સાદિર અટ્ટમ નૃત્યશૈલી અંગે સાંભળ્યું છે ?
આ સવાલનો જવાબ ભાગ્યે જ હકારમાં સાંભળવા મળશે. પણ જો એવું પૂછવામાં આવે કે ભરતનાટ્યમ વિશે જાણો છો તો નકારમાં ઉત્તર વાળનાર કો’ક જ મળશે. ભરતનાટ્યમનું પ્રાચીન નામ સાદિર અટ્ટમ છે. દેવદાસીઓનાં નૃત્ય તરીકે પ્રચલિત સાદિર અટ્ટમ શૈલી લગભગ મરણતોલ અવસ્થામાં પહોંચી ગયેલી. પણ એને ભરતનાટ્યમના નામે એક નારીએ નવજીવન આપ્યું. સાદિર અટ્ટમ માટે સંજીવની સાબિત થયેલાં એ મહિલા એટલે રુક્મિણીદેવી અરુંડેલ... રાજ્યસભામાં નામનિયુક્ત થયેલાં પ્રથમ સ્ત્રી !
રુક્મિણીદેવીનાં નામ સાથે અનેક વિશેષણો જોડાયાં : ૧૯૨૩માં ઓલ ઇન્ડિયા ફેડરેશન ઓફ યંગ થિયોસોફિસ્ટનાં અધ્યક્ષા, ૧૯૨૫માં વર્લ્ડ ફેડરેશન ઓફ થિયોસોફિસ્ટનાં અધ્યક્ષા, રાજ્યસભા સાંસદ તરીકે ૧૯૫૨ અને ૧૯૫૬માં પશુ ક્રૂરતા નિવારણ માટે એક વિધેયક રજૂ કર્યું, જે ૧૯૬૦માં કાયદો બન્યો અને ૧૯૬૨થી એનિમલ વેલફેર બોર્ડનાં અધ્યક્ષા.... કેટલાયે પુરસ્કારોનું ગૌરવ પણ એમણે વધાર્યું : પદ્મભૂષણ-૧૯૫૬, સંગીત નાટક અકાદમી પુરસ્કાર-૧૯૫૭, દેશિકોથામા પુરસ્કાર-વિશ્વભારતી વિશ્વવિદ્યાલય-૧૯૭૨, કાલિદાસ સન્માન-૧૯૮૪... પરંતુ વિશેષણો અને પુરસ્કારોથી ઊંચેરાં ઊઠેલાં રુક્મિણીદેવીની મુખ્ય અને મહત્વની ઓળખ ભરતનાટ્યમ નૃત્યાંગના અને કલાક્ષેત્રનાં સ્થાપક તરીકેની જ છે !
આ રુક્મિણીદેવીનો જન્મ ૨૯ ફેબ્રુઆરી ૧૯૦૪ના મદુરાઈમાં એક બ્રાહ્મણ પરિવારમાં થયો. માતા શેષમલ સંગીતપ્રેમી. પિતા નીલકંઠ શાસ્ત્રી સંસ્કૃતના વિદ્વાન હતા. લોકનિર્માણ વિભાગમાં એન્જિનિયર તરીકે કાર્યરત હતા. ૧૯૦૧માં નીલકંઠ શાસ્ત્રીનો થિયોસોફિકલ સોસાયટી સાથે સંપર્ક થયો. એની બેસન્ટ સાથે પરિચય થયો. સેવાનિવૃત્ત થયા પછી નીલકંઠ શાસ્ત્રીએ અડ્યારમાં થિયોસોફિકલ સોસાયટીની નજીક ઘર બનાવ્યું. પિતાને પગલે પુત્રી રુક્મિણીદેવીને પણ થિયોસોફિકલ સોસાયટીની પ્રવૃત્તિઓમાં રસ પડ્યો. પ્રખ્યાત બ્રિટિશ થિયોસોફિસ્ટ ડૉ. જ્યોર્જ અરુંડેલ એનો સારો મિત્ર બની ગયો. સમાન વિચારધારાને પગલે પરસ્પરની નજીક આવ્યાં. ૧૯૨૦માં બન્ને લગ્નબંધનમાં બંધાઈ ગયાં. એ વખતે જયોર્જની ઉંમર ૪૨ વર્ષ હતી અને રુક્મિણીદેવીની ઉંમર હતી માત્ર સોળ વર્ષની. હજુ સુધી રુક્મિણીદેવીના મનમાં ભરતનાટ્યમનું બીજ વવાયું નહોતું. પરંતુ પતિ જ્યોર્જ સાથે લંડન ગઈ ત્યારે ૧૯૨૪માં રશિયન બેલે ડાન્સર અન્ના પાવલોવાનું નૃત્ય જોયું અને રુક્મિણીદેવીનો જીવનપ્રવાહ ફંટાયો. મૂળ તો રુક્મિણીદેવી અન્ના પાવલોવાનો બેલે ડાન્સ જોવા માટે કોન્વેન્ટ ગાર્ડન્સ ગયેલી. અન્નાનું અદભુત નૃત્ય જોઈને રુક્મિણીદેવી જાણે જાદુ થયું હોય એમ સંમોહિત થઈ ગઈ.
રુક્મિણીદેવી અને જ્યોર્જ અરુંડેલ ત્યાર પછી ભારત પાછાં ફર્યાં. ત્રણેક વર્ષ પછી અન્ના પાવલોવા પણ પોતાના કાર્યક્રમ માટે ભારત આવી. અન્ના અને રુક્મિણીદેવીનું મળવાનું વધતું ગયું. અન્નાએ રુક્મિણીદેવીને પ્રાચીન ભારતીય નૃત્યશૈલીઓમાં રસ લેવાનું કહ્યું. રુક્મિણીદેવીએ અન્નાનું સૂચન વધાવ્યું. વર્ષ ૧૯૩૩.. રુક્મિણીદેવીએ ચેન્નાઈમાં દેવદાસી શૈલીનું સાદિર અટ્ટમ નૃત્ય જોયું. રુક્મિણીદેવીએ ગુરુ મીનાક્ષી સુન્દરમ પિલ્લઈ પાસે ખાનગીપણે દેવદાસીઓની નૃત્યકળા ‘સાદિર’ શીખવાનું શરૂ કર્યું. બે વર્ષના કઠોર અભ્યાસના ફળસ્વરૂપે નૃત્યમાં પ્રાવીણ્ય પ્રાપ્ત કર્યું. રુક્મિણીદેવીએ આ નૃત્યનું નવું નામકરણ કર્યું : સાદિર ભરતનાટ્યમ... આ નામથી એક પંથ ને બે નહીં, પણ ત્રણ કાજનો હેતુ પાર પડ્યો. પહેલો તો એ કે પોતે જે નૃત્ય કરે છે તે પ્રાચીન ભારતીય અભિનય કળાઓના પ્રખ્યાત ગ્રંથ નાટ્યશાસ્ત્રના પ્રણેતા ભરત મુનિનું નૃત્ય છે, બીજો એ કે આ સમ્રાટ ભરતના દેશ ભારતનું નૃત્ય છે અને ત્રીજો એ કે પોતે આપેલું નામ ભાવ, રાગ અને તાલ અર્થાત નૃત્યના ત્રણ તત્વોનું પર્યાયવાચી અથવા પ્રતીક છે.... રુક્મિણીદેવીએ અથાક પરિશ્રમથી ભરતનાટ્યમને નવું જીવન આપ્યું. ગયાં.
ભરતનાટ્યમ રુક્મિણીદેવીની ઓળખ બની ગઈ. ૨૪ ફેબ્રુઆરી ૧૯૮૪ના રુક્મિણીદેવીનું અવસાન થયું એ પહેલાં એમને પદ્મભૂષણ સહિત અનેક સન્માનથી પુરસ્કૃત કરાયેલાં. પુરસ્કારોથી વ્યક્તિનું ગૌરવ વધે છે, પણ એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નહીં ગણાય કે રુક્મિણીદેવીએ પુરસ્કારોનું ગૌરવ વધાર્યું હતું !