રાજકોટ: સામાન્ય રીતે કોઇ યુવતીના લગ્ન થાય તો તે પોતાની સાથે કરિયાવરમાં સોનાચાંદીના દાગીના, જીવન જરૂરિયાતની ઘરવખરી કે લક્ઝુરિયસ કાર, ઇલેક્ટ્રોનિક ઉપકરણો લઇને જાય છે. પરંતુ રાજકોટમાં રહેતા ઇલાબેન મુકુલભાઇ આચાર્ય પોતાની સાથે કરિયાવરમાં વિવિધ પ્લાન્ટસ લઇને આવ્યા હતા. આજે તેના ઘરમાં ફળિયા, અગાસીમાં દેશ વિદેશના ૧ હજારથી વધુ છોડ છે. ઈલાબહેનને પ્રકૃતિ સાથે એટલો બધો પ્રેમ છે કે તેઓ જે પણ શહેરમાં જાય છે. ત્યાંથી છોડવાઓની ખરીદી કરે છે. તેની પાસે વિએતનામ, જાપાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા ઉપરાંત ભારતનાં કેટલાય છોડ છે. દરેક છોડને રાજકોટનું હવામાન માફક આવે તેવું જરૂરી નથી. તેથી કેટલાક છોડની સાચવણી માટે તેઓ વધુ દરકાર રાખે છે. તેઓ કાચની બોટલ કે બાઉલમાં પણ છોડ સાચવીને રાખે છે. વર્ષ ૨૦૦૨માં ઈલાબહેનનાં લગ્ન થયા હતા જ્યારે તેઓ સાસરે આવ્યા ત્યારે તેમના ઘરમાં ખુલ્લું ફળિયું હતું. તેમાં તુલસી અને એલોવેરા વાવેલા હતા. ખુલ્લા ફળિયામાં તેમને ગાર્ડનિંગનો વિચાર આવ્યો અને એક બે છોડથી તેમણે શરૂઆત કરી. હાલ તેની પાસે સક્યુલેંટસ, એક્વેટિક્સ, બોનસાઇ, એર પ્લાન્ટ, જાપાનની લીલ મારિમો, વિક્ટોરિયા એગેવ, ઇનસેકેટી વોરસ, બેસનો ડિકમ, સેન્સ વેરા, ક્રુશ કુલા, પેનિસ વોલ્ટ, પર્પલ જામ છે. આ બધા એવા પ્લાન્ટસ છે કે, જેમને રાજકોટની હવા અનુફૂળ આવતી નથી. આમ છતાં ઇલાબેને નેટ, શેતરજી, વૃક્ષોનો છાંયો કરીને તેને ઘરમાં સાચવીને રાખ્યા છે.
આજે ઈલાબહેનના ઘરમાં એક હજારથી પણ વધુ પ્લાન્ટસ છે. જોકે ઈલાબહેન છોડ માટે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરતા નથી. ઘરમાં જે એંઠવાડ, શાકભાજીના પાન નીકળે તેની સાથે માટીનું મિશ્રણ કરે છે અને તે પ્લાન્ટસમાં નાંખે છે. આ ઉપરાંત ચોખા, દાળ, શાકભાજી સાફ કર્યાં બાદ જે પાણી નીકળે છે તે છોડમાં નાંખે છે.