ગૃહિણી હોય કે વર્કિંગ વુમન, રિટાયરમેન્ટ એટલે કે નિવૃત્તિનો આ ગાળો દરેક મહિલા માટે શારીરિક, માનસિક અને આર્થિક રીતે તકલીફવાળો રહેતો છે. કેટલીક બાબતોની આગોતરી કાળજી રાખવામાં આવે તો આ સમયગાળાને સારી રીતે જીવીને માણી શકાય છે. ઘણી વખત તમને લાગતું હશે કે ૬૦ વર્ષની વયે પહોંચવા આવેલાં મમ્મી કે સાસુની ઘરમાં કટકટ વધી ગઈ છે. અથવા તો તમને એવું લાગે કે તેઓ કંઈક વિચિત્ર વર્તન કરી રહ્યાં છે, તો અકળાતા નહીં. આ વયે તેમને વેઠવી પડતી શારીરિક અને માનસિક તકલીફોને સમજવાની કોશિશ કરજો, તેમને શક્ય તેટલા અનુકૂળ થવાનો પ્રયાસ કરજો.
વર્કિંગ વુમન માટે આ રિટાયરમેન્ટની વય હોય છે. ગૃહિણીઓ માટે પણ આ એ સમય છે જ્યાં તે પોતે નિષ્ક્રિય થતી જાય છે અને સંતાનો કામ કરવા લાગે છે, કમાવા લાગે છે. જીવનમાં એક ખાલીપો તેમને ઘેરી વળે છે. કેટલીક સ્ત્રીઓ આ સમયે મેનોપોઝમાંથી બહાર આવી હોય છે એટલે તેઓ એને લગતી હેલ્થ અને સાઇકોલોજિકલ અનેક સમસ્યાઓનો શિકાર બને છે. સ્ત્રીઓએ તેમના આ સમયને સાચવી લેવાની જરૂર છે.
મુંબઇમાં વુમન ફોર ગુડ ગવર્નન્સ નામની બિનસરકારી સંસ્થા સ્ત્રીઓની અનેક સમસ્યાઓ માટે વર્ષોથી કાર્યરત છે. અમેરિકા છોડીને મુંબઈમાં સેટલ થયેલાં ગૃહિણી નુસરત ખત્રી, બિઝનેસવુમન રૂપલ શાહ, બિઝનેસવુમન રમિતા મહેતા, ગૃહિણી કીર્તિ શર્મા અને પત્રકાર શશી શર્માએ આ સંસ્થા સ્થાપી છે. આ સંસ્થા ‘વુમન એન્ડ રિટાયરમેન્ટ પ્લાનિંગ’ વિષય પર સેમિનાર યોજીને સ્ત્રીઓએ આ સમયને કેમ સાચવવો એનું માર્ગદર્શન પણ આપે છે. આ સંસ્થા કામ ભલે ભારતમાં કરતી હોય, પરંતુ કોઇ પણ મહિલાએ નિવૃત્તિમાં સ્વસ્થ રહેવા માટે કેવું પ્લાનિંગ કરવું જોઇએ તેના સૂચનો વિશ્વના બીજા દેશોમાં વસતી મહિલાઓને પણ લાગુ પડે તેવા છે. નિષ્ણાતોના મતે, સ્ત્રીઓના રિટાયરમેન્ટ સમયની મુખ્ય ચાર સમસ્યાઓ પર ભાર મૂકવો જોઈએ.
૧) ફાઇનાન્સ મેનેજમેન્ટઃ સારી કંપનીમાં સારી પોસ્ટ પર કામ કરતાં વનિતા મહેતા (નામ બદલ્યું છે) રિટાયર થયાં એ પછીના થોડા સમયમાં તેમના પતિ તેમનાથી છૂટાછેડા લઈને કોઈ અમેરિકન મહિલાને પરણી ત્યાં સેટલ થઈ ગયા. વનિતાબહેનને અત્યાર સુધી પતિ પર આંધળો વિશ્વાસ હતો એટલે તેમણે કદી જોયું જ નહીં કે તેમની પોતાની કમાઈ અને પતિની કમાઈને પતિએ ક્યાં-ક્યાં ઇન્વેસ્ટ કરી છે કે એનું શું કર્યું છે? આ તકલીફ આવવાની સાથે તેમની હેલ્થ પણ સારી નહોતી રહેતી. ઘણી સ્ત્રીઓ વનિતાબહેનની જેમ પતિ, ભાઈ કે પિતા પર આંધળો વિશ્વાસ મૂકે છે અને એને કારણે તેમને આર્થિક અસલામતીમાં મુકાવું પડે છે. કેટલાક કિસ્સામાં પ્રોપર્ટીમાં હિસ્સાના મુદ્દે સ્ત્રીના લીગલ રાઇટ વિશે મુશ્કેલી સર્જાય છે. આ સ્થિતિ ટાળવા માટે રિટાયરમેન્ટ પહેલાં અને પછી તેમનું ફાઇનાન્સિયલ પ્લાનિંગ હોવું જોઈએ જેથી તેમણે અસલામતી ન અનુભવવી પડે કે કોઈની આગળ હાથ લંબાવવો ન પડે.
સ્ત્રીઓ માટે ફાઇનાન્સ અને ઇન્વેસ્ટમેન્ટ વિશેની સમજ હોવી કેટલી જરૂરી છે એ વિશે ફાઇનાન્સિયલ કન્સલ્ટન્ટસ કહે છે કે પતિની પ્રોપર્ટીમાં સ્ત્રીનો સમાન હિસ્સો હોય છે એટલે રિયાટર થતાં પહેલાં એવું મની-પ્લાનિંગ કરવું જોઈએ જેથી ઓશિયાળા ન થવું પડે. પતિની પ્રોપર્ટી અને ઇન્વેસ્ટમેન્ટ બાબતે પણ જાણી લેવું જોઈએ. રિટાયર થવાની વયે ફાઇનાન્સિયલી ઇન્ડિપેન્ડન્ટ થવા સ્ત્રીએ વર્કિંગ હોય કે ગૃહિણી પહેલેથી પ્લાનિંગ કરી લેવું જરૂરી છે જેથી આ બાબતે અસલામતી ન આવે.
૨) સાઇકોસોમેટિક પ્રોબ્લેમઃ એક બહેન સ્કૂલમાં ટીચર હતાં. રિટાયર થતાં હવે સ્કૂલમાં જવાનું બંધ થઈ ગયું. શરૂઆતમાં તો તેઓ રજાની મજા લેવા લાગ્યાં, પણ દિવસો જતાં તેમની નિષ્ક્રિયતા તેમને સતાવવા લાગી. ઘરે બેસી રહેવાથી તેઓ ડિપ્રેશનમાં જતાં રહ્યાં. દીકરા-વહુની નાની-નાની વાતોમાં પણ માથું મારવા લાગ્યાં. ઘરમાં તેમની કટકટ વધી ગઈ અને ઘરનાને તેમની અને તેમની ઘરનાની હાજરી ખટકવા લાગી. આવી સમસ્યા આ વયે સ્ત્રીઓમાં આવે જ છે. સાઇકિયાટ્રિસ્ટ્સ કહે છે કે અચાનક કામ બંધ થઈ જવાથી ટાઇમપાસ ક્યાં કરવો એની મૂંઝવણ થાય છે. સતત કામ કરવા ટેવાયેલા લોકોએ નિષ્ક્રિય રહેતાં ટેવાવું પડે. ઘરના લોકોને તેમની સાથે અને તેમણે ઘરના લોકો સાથે રહેવા ટેવાવું પડે. બરાબર મની-પ્લાનિંગ ન હોય તો આજ સુધી કોઈ પાસે પૈસા ન માગ્યા હોય એ માગવા પડે. કેટલાકને આ વયે મેનોપોઝ આવે છે. આ બધાને લઈને સ્ત્રીઓને એન્ગ્ઝાયટી, ડિપ્રેશન, એડજસ્ટમેન્ટ ડિસઓર્ડર જેવા ઇમોશનલ પ્રોબ્લેમ થાય છે. એટલે અધૂરી ઇચ્છાઓને કારણે આવતા ગુસ્સાનો શિકાર થતાં બચો.
આ સમસ્યાનો ઉપાય સૂચવતાં નિષ્ણાતો કહે છે કે આ સમયનો સદુપયોગ કરો અને સેવાના કામમાં જોડાઓ. તમારા અધૂરા રહી ગયેલા શોખ પૂરા કરો, યોગ શીખો, આગળ ક્યાં અને કેટલી તકો છે એનો વિચાર કરીને આગળ વધશો તો એકલતા નહિ સાલે.
૩) હેલ્થ મેનેજમેન્ટઃ માનસિક અસ્વસ્થતા અને વધતી વયને કારણે અને શારીરિક તકલીફો આ વયે થાય છે એટલે સ્વાસ્થ્ય કેવી રીતે જાળવવું એ શીખવું જરૂરી છે. શરીરમાં થતા હોર્મોનલ ચેન્જિસને કારણે માનસિક તેમ જ શારીરિક બન્ને રીતે સ્ત્રીઓએ મોટાં પરિવર્તનોનો સામનો કરવો પડે છે.
૪) વિલ કેવી રીતે બનાવશો?ઃ ભારતીય પરિવારોમાં મોટા ભાગે પુરુષો જ પોતાનું વિલ બનાવતા હોય છે, પરંતુ જ્યારે સ્ત્રીઓ ઇન્વેસ્ટમેન્ટ કરતી થઈ જાય ત્યારે તેમણે પોતે પણ પોતાનું વિલ બનાવવાની ફરજ ચૂકવી ન જોઈએ. નાણાકીય સલાહકારોનું કહેવું છે કે સ્ત્રીએ તેની પાસે જે કંઈ સંપત્તિ હોય એનું પોતાનું અલગ વિલ બનાવી લેવું જરૂરી છે. વિલ કેવી રીતે બનાવવું એ પણ તેણે શીખી લેવું જોઈએ, જેથી તે પોતાનું મૃત્યુ પછી કોને ખરેખર સપોર્ટ કરવા માગે છે એ સ્પષ્ટ થઈ જાય.
દુનિયાને પોતાની ઇચ્છા મુજબ બદલી નથી શકાતી એટલે એ હકીકત ધ્યાનમાં રાખી તમને જે સમય ફ્રી મળ્યો છે એનો સદુપયોગ કરો. સદા કાર્યરત રહેશો તો માનસિક તકલીફો ઓછી થઈ જશે.
એકલતા-ખાલીપો ટાળો, તન-મનથી સજ્જ રહો
રિટાયર થવાની વયમાં સ્ત્રીઓની શારીરિક, માનસિક અને આર્થિક સમસ્યાઓ સંદર્ભે નિષ્ણાતો કહે છે કે સ્ત્રી મા હોય કે વાઇફ, તેને એક સંતાન હોય કે વધારે, તે વર્કિંગ હોય કે ગૃહિણી - દરેક સ્ત્રીને એકસરખી સમસ્યા સતાવે છે. આ વયમાં દીકરાઓ પોતાના કામ અને સંસારમાં પરોવાઈ ગયા હોય છે અને દીકરીઓ સાસરે જતી રહી હોય છે ત્યારે તેમના જીવનમાં એકલતા ઘેરી વળે છે. કામ કરતી સ્ત્રીઓ અચાનક ઇન-એક્ટિવ થઈ જવાથી તેમને ખાલીપો લાગવા માંડે છે. તેમની આવી માનસિક સ્થિતિની અસર તેમના શરીર પર થાય છે અને એટલે હેલ્થના પ્રોબ્લેમ થવા લાગે છે. આ વયે સ્ત્રીઓ અસલામતી ફીલ કરવા લાગે છે. આ બધા પ્રોબ્લેમો પર તેમને કન્ટ્રોલ મેળવવાની જરૂર છે. આ વયમાં સ્ત્રીઓએ તન-મન-ધનથી સજ્જ રહેવા પ્લાનિંગ કરવું જોઈએ.