ભારતમાં આજે મહિલાઓ આજે જાતમહેનતથી સફળતાની સીડીઓ ચડી રહી છે. તેને જો તક આપવામાં આવે તો ધરતી નાની પડે એમ છે. એવી કેટલીય મહિલાઓ છે જેણે દેશ અને દુનિયામાં પ્રસિદ્ધિ મેળવી છે. આવું જ એક નામ રુચિરા કંબોજનું પણ છે. વાત જાણે એમ છે કે રુચિરા કંબોજની યુનાઇટેડ નેશન્સ (યુએન)માં ભારતીય રાજદૂત તરીકે પસંદગી કરવામાં આવી છે. આ મુકામ સુધી રુચિરા કંબોજ રાતોરાત પહોંચી ગયાં નથી. અહીં સુધી પહોંચવા માટે તેમણે અઢળક મહેનત અને પ્રશંસનીય કામગીરી કરી છે.
કોણ છે આ રુચિરા કંબોજ? એમના વિશે આપણને જાણવાની ઇચ્છા થાય એ સ્વાભાવિક છે. રુચિરા 1987ની સિવિલ સેવા બેચમાં ટોપર રહી ચૂક્યાં છે. રુચિરા છેલ્લે ભૂતાનમાં ભારતનાં રાજદૂત તરીકે ફરજ બજાવતાં હતાં, અને હવે તેઓ યુએનમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યાં છે. રુચિરા ભૂતાનમાં ભારતનાં પ્રથમ મહિલા રાજદૂત હતાં. ભૂતાનમાં રાજદૂત બન્યાં એ પહેલાં તેઓ સાઉથ આફ્રિકામાં ભારત સરકારનું પ્રતિનિધિત્વ કરી ચૂક્યાં છે. તો તેઓ યુનેસ્કોમાં ભારતનાં રાજદૂત તરીકે પણ કામ કરી ચૂક્યાં છે.
રુચિરા કંબોજની કરિયરની શરૂઆતની વાત કરીએ તો તેમણે પેરિસ સ્થિત ભારતીય હાઇ કમિશનમાં થર્ડ સેક્રેટરી તરીકે કામ કર્યું હતું. એ દરમિયાન તેમણે ફ્રેન્ચ ભાષા શીખી અને થોડાક જ સમયમાં તો તેમની કામગીરીને ધ્યાને લઇ ભારતીય એમ્બેસીમાં સેકન્ડ સેક્રેટરી તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. આ પછી તેઓ ભારત પરત ફર્યાં અને વિદેશ મંત્રાલયમાં અંડર સેક્રેટરી તરીકે પશ્ચિમી યુરોપ ડિવિઝનનું કામકાજ સંભાળ્યું હતું. અહીંથી રુચિરા કંબોજ અટક્યાં નહીં, તેઓ ફર્સ્ટ સેક્રેટરી બનીને મોરેશિયસ પહોંચ્યાં. એ પછી પણ રુચિરા કંબોજને વિદેશ મંત્રાલયમાં એક યા બીજા સમયે મહત્ત્વની જવાબદારી સોંપાતી ગઇ, અને તેઓ સફળતાપૂર્વક તેને પાર પાડતા રહ્યાં. 2014માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભ કાર્યક્રમનું નિર્દેશન કરવા સહિતના વિશેષ એસાઇન્મેન્ટ માટે રુચિરાને બોલાવાયાં હતાં. અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો અપાવવામાં પણ તેમનું મહત્ત્વનું યોગદાન છે. તેમણે આ મુદ્દે યુનેસ્કોમાં રજૂઆત કરનાર ભારતીય ટીમનું નેતૃત્વ કર્યું હતું.
યુનાઇટેડ નેશન્સમાં કામ કરવાના અનુભવની વાત કરીએ તો રુચિરા 2002થી 2005 સુધી યુનાઇટેડ નેશન્સમાં ભારતના સ્થાયી મિશનમાં પરામર્શ દાતાના રૂપમાં કામ કરી ચૂક્યાં છે. ત્યાં તેમણે સંયુક્ત રાષ્ટ્ર શાંતિ સ્થાપના, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ સુધાર, મધ્ય પૂર્વ સંકટ વગેરે ઉપરાંત અનેક રાજકીય મુદ્દા ઉપર કામ કર્યું હતું.
આમ, કરિયરમાં સતત સક્રિય ને પ્રશંસાજનક કામ કર્યા બાદ હવે તેમણે યુનાઇટેડ નેશન્સમાં કાર્યભાર સંભાળ્યો છે. યુનાઇટેડ નેશન્સમાં ભારતના રાજદૂત તરીકે કાર્યભાર સંભાળનાર ટી.એમ. તિરુમૂર્તિના તેઓ અનુગામી બન્યાં છે.
રુચિરા કંબોજના અંગત જીવનની વાત કરીએ તો તેમણે બિઝનેસમેન દિવાકર કંબોજ સાથે લગ્ન કર્યાં છે. તેમને એક દીકરી પણ છે. રુચિરા કંબોજના પિતા ભારતીય સેનામાં ઉચ્ચ અધિકારી હતા. જ્યારે તેમનાં માતા દિલ્હી યુનિવર્સિટીમાં સંસ્કૃતના પ્રાધ્યાપક હતાં. પ્રાધ્યાપક હોવાની સાથે સાથે જ તેઓ લેખક પણ હતાં. રુચિરા હિન્દી, અંગ્રેજી અને ફ્રેંચ એમ ત્રણ ભાષા પર પ્રભુત્વ ધરાવે છે.
યુવતીઓને આગેકૂચ માટે પ્રેરણા આપતાં માટે રુચિરા કહે છે કે દરેક સ્ત્રીને પોતાનામાં વિશ્વાસ હોય તો તેઓ ઇચ્છે તે મુકામ હાંસલ કરી શકે છે.