ઓલિમ્પિકમાં ભારતીય મહિલા હોકી ટીમ સેમિ-ફાઈલનમાં પહોંચી છે ત્યારે ટીમની કેપ્ટન રાની રામપાલના જીવનસંઘર્ષની વિજયકહાની દરેક વ્યક્તિને પ્રેરણા પૂરી પાડે છે. હરિયાણાના શાહબાદ મારકંડાથી આવતી રાની રામપાલે ચાર વર્ષ પહેલાં માત્ર ૧૪ વર્ષની ઉંમરમાં જ પહેલી આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. આ પછી ૨૦૧૦માં માત્ર ૧૫ વર્ષની ઉંમરમાં જ તે વિશ્વકપમાં સૌથી યુવા ખેલાડી બની ગઈ હતી. તેણે ૨૦૦૯માં એશિયા કપમાં ભારતને સિલ્વર મેડલ અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. ભારતીય હોકી ટીમમાં સેન્ટર ફોરવર્ડ રમતી રાની રામપાલે પોતાના હોકીના સપનાંને સાકાર કરવા જે સંઘર્ષનો સામનો કર્યો તેના કેટલાક અંશ...
‘મારે મારા જીવનમાં એટલું આગળ વધવું હતું કે જ્યાં વીજળી જવાની ચિંતા ન હોય, જ્યાં ઊંઘતી વખતે કાનમાં મચ્છરોનો અવાજ ન આવતો હોય, જ્યાં પૂરતું ખાવાનું મળી રહેતું હોય અને વરસાદનાં દિવસોમાં ઘરને તણાતું ન જોવું પડે.
મારા પિતા લારી ચલાવતા હતા જ્યારે માતા લોકોનાં ઘરે કામ કરતાં હતાં. મારા માતા-પિતાએ મને સારું જીવન આપવાના પૂરતાં પ્રયત્ન કરેલા પરંતુ તેઓ વિશેષ કંઈ પણ કરવા સમર્થ ન હતા.
મારા ઘરની નજીક એક હોકીનું મેદાન હતું. જ્યાં હું કલાકો સુધી બીજા ખેલાડીઓને હોકીની પ્રેક્ટિસ કરતાં જોતી, મારી પણ રમવાની ખૂબ ઈચ્છા હતી પરંતુ મારા પિતા માત્ર દિવસના ૮૦ રૂપિયા જ કમાતાં હતાં. જેમાં હોકીસ્ટીક લાવવું શક્ય જ નહોતું. હું દરરોજ કોચને હોકી શીખવવા આગ્રહ કરતી હતી, પરંતુ મારા કુપોષિત હોવાના કારણે ના પાડી દેતા હતા. તેઓ કહેતાં કે મારામાં પ્રેક્ટિસમાં ટકી શકાય એટલી તાકાત જ નથી.
એક દિવસ મને મેદાનમાંથી તૂટેલી હોકી મળી. હવે ટ્રેનિંગ માટેના કપડાં તો હતાં જ નહીં તેથી સલવાર કમીઝ પહેરીને મેં તૂટેલી હોકીથી રમવાની શરૂઆત કરી, કારણ કે મારે મારી જાતને સાબિત કરવી હતી. મેં ખૂબ મહેનતથી કોચને મનાવ્યા પરંતુ જ્યારે મેં ઘરના લોકોને આ કહ્યું ત્યારે તેમનું કહેવું હતું કે છોકરીઓએ તો ઘરનું જ કામ કરવું જોઈએ, અમે તને સ્કર્ટ પહેરીને નહીં રમવા દઈએ. હું આ સાંભળી નિરાશ થઈ ગઈ અને કરગરી... મને એક વાર જવા દો, જો હું નિષ્ફળ ગઈ તો તમે કહેશો એ કરીશ. પરિવારે ખચકાટ સાથે મને અનુમતિ આપી. ટ્રેઈનિંગ વહેલી સવારથી શરૂ થતી હતી અને અમારી પાસે ઘડિયાળ નહોતી તેથી મારી માતા વહેલી સવારે ઊઠીને મને યોગ્ય સમયે ઊઠાડવા આકાશ સામે જોઇને બેસી રહેતી.
એકેડમીમાં ૫૦૦ ગ્રામ દૂધ લઈ જવું ફરજિયાત હતું, પરંતુ મારા પિતા માત્ર ૨૦૦ ગ્રામ જેટલું જ દૂધ ખરીદી શકતા હતા. જેથી કોઈને કહ્યા વગર હું તેમાં પાણી ઉમેરતી. મારા કોચે મારા સારા અને નબળા સમયે મારો સાથ આપ્યો છે. તેમણે મને હોકી કીટ અને બૂટ ખરીદી આપ્યા. તેમણે મને પોતાના કુટુંબ સાથે રહેવાની પરવાનગી પણ આપી અને મારા ખાનપાનનું પણ ધ્યાન રાખ્યું. મેં એક પણ દિવસની રજા લીધા વિના તનતોડ પ્રેક્ટિસ કરી છે.
મને યાદ છે કે મારી પ્રથમ કમાણી ૫૦૦ રૂપિયા હતી. જે મને ટુર્નામેન્ટ જીત્યા બાદ મળી હતી. આ રૂપિયા મેં મારા પિતાના હાથમાં મૂક્યા હતા. આ પહેલાં તેમણે આટલી મોટી રકમ ક્યારેય હાથમાં પકડી નહોતી. મેં મારા કુટુંબને વચન આપ્યું હતું કે એક દિવસ આપણે પોતાના ઘરમાં રહીશું.
રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યા પછી અને કેટલીક ચેમ્પિયનશીપમાં ભાગ લીધા બાદ ૧૫ વર્ષની ઉંમરે રાષ્ટ્રીય રમતમાં ભાગ લેવા માટે મને બોલાવવામાં આવી પરંતુ મારા કુટુંબીજનો મને વારંવાર હું લગ્ન ક્યારે કરીશ એ જ પ્રશ્ન પૂછતા હતા. જોકે મારા પિતા મને હંમેશા રમવા માટે ઉત્સાહ વધારતા. મારા પિતા અને કુટુંબીજનોના સાથથી હું ભારતીય હોકી ટીમની કેપ્ટન બની. એક વખત જ્યારે હું ઘરે હતી ત્યારે એક મિત્રના પિતા તેમની પૌત્રીને મારી પાસે લઈ આવ્યા અને કહેવા લાગ્યા, આ દીકરીને તારાથી બહુ પ્રેરણા મળી છે અને તે પણ ભવિષ્યમાં હોકી પ્લેયર બનવા માંગે છે. હું ખૂબ ખુશ થઈ અને મારી આંખમાંથી આંસુ સરવા લાગ્યા.
વર્ષ ૨૦૧૭માં મેં મારા કુટુંબને આપેલું વચન પૂરું કર્યું અને નવું મકાન ખરીદ્યું. તે દિવસે અમે બધા એકબીજાને વળગીને ખૂબ રડ્યા. આ વર્ષે ટોક્યોથી સુવર્ણચંદ્રક લાવીને મારે મારા કોચનું સ્વપ્ન પૂરું કરવું છે.’