વર્ષ - પ્રતિ વર્ષ ફેશન અને સ્ટાઇલ ભલે બદલાતા રહે, પરંતુ ફેશનના બેઝિક કમ્પોનન્ટ તો યથાવત્ જ રહેતા હોય છે. ફેશન અવેરનેસની સાથે તેની ટર્મિનોલોજી, ગાર્મેન્ટ, વસ્ત્રના વિવિધ ભાગ અને તેના વેરીએશન સમજવા ખૂબ જ જરૂરી બને છે. ગાર્મેન્ટના પાર્ટની સાથે-સાથે વિવિધ કોમ્બિનેશન કરીને નીત-નવી ડિઝાઇન્સ તૈયાર કરી શકાય છે. આજે આપણે વાત કરશું કોલર્સની, જે વસ્ત્રનો વર્ષોથી ચાલ્યો આવતો એક ભાગ છે. આ બેઝિક કમપોનન્ટના વિવિધ શેપની ફેશનેબલ દુનિયાના ‘ઊંચા કોલર’ બનાવવા માટે જરૂર પડે છે. સાચા કોમ્બિનેશન - વસ્ત્રના કટ, સ્ટાઇલ, પેટર્ન અને મેચિંગ - સાથે વ્યક્તિના પોતાના રૂપ, રંગ, શેપ અને બોડી સ્ટ્રકચરનો તાલમેળ થવો પણ એટલો જ જરૂરી બને છે અને જો આ કેમિસ્ટ્રી પાર પડી ગઈ તો પછી પૂછવું જ શું? ‘પરફેક્ટ વુમન’નું લેબલ આપોઆપ લાગી જાય છે.
વ્યક્તિએ પહેરેલા કોઈ પણ પહેરવેશમાં સૌથી ઉપર અને સૌથી પ્રથમ કોલર આવે છે. કહેવત છે ને ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન... બસ આ જ રીતે જે ગાર્મેન્ટનો કોલર વસ્ત્રને અને વ્યક્તિને બંધ બેસે એટલે પરફેક્ટ ડ્રેસ. કોલરનું સારું ફિટીંગ વ્યક્તિને નિખારે છે, તો ઇલફીટેડ કોલર આખાય આઉટફિટનો આકાર બગાડી પણ નાખે છે.
જ્યારે કોલરની વાત કરવાની હોય ત્યારે નેકલાઈનનો ઉલ્લેખ જરૂરી બને છે, કારણ કે બંને એકબીજાના પૂરક છે. જ્યારે નેકલાઈનને વિશેષરૂપે પ્રદર્શિત કરવાની હોય છે ત્યારે કોલરનો મોટા ભાગે ઉપયોગ થતો નથી, પરંતુ વસ્ત્રમાં જ્યારે કોલર્સ હોય ત્યારે નેકલાઈન પણ હાઇલાઇટ થતી હોય છે. કોલર એ ડેકોરેટિવ ફીચર્સ છે, જે વ્યક્તિના અને વસ્ત્રના મુખને અને દેખાવને હાઇલાઇટ કરે છે.
કોલર નામનો આ નાનકડો ટુકડો દરેક પ્રકારના ગાર્મેન્ટમાં અલગથી કપાય છે, સિવાય છે અને બનાવાય છે. એટેચેબલ કોલર્સ પણ રખાય છે, જે અલગથી જોડાઈ શકે છે અને તેને દૂર પણ કરી શકાય છે. ફેશન અને ઇલસ્ટ્રેશનમાં ઓછામાં ઓછા ૧૫૦થી પણ વધુ કોલર્સ અજમવાની શકાય છે અને અનેક સંભાવનાઓ શક્ય બનાવી શકાય છે. દરેકની પોતાની આગવી વિશેષતા છે.
જોકે કોલર્સના બેઝિક ત્રણ જ શેપ હોય છે.
• ફ્લેટઃ નેકલાઈનની માફકના જ શેપનો કોલર જે ફ્લેટ (સપાટ) હોય છે, તે ગળા અને શોલ્ડર ઉપર બેસી જાય તેવો હોય છે.
• રોલ્ડ: નેકલાઈનના ભાગેથી આ કોલર્સ ઊભા હોય છે, પરંતુ ફોલ્ડ થયા પછી શોલ્ડર ઉપર તે બેસી જાય તેવા હોય છે.
• સ્ટેન્ડઃ નેકલાઈનથી ફોલ્ડ થયા પછી આ પ્રકારના કોલર્સ ઊભા હોય છે, જે ગળાથી ખુલ્લા, પરંતુ સ્ટેન્ડ-અવે રહે છે.
હવે આપણે એ જાણીએ કે કયા આઉટફિટ ઉપર કેવા કોલર્સ શોભશે.
• ટ્રેડિશનલ સાડી-બ્લાઉઝ અને સલવાર-કમીઝઃ આપણે ત્યાં ગૃહિણીઓ જે વસ્ત્રો પહેરે છે તેમાં કોલરનો ઓછો ઉપયોગ થાય છે. આ વસ્ત્રોમાં કોલર કરતાં સિમ્પલ અને એલિગન્ટ નેકલાઈન્સ વધુ સારી લાગે છે.
• કુરતા-કુરતી અને ઝભ્ભાઃ આવા ડ્રેસ ઉપર પ્રુશિયન, કોલર સ્ટેન્ડ, ડેન્ડી વિંગ તથા કન્વર્ટેબલ કોલર સારા લાગે છે. આ ઉપરાંત જગવિખ્યાત બનેલ મેનડ્રીડ કોલર કલાસીક ટચ આપશે.
• વેસ્ટર્નવેર અને ઓફિસવેરઃ યંગસ્ટર્સ અને વર્કિંગ વુમનના આઉટફિટમાં કોલર્સનો ઉપયોગ વધુ હોય છે. આવા મોડર્ન આઉટફિટ ઉપર શોલ, હાઇકોલર, એસ્કોર્ટ અને ચોકર કોલર લગાવી શકાય. આ કેટેગરીમાં આ ઉપરાંત વિવિધ કોલર્સ પણ અજમાવી શકાય છે.
• કોટ, સૂટ અને જેકેટઃ મહિલાઓની સાથે પુરુષોમાં પણ આવા ગાર્મેન્ટ રેગ્યુલર વેરમાં વપરાશમાં હોય છે. આમાં પીકલેપલ, ફેમસ બનેલ મિલાનો કોલર, ક્રોસ ઓવર ઉપરાંત રિવર ટાઇપ મુખ્યત્વે છે.
• નાઇટ ડ્રેસઃ નાઇટવેરની શાન તેના કોલર અને નેકલાઇન ઉપર જ રહેલી છે. મેઇન યુઝમાં આવતી પિક્ચર, ડ્રેપ, પીરોટ સ્ટાઈલ, ફ્રીલ, ઓફ શોલ્ડર, હોલ્ટર નેક અને ફોર કલર લોકોને વધુ પસંદ છે.
• સ્વેટરઃ ઠંડીથી બચવા માટે પહેરાતાં મોટા ભાગના સ્વેટરના કોલર બંધ ગળાના હોય છે, જેમાં મુખ્યત્વે ફનેલ, ટર્ટલ શેપ અને સ્ટેન્ડ-અપ કોલરનો ઉપયોગ થાય છે. ઓછા ગરમ હોય તેવા સ્વેટર કોલરલેસ પણ હોય છે.
• વીન્ડશીટર અને રેઇનકોટઃ ઠંડીથી અને વરસાદથી બચવા પહેરાતા ફેન્સી વીન્ડશીટરમાં રિવર, ટેઇલર્ડ કોલર ઉપરાંત રેઇનકોટ માટે વિંગ, આખું માથું અને વાળ ઢંકાય તેવા હુડેડ કોલર મુખ્યત્વે છે.
• સ્કર્ટ-ટોપ અને સ્કૂલ ડ્રેસીસઃ ટીનએજરો માટેનાં આવાં વસ્ત્રો માટે હોર્સ શૂ (ઘોડાની નાળ જેવા), સ્ટેન્ડ-અવે, સ્ટ્રેપ, પીરોટ અને ફ્રીલ રિવર જેવી કોલર્સની પેટર્ન જાણીતી છે.
વસ્ત્રમાં કોલરની પસંદગી વ્યક્તિના કદ-કાઠીને ધ્યાનમાં રાખીને કરવામાં આવે તો એ વ્યક્તિત્વને ચાર ચાંદ લગાવી દે છે. આથી જ કોલરની પસંદગી વેળા આટલી બાબતોની અવશ્ય કાળજી લો...
• હેવી બોડી અને હેવી બસ્ટવાળી મહિલાઓએ હોર્સ શૂ, બર્થા જેવા ફ્લેટ કોલરનો ઉપયોગ કરવો જોઈએ.
• હાઈટ ઓછી હોય એવી વ્યક્તિએ કોલર વગરના ગાર્મેન્ટ અથવા તો પીટર પાન, ક્રૂ જેવા નાના કોલર કે જે સ્ટેન્ડ ન હોય તેવા પહેરવા જોઈએ.
• લાંબી ડોક હોય તેવા લોકોએ ટર્ટલ, પિક્ચર, ફનેલ અને ચોકર જેવા કોલર અવશ્ય અજમાવવા જોઈએ.
• પાતળી અને હાઇટવાળી વ્યક્તિઓ ફ્રીલ રિવર, ડ્રેપ, સ્ટેન્ડ-અવે અને પુરિટોન જેવા કોલર પસંદ કરશે તો બ્રોડ દેખાવ આવશે.
• જેમનું બોડી સપ્રમાણ છે તેમને ઓપન કન્વર્ટેબલ, રિવર, શોલ, બટન ડાઉન, મેન્ડ્રિડ અથવા તો કોઈ પણ પ્રકારના રોલ્ડ કોલર સારા લાગશે.
• મોઢું અને શોલ્ડર મોટા હોય તેમને ડેન્ડી વિંગ, વિંગ કે ચાઇનીઝ કોલર જેવા નાના પરંતુ સ્ટેન્ડ કોલર સારા લાગશે.