેપ્ટ બનશે. કારણ કે શાકભાજી અને તેજાના પણ પોતાના ઘરમાં વાવેલાં હોય તો એ રસોઈની મજા જ કંઈ અલગ હશે અને રસોઈનો સ્વાદ પણ ફ્રેશ લાગશે. ખાસ કરીને લીંબુ, મીઠો લીમડો અને શક્ય હોય તો ચ્હાના રોપા કિચન ગાર્ડનમાં વાવવાથી વાતાવરણ પણ ફ્રેશ રહેશે. આ છોડની તમે કુદરતી રીતે માવજત કરતા હોવાથી તમારે જંતુનાશકોથી થતા નુકસાનની ચિંતા કરવાની પણ જરૂર નહીં પડે.
પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળો
કેટલાય દેશો એવો છે કે પ્લાસ્ટિકનો વપરાશ કરવાનું ટાળે છે. અલબત્ત કેટલાક દેશોમાં પોલિથીન બેગ્સ પર પ્રતિબંધ પણ મુકાયેલો છે. ત્યારે ખાદ્યમાં વપરાશમાં લેવાની હોય એવી ચીજોની ખરીદી માટે હંમેશાં કપડાંની એક થેલી તમારા પર્સમાં સાથે જ રાખો, જેથી ક્યારેય કંઈ ખરીદવાનું મન થઈ જાય તો પ્લાસ્ટિકની બેગ ન લેવી પડે. જો ટિપિકલ કપડાંની થેલી હાથમાં રાખવી ન ગમતી હોય તો હવે બજારમાં સ્ટાઇલિશ કોટન બેગ્સ પણ મળે છે તેનો ઉપયોગ કરો જે તમારા માટે એક સ્ટાઇલ-સ્ટેટમેન્ટ પણ બનશે. આ ઉપરાંત કાગળની થેલીઓનું ચલણ પણ હમણાં છે તેનો ઉપયોગ પણ કરી શકાય.
ફૂડને ઓવરકૂક ન કરો
ફૂડને ગરમ કરવામાં રાંધવા કરતાં ખૂબ ઓછા પ્રમાણમાં ગેસ વપરાય છે અને હા, જ્યારે રસોઈ રંધાઈ જાય તો તરત ગેસ બંધ કરી દો અને વાસણ પર ઢાંકણ ઢાંકી દો. રસોઈ થઈ ગયા પછી જે વાસણમાં તે બનાવી હોય તે વાંસણને ઢાંકીને રાખો અને થોડી વાર માટે રસોઈ સિઝવા દો.
કાચું ખાઓ
ઓર્ગેનિક વેજિટેબલમાંથી બનેલાં અને ઓલિવ ઓઇલમાં ટોસ કરેલાં ફ્રેશ સેલડ હેલ્ધીએસ્ટ ફૂડમાંથી એક ગણાય છે. આ જ રીતે ક્રિમ્સથી ભરપૂર ડેઝર્ટ કરતાં એક બાઉલ ભરીને તાજાં કાપેલાં ફળો ખાઓ. જ્યુસ, કોફી કે ચા કરતાં આ સારું સબ્સીટ્યૂટ છે.
સોસ - ચટણી ઘરમાં જ બનાવો
બોટલમાં રેડીમેઈડ મળતી પ્રોડક્ટ્સમાં સિન્થેટિક પ્રિઝર્વેટિવ્સ અને કૃત્રિમ રંગની માત્રા ભરપૂર પ્રમાણમાં હોય છે, પણ જો તમે સોસ ઘરમાં જાતે જ બનાવશો તો તાજો જ સોસ ખોરારમાં લઈ શકાશે અને પ્લાસ્ટિકની બોટલ્સમાં જમા થતા જન્કથી પણ તમે બચી શકશો. આ ઉપરાંત ખોરાકમાં પ્રિઝર્વેટિવ નાંખેલા સોસની જગ્યાએ તાજી બનાવેલી ચટણીનો ઉપયોગ પણ કરી શકાય.