હળવદઃ ‘નાયકા’ના ફાલ્ગુની નાયર ભારતીય મહિલા બિલિયોનેર્સની યાદીમાં ટોચનું સ્થાન ધરાવે છે, પરંતુ તેઓ માદરે વતનને ભૂલ્યાં નથી. ‘ફોર્બ્સ’ના ટોપ-૧૦૦ પાવરફૂલ બિઝનેસ વુમનની યાદીમાં સ્થાન મેળવનાર ઇ કોર્મસ કંપનીના ‘નાયકા’ સ્થાપક ચેરપર્સન ફાલ્ગુની નાયર માદરે વતન હળવદની મુલાકાતે આવ્યા હતા અને પીઠડ માતાજીના મંદિરે પૂજાઅર્ચના કરીને આશીર્વાદ મેળવ્યા હતા.
આ મુલાકાત દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આજની યુવતીઓ, મહિલાઓ સ્વબળે આગળ આવવા માટે જીવનમાં ધ્યેય નક્કી કરી સંકલ્પ સાથે પૂરતી મહેનત કરે તો અવશ્ય સફળતા હાંસલ થાય છે. તેમણે કહ્યું હતું કે ઉદ્યોગ સાહસિકતામાં રાતોરાત સફળતા નથી મળતી. બિઝનેસમાં ચડાવ-ઉતારથી નિરાશ ન થવું જોઇએ.
હળવદના દીકરી હોવાને નાતે ફાલ્ગુનીબહેન અવારનવાર ગામની મુલાકાતે આવતા રહે છે, પણ આ વખતની વાત અલગ હતી. દર વખતની જેમ આ વખતે પણ તેમણે પીઠડ માતાજીના મંદિરે દર્શન કર્યા હતા અને પોતાના દાદાના નિવાસસ્થાનની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે હળવદ સાથે જોડાયેલી યાદોને તાજા કરીને બાળપણની યાદોને વાગોળી હતી. સાથોસાથ હળવદના ચૂરમાના લાડુ અને વાલના શાકને યાદ કર્યું હતું.
ફાલ્ગુનીબહેને દક્ષિણ ભારતીય પરિવારમાં લગ્ન કરીને નાયર અટક ભલે અપનાવી હોય, પરંતુ મૂળે તેઓ હળવદના મહેતા પરિવારના દીકરી છે. કારકિર્દીમાં અનેક માનસન્માન મેળવનાર ફાલ્ગુનીબહેન હળવદની મુલાકાતે આવતાંજતાં રહે છે. તેઓ હળવદમાં આવેલા શ્રી પીઠડ માતાજીના પ્રાચીન મંદિરમાં અપાર શ્રદ્વા ધરાવે છે. ગયા મંગળવાર - ૧૪મી ડિસેમ્બરે તેમણે હળવદની મુલાકાત દરમિયાન મોઢ વણિક જ્ઞાતિના સ્થાનિક અગ્રણી ધર્મેશ શાહ પાસેથી હળવદના મહત્વપૂર્ણ સ્થાનો, સગવડતા અને ખૂટતી કડીઓ વિશે પણ જાણકારી માંગી હતી.