ટેકસાસ: અમેરિકાના ટેકસાસ સ્ટેટમાં એક યુગલ ગ્રાહકે વેઇટ્રેસને બ્રાન્ડ ન્યૂ કાર ગિફ્ટ આપી છે. વેઇટ્રેસ એન્ડ્રિયા એડવર્ડની સંઘર્ષની ગાથા સાંભળીને એક યુગલે તેની મદદ કરવાનું નક્કી કર્યું અને ક્રિસમસ હોલિ-ડે સિઝન શરૂ થાય તે પહેલાં તેને કાર ગિફ્ટ કરી છે. એન્ડ્રિયા ગેલેવિસ્ટન શહેરની ડેનિસ રેસ્ટોરન્ટમાં વેઇટ્રેસની નોકરી કરે છે. તેની પાસે વાહન ન હોવાથી તે રોજ ૨૨ કિલોમીટર ચાલીને નોકરી પર આવતી હતી.
એન્ડ્રિયા કાર ખરીદવા પૈસા તો ભેગા કરી જ રહી હતી, જેના માટે તે રોજ ૫ કલાક ચાલીને જોબ પર પહોંચતી. એન્ડ્રિયા નોકરી કરે છે તે રેસ્ટોરાંમાં એક યુગલે આ યંગ લેડીની સ્ટ્રગલ સ્ટોરી સાંભળી હતી. તે દિવસે કપલે તેમનો નાસ્તો પૂરો કર્યો અને એક નવી કાર ખરીદીને પાછા આવ્યા અને તે કાર અન્ડ્રિયાને ગિફ્ટ કરી. એન્ડ્રિયાને પહેલાં તો આ મજાક લાગી અને પછી તેના આંખો ખુશીથી ભીની થઇ ગઇ.
હવે આ કાર દ્વારા તે ૫ કલાકને બદલે માત્ર ૩૦ મિનિટમાં નોકરીના સ્થળે પહોંચી જઈ શકે છે. કાર મળ્યા પછી એન્ડ્રિયાએ કહ્યું કે, મને હજુ હું સપનું જોતી હોવું તેવું લાગી રહ્યું છે દર બે કલાકે હું રેસ્ટોરન્ટની બારીની બહાર જોઉ છું કે મારી કાર બહાર છે કે નહીં? હું આ ગિફ્ટ બદલ તે કપલની દિલથી આભારી છું. કપલે જણાવ્યું કે, અમારે એન્ડ્રિયા પાસેથી કોઇ રિર્ટન ગિફટ નથી જોઇતી. આ તેની ક્રિસમસ ગિફટ છે. અમને આશા છે, કે તેની નાણાકીય સ્થિતિ સારી થઇ જશે અને તે પણ ક્યારેક બીજાની મદદ કરશે.