દુબઈઃ ઈસ્લામિક દેશ સાઉદી અરેબિયા એક સમયે તેના કટ્ટરવાદી અભિગમ માટે બદનામ હતું. જોકે સમય સાથે તેની નીતિરીતિ અને અભિગમમાં બદલાવ આવી રહ્યો છે. મોહમ્મદ બિન સલમાન અલના શાસનમાં તે ઉદાર વિચારસરણી અપનાવીને પોતાની છાપ સુધારી રહ્યું છે. અત્યાર સુધી મિસ યુનિવર્સ સ્પર્ધાથી દૂર રહેલા સાઉદી અરેબિયાએ હવે સત્તાવાર રીતે મિસ યુનિવર્સ સ્પર્ધામાં ભાગ લેવાની જાહેરાત કરી છે. આવી જાહેરાત કરનાર તે પ્રથમ ઇસ્લામિક દેશ બન્યો છે. 27 વર્ષની સુંદર મોડેલ રુમી અલકાતહાની દેશનું પ્રતિનિધિત્વ કરશે.
સાઉદી અરેબિયા માટે આ ઐતિહાસિક પગલું છે. આ પહેલા સાઉદી અરેબિયામાં ફક્ત બિનમુસ્લિમોને જ આલ્કોહોલ ખરીદવાની છૂટ હતી. આ પહેલા મહિલાઓને જાહેરમાં ગાડી ચલાવવા અને પુરુષોની સાથે કાર્યક્રમોમાં ભાગ લેવા છૂટ આપવામાં આવી ચૂકી છે.
મોડેલ રુમીએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર જાણકારી આપતાં કહ્યું હતું કે તે મિસ યુનિવર્સ સ્પર્ધામાં પોતાના દેશ સાઉદી અરેબિયાની પ્રથમ સ્પર્ધક હશે. રિયાધમાં રહેતી રુમીને ઈન્ટરનેશનલ ફેસ્ટિવલોમાં ભાગ લેવા માટે ઓળખવામાં આવે છે.
રુમીએ જણાવ્યું હતું કે મારે વૈશ્વિક સંસ્કૃતિઓ અંગે જાણકારી મેળવવી છે તો સાઉદી અરેબિયાના ભવ્ય સાંસ્કૃતિક વારસાની જાણ સમગ્ર વિશ્વને કરવી છે. રુમી અત્યાર સુધીમાં મિસ સાઉદી અરબનો તાજ જીતવા ઉપરાંત મિસ મિડલ ઇસ્ટ, મિસ અરબ વર્લ્ડ પીસ 2021 અને મિસ વુમન (સાઉદી અરબ)નું ટાઇટલ જીતી ચૂકી છે.