ટોક્યો: જાપાનની રાજકુમારીએ માકોએ મધ્યમ વર્ગના યુવક સાથે લગ્ન કર્યા છે અને આ માટે તેણે રોયલ સ્ટેટસ પણ ગુમાવ્યું છે. તેના લગ્ન સામાન્ય માનવીની સાથે થયા હોવાથી તેનો લગ્ન સમારંભ પણ જરાય વૈભવી કે રાજવી ઠાઠમાઠ ધરાવતો નહોતો, પરંતુ સામાન્ય હતો. તેણે તેના જૂના બોયફ્રેન્ડ કેઈ કોમુરો સાથે લગ્ન કર્યા છે. તેણે હવે પતિની અટક અપનાવવાની હોવાથી તેની અટક ત્યજી દેવી પડશે. મોટાભાગની જાપાનીઝ મહિલાઓએ લગ્ન પછી તેમની અટક ત્યજી દેવી પડે છે. તેનું કારણ એ છે કે કાયદા મુજબ દંપતી લગ્ન કર્યા પછી એક જ અટક રાખી શકે છે. આના લીધે તેણે હવે તેની અટક પણ ત્યજી દેવી પડશે.
૨૬ ઓક્ટોબરે સવારે દંપતીએ મહેલના અધિકારીને દસ્તાવેજની સાથે આ વાત પર મંજૂરીની મ્હોર લાગી ગઈ છે. આ દંપતીના લગ્નમાં જાપાનીઝ લગ્નમાં જોવા મળે છે તેવી કોઈ પરંપરાગત વિધિ જોવા મળી ન હતી, ફૂલોનો ગુલદસ્તો સુદ્ધાં જોવા મળ્યો ન હતો. આ લગ્નની ઉજવણી પણ કરવામાં આવી નથી.
માકોએ ટીવી પર આપેલા ઇન્ટરવ્યુમાં તેના જીવનસાથી પ્રત્યે અત્યંત સન્માનપૂર્વક બોલતા જણાવ્યું હતું કે મારા માટે કેઈ-સાન અમૂલ્ય છે. અમારા માટે લગ્ન તે અમારા હૃદયને હર્ષોલ્લાસિત કરતી લાગણી છે.
કોમુરોએ જણાવ્યું હતું કે હું માકોને પ્રેમ કરુ છું. આપણે એક જ વખત જીવી શકીએ છીએ અને હું મારું આ જીવન જેને પ્રેમ કરતો હોઉં તેની સાથે વ્યતીત કરવા માંગું છું. અમે બંને એકબીજાને આનંદમાં રાખવાના અને મુશ્કેલ સમયમાં સાથે રહેવાના પૂરતા પ્રયાસો કરીશું.
માકો લગ્નના થોડા સમય પહેલા જ ૩૦ વર્ષની થઈ હતી. માકો જાપાનના રાજા નારુહિતોની ભત્રીજી થાય છે. માકો અને કોમુરો ટોક્યો ઇન્ટરનેશનલ ક્રિશ્ચન યુનિવર્સિટીમાં ક્લાસમેટ હતા. તેમણે સપ્ટેમ્બર ૨૦૧૭માં પછીના વર્ષે લગ્ન કરવાની જાહેરાત કરી હતી. જોકે તે સમયે કોમુરોની માતા અંગેનો નાણાકીય વિવાદ સપાટી પર આવતા લગ્ન મુલતવી રહ્યા હતા.
માકોને દહેજ પેટે રાજમહેલ તરફથી ૧૪ કરોડ યેન મળવાના હતા, પરંતુ દંપતીએ તે પણ સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. કોમુરો ૨૦૧૮માં જાપાન છોડીને ન્યૂ યોર્ક ગયો હતો અને તે ગયા મહિને જાપાન પરત ફર્યો હતો. લગ્ન પછી દંપતી ન્યૂ યોર્ક જઈ તેનું જીવન ફરીથી શરૂ કરશે.