રોયલ નેવીમાં ૫૦૦ વર્ષમાં પહેલી વખત મહિલા રિયર એડમિરલ

Saturday 12th June 2021 08:16 EDT
 
 

લંડનઃ  બ્રિટનના નૌકાદળ રોયલ નેવીએ પ્રથમ મહિલા રિયર એડમિરલના નામની જાહેરાત કરી છે. નેવીના ૫૦૦ વર્ષના ઇતિહાસમાં પહેલી વાર કોઇ મહિલાની રિયર એડમિરલ તરીકે વરણી કરાઇ છે. ૪૭ વર્ષનાં કોમોડોર જૂડ ટેરી ઓગસ્ટ ૨૦૨૨થી આ હોદ્દાનો કાર્યભાર સંભાળશે. આ પદ સૈન્યના મેજર જનરલ અને એરફોર્સના વાઇસ માર્શલને સમકક્ષ છે.
બ્રિટનમાં આર્મી અને એરફોર્સમાં તો આ પદ પર મહિલાઓ પહેલેથી છે, નેવીમાં આ પહેલી નિમણૂક છે. રિયર એડમિરલ તરીકે જૂડ ટેરી નેવીના સૈનિકો-સેઇલર્સની નિમણૂક અને સેવાનિવૃત્તિનાં કાર્યોની જવાબદારી સંભાળશે તથા તેમની તાલીમ, કલ્યાણ અને કરિયર મેનેજમેન્ટની જવાબદારી સંભાળશે. જૂડી ટેરી હાલ નેવીના પરિવહન જહાજ એચએમએસ ઓશન પર તહેનાત છે. આ જહાજ બ્રિટિશ નેવીના હેલિકોપ્ટર્સનું લેન્ડિંગ પ્લેટફોર્મ છે. જૂડ ચેનલ-૪નાં યુદ્ધજહાજોની સીરિઝનું નિર્માણ કરનારી ટીમના વડા પણ રહી ચૂક્યાં છે.
નેવીમાં ૧૯ વર્ષની કારકિર્દી ધરાવતાં જૂડ ટેરી રોયલ નેવી લોજિસ્ટિક્સ ઓફિસરથી માંડીને ડેપ્યુટી ડાયરેક્ટર ઓફ પીપલ ડિલિવરી સુધીના વિવિધ પદ પર રહી ચૂક્યાં છે. તેમને ૨૦૧૭માં ઓર્ડર ઓફ ધ બ્રિટિશ એમ્પાયર (ઓબીઇ) સન્માનથી નવાજાયા હતા. સૈન્યના માધ્યમથી દેશસેવાની પ્રેરણા તેમને પિતા પાસેથી મળી. તેમના પિતા રોબિન રોયલ નેવીના એચએમએસ ટાઇગર જહાજના અધિકારી હતાં. જૂડ ટેરીએ યુનિવર્સિટી ઓફ ડંડીમાંથી ૧૯૯૭માં ગ્રેજ્યુએશન કર્યું છે. તેઓ ડિફેન્સ સ્ટડીમાં પોસ્ટ ગ્રેજ્યુએટ છે.
રોયલ નેવીમાં હાલ ૩૦ હજાર અધિકારી-કર્મચારી ફરજ બજાવે છે, જેમાં ૧૨ ટકા મહિલાઓ છે. આ પ્રમાણ વર્ષ ૨૦૩૦ સુધીમાં વધારીને ૨૦ ટકા કરવાનું આયોજન છે. નોંધનીય છે કે રિયર એડમિરલનો હોદ્દો વાઇસ એડમિરલ અને એડમિરલથી નીચે હોય છે પણ તે કેપ્ટન અને કમાન્ડરથી ઊંચુ પદ છે. વર્ષ ૨૦૧૯ના આંકડા મુજબ રોયલ નેવીમાં ૩૪ એડમિરલ, વાઇસ એડમિરલ અને રિયર એડમિરલ છે.

આ સન્માનથી ખુશઃ જૂડ ટેરી
રિયલ એડમિરલ તરીકે નિમણૂક બાદ જૂડ ટેરીએ કહ્યું હતું કે, ‘હું આ સન્માનથી ખુશ છું. નેવીમાં મારી ઓળખને હંમેશા સન્માન મળ્યું છે. હું મહિલા હોવાના નાતે મારી સાથે ક્યારેય ભેદભાવ નથી કરાયો. આપણને આપણા કામનું ફળ ક્યારેક તો મળી જ જાય છે. હું મારી સફળતામાં મારા માતા અને બહેનનું યોગદાન સૌથી મોટું માનું છું. તેમણે જ મને સાચો માર્ગ ચીંધ્યો.’


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter