રિલાયન્સ રિટેલનાં સુકાની ઇશા અંબાણી

Wednesday 14th September 2022 06:26 EDT
 
 

ભારતના દિગ્ગજ કોર્પોરેટ હાઉસ રિલાયન્સની તાજેતરમાં યોજાયેલી એન્યુઅલ જનરલ મિટીંગ (એજીએમ)માં દેશમાં ફાઇવ-જીના લોન્ચિંગથી માંડીને ગ્રૂપના ભાવિ આયોજનો સંદર્ભે અનેક મહત્ત્વની જાહેરાતો થઇ. જોકે આ બધામાં સૌથી વધુ ધ્યાનાકર્ષક જાહેરાત હતી રિલાયન્સ રિટેલની. ગ્રૂપના ચેરમેન મુકેશ અંબાણીએ 4.40 લાખ કરોડ રૂપિયાની માર્કેટ વેલ્યૂ ધરાવતા રિલાયન્સ રિટેલનું સુકાન પુત્રી ઈશા અંબાણીને સોંપ્યું છે. દુનિયાના 11મા સૌથી ધનવાન વ્યક્તિ અંબાણીએ એકમાત્ર પુત્રી ઈશાને રિલાયન્સ રિટેલ વેન્ચરનાં ડિરેક્ટર બનાવ્યાં છે. મુકેશ અંબાણીની આ જાહેરાત પછી ઈશા દેશ-વિદેશના અખબારોમાં ચર્ચામાં છે. તાજેતરમાં જ ફેસબુકે જિયો ટેલિકોમમાં લગભગ રૂ. 45 હજાર કરોડનું રોકાણ કરીને 9.99 ટકા શેર ખરીદવાની ડીલ કરી છે. આ ડીલ પાછળ જિયોનાં બોર્ડ મેમ્બર ઈશા અંબાણીની પ્રમુખ ભૂમિકા છે.
2021માં, અમેરિકાના સ્મિથસોનિયન નેશનલ મ્યુઝિયમ ઓફ એશિયન આર્ટે ઈશાની બોર્ડ ઓફ ટ્રસ્ટીમાં નિમણૂક કરી છે. 17 સભ્યોના આ બોર્ડમાં અમેરિકાના ચીફ જસ્ટિસ, વાઇસ પ્રેસિડેન્ટ, અમેરિકાના સેનેટ સભ્ય વગેરે છે. ઈશા રિલાયન્સ રિટેલનાં ભલે ડિરેક્ટર બની ગયાં હોય, પરંતુ એક સમય હતો જ્યારે તે ટીચર બનવા માગતાં હતાં. ઈશાએ પિયાનો વગાડવાનું પણ શીખ્યું છે. તેમને ફૂટબોલ પણ ગમે છે. સ્કૂલના દિવસોમાં તે ફૂટબોલ ટીમનાં સભ્ય હતાં. પૂર્વ મિસ વર્લ્ડ અને બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને બોલિવૂડ અભિનેત્રી કિયારા અડવાણી તેમનાં મિત્રો છે. ઈશાનું પ્રાઈવેટ સોશિયલ મીડિયા એકાઉન્ટ છે. ઈશા ગરીબ બાળકીઓના અભ્યાસ માટે પણ કામ કરે છે.
ડેટાને આજની દુનિયાનું નવું ‘ઓઇલ’ કહે છે ઈશા
એમબીએનો અભ્યાસ કર્યા પછી 2014માં તેમણે અમેરિકાની મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ મેકેન્ઝી એન્ડ કંપનીમાં થોડો સમય બિઝનેસ એનાલિસ્ટ તરીકે કામ કર્યું. ત્યાર પછી 2014માં જ તેમને રિલાયન્સ રિટેલ અને જિયોના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં સામેલ કરવામાં આવ્યાં. મુકેશ અંબાણી અગાઉ જણાવી ચૂક્યા છે તેમ રિલાયન્સ જિયો લોન્ચ કરવાનો આઈડિયા ઈશાનો જ હતો. ઈશા માને છે કે આજના ડિજિટલ યુગમાં ડેટા દુનિયાનું નવું ‘ઓઇલ’ છે. 2016માં ઈશાએ મલ્ટીપલ બ્રાન્ડ AJIO લોન્ચ કરી હતી. રિલાયન્સ ફાઉન્ડેશનનો ડિજિટલ એજ્યુકેશન પ્રોગ્રામ શરૂ કરવાનું શ્રેય પણ તેમને જ જાય છે.
મુકેશ અંબાણી અને નીતા અંબાણીના ઘરે ઈશા (23 ઓક્ટોબર 1991) અને તેના જોડિયા ભાઈ આકાશનો જન્મ આઈવીએફ ટેક્નિકથી થયો છે. ઈશા બાળપણમાં ટોમ બોય સ્ટાઈલમાં રહેતી હતી. ઈશાના પરિવારમાં ચાર ભાઈઓ (અનિલ અંબાણીના બે પુત્રો સહિત) વચ્ચે એકમાત્ર છોકરી હતી, એટલે તે આવી હતી. તેનું પ્રારંભિક ભણતર મુંબઇની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં થયું. આ પછી હાયર એજ્યુકેશન માટે અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં એડમિશન લીધું. અહીં તેમણે સાઈકોલોજીમાં ડિગ્રી મેળવી. ત્યાર પછી અમેરિકાની સ્ટેનફર્ડ ગ્રેજ્યુએટ સ્કૂલ ઓફ બિઝનેસમાં એમબીએ કર્યું.
2018માં તેમના લગ્ન પિરામલ ગ્રૂપના અજય અને સ્વાતિ પિરામલના પુત્ર આનંદ પિરામલ સાથે થયાં. લગ્નમાં તેમના સસરાએ લગભગ રૂ. 450 કરોડનો બંગલો ગિફ્ટમાં આપ્યો હતો. બંગલાનું નામ ‘ગુલીટા’ છે. ભાઈ આકાશે તેના લગ્નમાં કહ્યું હતું કે, ઈશા ઘરે અમારી બોસ છે.
ઇશા વિશે જાણવા જેવી રસપ્રદ વાત
v જૂનાં કપડાને રિ-સ્ટાઈલ કરીને પહેરવાનું પસંદ કરે છે
v ઇશાએ રિલાયન્સ આર્ટ ફાઉન્ડેશનની સ્થાપના કરી છે.
v માત્ર 16 વર્ષની વયે તેનું નામ ‘ફોર્બ્સ’ના ટોપ-10 બિલિયોનેર ઉત્તરાધિકારીના લિસ્ટમાં સામેલ થઈ ગયું હતું.
v ફેમસ ફેશન ડિઝાઈનર મનીષ મલ્હોત્રાની બ્રાન્ડ એમએમ સ્ટાઈલમાં તેમની 40 ટકા ભાગીદારી છે.
v સ્ટેનફોર્ડમાં અભ્યાસ દરમિયાન ઈશા નાના બાળકોને પણ ભણાવતાં હતાં.
v 2020માં ફોર્ચ્યુનની 40-અંડર-40 કેટેગરીમાં ઈશાને દુનિયાના ઉભરતા લીડરમાં સામેલ કરાયાં હતાં.
v તેમનાં સાસુ સ્વાતિ પિરામલ સાયન્ટિસ્ટ અને ઈન્ડસ્ટ્રીયાલિસ્ટ છે.
v 2018માં થયેલાં તેમનાં લગ્ન દુનિયામાં અત્યાર સુધીના સૌથી મોંઘા લગ્નમાંના એક કહેવાય છે. આ લગ્નમાં લગભગ રૂ. 700 કરોડનો ખર્ચ થયો હોવાનું મનાય છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter