ભારત સરકારના વસ્ત્ર મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૧૭ માટે જાહેર કરાયેલા રાષ્ટ્રીય એવોર્ડ પૈકીના શિલ્પગુરુ સહિતના ચાર એવોર્ડ કચ્છના કારીગરોને મળ્યા છે. આ તમામ એવોર્ડ બાંધણી માટે જાહેર કરાયા છે. સર્વોત્તમ શિલ્પગુરુ પુરસ્કાર ભુજનાં નૂરબાનુ મોહમદ ખત્રીને મળ્યો છે. આ ઉપરાંત ભુજનાં જ અન્ય એક મહિલાની નેશનલ એવોર્ડ અને નેશનલ મેરિટ માટે પસંદગી થઈ છે. આગામી સમયમાં દિલ્હીમાં યોજાનારા સમારોહમાં એવોર્ડની સાથે રોકડ પુરસ્કાર તેઓને અર્પણ કરાશે. ટેક્સટાઇલ ક્ષેત્રે શિલ્પગુરુ એવોર્ડ છેલ્લા ચાર દાયકાથી બાંધણીની કળા સાથે સંકળાયેલા નૂરબાનુ (ઉં ૬૪)ને મળ્યો છે. નૂરબાનુએ ત્રણ પીસમાં બનાવેલી બાંધણી શિલ્પગુરુ એવોર્ડ માટે પસંદ કરાઇ છે. જેના માટે તેમને રૂ. બે લાખ રોકડા તેમજ સુવર્ણ અને તામ્રપત્ર અપાશે. નૂરબાનુના પતિ મોહમદભાઇ ખત્રી અને પુત્ર જુનેદ તથા સલમાન પણ આ કળા સાથે જ સંકળાયેલા છે. આ કુટુંબ દેશ વિદેશમાં બાંધણીના પ્રદર્શનમાં ભાગ લે છે અને આ કળા શીખવે પણ છે.
ભુજના અન્ય એક મહિલા નસરીનબહેન ફયાઝ ખત્રીની પણ નેશનલ એવોર્ડ માટે પસંદગી થઈ છે. બનારસી દુપટ્ટા પર સાત નેચરલ કલરમાં બનાવેલી શિકારી ડિઝાઇન સાથેની બાંધણી માટે તેમને આ પુરસ્કાર જાહેર થયો છે. એવોર્ડની સાથે રૂ. એક લાખનો રોકડ પુરસ્કાર પણ તેમને આપવામાં આવશે. માતા તેમજ સાસુ અને નણંદ પાસેથી તાલીમ મેળવનારા આ મહિલા છેલ્લા ૩૦ વર્ષથી બાંધણી કળા સાથે સંકળાયેલા છે તેમના પતિ ફયાઝ હુસેન ખત્રીને વર્ષ ૨૦૦૦માં અજરખ હેન્ડ બ્લોક માટે રાજ્ય કક્ષાનો એવોર્ડ અપાયો હતો. આ ઉપરાંત પરિવારના ઇકબાલ હુસેનને ૧૯૮૫માં તેમજ ઉમર હુસેનને ૧૯૮૬માં નેશનલ એવોર્ડ મળ્યો હતો. કળાને વારસામાં મેળવનારી તેમની પુત્રી ફેશન ડિઝાઇનર છે. ભુજની જ અન્ય એક મહિલાની નેશનલ મેરિટ સર્ટિફિકેટ માટે પસંદગી કરાઇ છે. વર્ષ ૨૦૧૭ માટેનો આ એવોર્ડ બિલ્કીસબાનુ ખત્રીને અપાશે. મુન્દ્રામાં જન્મેલા આ મહિલાએ બાળપણ સંઘર્ષ સાથે વીતાવ્યા બાદ માતા ખતુબાઇ પાસે બાંધણી બાંધવાનું કામ શીખ્યું હતું. ભુજમાં લગ્ન બાદ પતિ અલીમામદ ઓસમાણ પાસેથી રંગાટ, સુતેણુ, કારીગરો પાસે કામ કેમ લેવું તે તેઓ શીખ્યાં છે. તેમના પતિને પણ નેશનલ અને નેશનલ મેરિટ એવોર્ડ મળ્યો છે. બે પુત્રો સરફરાઝ અને હમીઝ ગ્રેજ્યુએટ થયા છે, પણ બાંધણીનો વ્યવસાય આગળ ધપાવી રહ્યા છે.
અબડાસા તાલુકાના તેરા ગામના ખેરૂનિસા અબ્દુલ અઝીઝની પણ નેશનલ મેરિટ એવોર્ડ માટે પસંદગી કરાઈ છે જેના માટે તેમને રૂ. ૭૫ હજારના રોકડ પુરસ્કારની સાથે વસ્ત્ર મંત્રાલય દ્વારા પ્રમાણપત્રથી નવાજવામાં આવશે.