જયપુર: એક મુસ્લિમ યુવતી અને તેના પરિવારજનોનો સંસ્કૃત ભાષા પ્રત્યેનો પ્રેમ આશ્ચર્ય પમાડે તેવો છે. આ જ કારણ છે કે ઇસ્મત શેરવાનીએ એમ.એ. સંસ્કૃત વ્યાકરણમાં ૭૫ ટકા માર્ક્સ મેળવ્યા છે. ઇસ્મતને આ સિદ્ધિ બદલ જયપુરની જગદ્ગુરુ રામનંદાચાર્ય રાજસ્થાન સંસ્કૃત યુનિવર્સિટીના પદવીદાન સમારોહમાં આચાર્યની પદવી સાથે ગોલ્ડ મેડલ એનાયત થયો છે.
ઈસ્મત શેરવાની બાબતે રસપ્રદ વાત એ છે કે માત્ર તે જ નહીં, તેના પરિવારની બધી જ યુવાન મહિલાઓ સંસ્કૃતમાં સ્નાતક થઈ છે. ઈસ્મતની મોટી બહેન, બે ભાભી અને એક પિતરાઈ બહેન. આ બધાએ સંસ્કૃત ભાષાના ક્ષેત્રમાં શિક્ષણ લીધું છે. ઈસ્મતનો પરિવાર રાજસ્થાનના સવાઈ માધોપુરથી ૭૦ કિમીના અંતરે આવેલા નાનકડાં બોન્લી ગામમાં વસે છે. તેનાં પિતા મંજૂર આલમ શેરવાની સરકારી શાળામાં પ્રિન્સિપાલ હતા. ઈસ્મતે એક અખબાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અમારા શહેરમાં સંસ્કૃત કોલેજ છે. મારી મોટી બહેન આ જ કોલેજમાં ભણી હતી. અને મને પણ તેની પાસેથી પ્રેરણા મળી છે. મારા પિયરમાં અને સાસરિયાઓએ પણ પૂર્ણ સહકાર આપ્યો. મારી કોલેજમાં અમે બે જ મુસ્લિમ યુવતીઓ હતી, કોલેજ તરફથી પણ સારો સહકાર મળ્યો છે.
ઈસ્મતે એમ.એ.માં ગોલ્ડ મેડલ તો મેળવ્યો, પણ હવે તેનું લક્ષ્ય શું છે? તે હવે સંસ્કૃત વ્યાકરણમાં પીએચડી કરવા ઈચ્છે છે. આ માટે તે બનારસ હિન્દુ યુનિવર્સિટી અથવા રાજસ્થાનની જ કોઇ કોલેજને પસંદ કરશે.