બુન્દેલે હરબોલોં કે મુંહ હમને સુની કહાની થી
ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસીવાલી રાની થી
અંગ્રેજો વિરુદ્ધ લડીને શહીદી વહોરનાર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈના પરાક્રમ અને સાહસનું વર્ણન કરતું અને એને ઘેર ઘેર ગુંજતું કરનાર આ વીરકાવ્ય કોણે રચ્યું છે, એ જાણો છો ?
એનું નામ સુભદ્રાકુમારી ચૌહાણ... સ્વતંત્રતા સેનાની અને અસહયોગ આંદોલનમાં અને ઝંડા સત્યાગ્રહમાં ધરપકડ વહોરનાર નાગપુરની પહેલી મહિલા સત્યાગ્રહી. જોકે સુભદ્રાકુમારીને પ્રસિદ્ધિ મળી ‘ઝાંસીની રાણી’ રચનાથી. રાણી લક્ષ્મીબાઈની પરાક્રમગાથાને આલ્હા કે પવાડારૂપે ગૂંથીને સુભદ્રાએ એને ઘેર ઘેર પહોંચાડી. આલ્હા અને પવાડા એટલે વીરોની ગાથા, યશગાન કે કીર્તિકથા... ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અંગેના યશગાને સુભદ્રાકુમારીને પણ એટલો જ યશ અપાવ્યો છે ! ભારત સરકારે ૬ ઓગસ્ટ ૧૯૭૬ના પચીસ પૈસાની ટપાલ ટિકિટ બહાર પાડીને સુભદ્રાકુમારીની સ્મૃતિને ચિરંજીવી બનાવી છે !
આ સુભદ્રાકુમારી ચૌહાણનો જન્મ ઉત્તર પ્રદેશના અલાહાબાદ સ્થિત નિહાલપુર ગામમાં થયેલો. માતા ધીરજકુંવરી. પિતા ઠાકુર રામનાથસિંહ. જૂનવાણી સમાજ હોવા છતાં સુભદ્રાને ભણવાનો મોકો મળેલો. પંદર વર્ષની ઉંમરે, ૧૯૧૯માં સુભદ્રાનાં લગ્ન ખંડવાના ઠાકુર લક્ષ્મણસિંહ સાથે થયાં. લક્ષ્મણસિંહ એમ.એ. કર્યા પછી કાનૂનનો અભ્યાસ આગળ વધારવા ઉત્સુક હતા. માધ્યમિક શિક્ષણ પૂરું વિદ્યાલય સુધીનું ભણેલી સુભદ્રા પણ આગળ ભણવા માંગતી હતી, પણ ગાંધીજીએ વિદ્યાર્થીઓને દેશ માટે કામ કરવાનું આવાહન કરેલું. દેશપ્રેમી દંપતીએ ભણવાનું છોડીને આઝાદી આંદોલનમાં ઝુકાવ્યું. રાષ્ટ્રીય વિચારોના પ્રચારપ્રસાર માટે મધ્ય પ્રદેશના જબલપુરમાં ૧૯૨૦માં ‘કર્મવીર’ પ્રકાશનનો પ્રારંભ થયો. લક્ષ્મણસિંહ આ પત્રિકાના સાહિત્ય સંપાદક થયા. સુભદ્રા અને લક્ષ્મણસિંહ જબલપુર જઈ વસ્યા. સુભદ્રાની કવિતાઓમાં પરાધીન ભારતમાતાને ગુલામીમાંથી આઝાદ કરવાનો સૂર ઊઠતો. જલિયાંવાલા બાગ હત્યાકાંડ અંગે પણ એણે કાવ્ય રચેલું.
દરમિયાન, ૧૯૨૧માં લક્ષ્મણસિંહ અને સુભદ્રા અમદાવાદ સ્થિત સાબરમતી આશ્રમમાં ગયાં. ગાંધીજી અને કસ્તૂરબાને મળ્યાં. ગાંધીજીથી પ્રભાવિત થયેલાં પતિપત્નીના મનમાં ખરલમાં પીસાતા સુખડની પેઠે દેશપ્રેમ વધુ ને વધુ ઘૂંટાયો. એનાં દેશપ્રેમનાં કાવ્યોમાં પણ એવો જ નિખાર આવ્યો એ પોતે આઝાદી આંદોલનમાં આગળ પડતો ભાગ લેતી. જબલપુર મહાપાલિકામાં વર્ષ ૧૯૨૩માં કોંગ્રેસની બહુમતી થયેલી. એ સમયે કોઈ પણ સાર્વજનિક સ્થાન પર ત્રિરંગો ફરકાવવા પર પ્રતિબંધ હતો. પરંતુ કોંગ્રેસીઓ જબલપુર મહાપાલિકા ભવન પર ત્રિરંગો ફરકાવવાનું નક્કી કર્યું. મહાપાલિકા સમિતિએ હકીમ અજમલ ખાનના હાથે ભવન પર રાષ્ટ્રીય ધ્વજ લહેરાવ્યો. પરંતુ અંગ્રેજ અમલદારે તરત જ ધ્વજ ઉતારી લીધો. કોઈ કર્મચારીએ વધુ પડતા ઉત્સાહમાં ધ્વજને પગતળે કચડયો.
રાષ્ટ્રીય ધ્વજનું અપમાન દેશનું અપમાન હતું. આંદોલનના નેતા પંડિત સુંદરલાલે સુભદ્રા સહિત દસ માણસોની એક સત્યાગ્રહ સમિતિ રચી. આ સમિતિ ત્રિરંગો લઈને કેન્ટોન્મેન્ટ તરફ આગળ વધી. જોકે સત્યાગ્રહીઓ કેન્ટોન્મેન્ટમાં પ્રવેશે એ પહેલાં અંગ્રેજ પોલીસે એમની ધરપકડ કરી. પંડિત સુંદરલાલને છ મહિનાની સજા કરાઈ. અન્ય તમામ સત્યાગ્રહીઓને એક રાત પોલીસની કેદમાં રાખ્યાં પછી બીજે દિવસે છોડી મૂકાયા. દેશનો પહેલો ઝંડા સત્યાગ્રહ અને સુભદ્રાને કેદનો એ પહેલો અનુભવ !
એ પછી નાગપુર ઝંડા સત્યાગ્રહમાં ધરપકડ વહોરનાર પહેલી મહિલા સુભદ્રા બની. ત્યાર બાદ ૧૯૪૨ના ભારત છોડો આંદોલનમાં લક્ષ્મણસિંહ અને સુભદ્રા, બન્નેને જેલવાસ થયેલો. એ જેલમાંથી તો છૂટી, પણ નાદુરસ્તીની બીજી કેદમાં સપડાઈ. રાજ્ય વિધાનસભાની સભ્ય તરીકે કામ કર્યું. એ વધુ કામ કરી શકી હોત, પણ ૧૫ ફેબ્રુઆરી ૧૯૪૮ના એક માર્ગ અકસ્માતમાં સુભદ્રાનું અકાળે અવસાન થયું.
સુભદ્રાનો દેહવિલય થયો, પણ એણે રચેલું રાણી લક્ષ્મીબાઈ અંગેનું વીરકાવ્ય ભારતના કણ કણમાં ગુંજતું રહેશે : ખૂબ લડી મર્દાની વહ તો ઝાંસીવાલી રાની થી...!