તહેવાર હોય કે ઘરનો પ્રસંગ વસ્ત્રોની સાથે સાથે જ્વેલરીની પણ જુદી જુદી વેરાયટી જોવા મળતી હોય છે અને સરસ મજાના ઘરેણાં વિના તો સ્ત્રીઓને દરેક પ્રસંગ અધૂરાં જ લાગવાના. ગળાના ઘરેણા ચોકરની વાત કરીએ તો ચોકરથી ફેશનપરસ્ત સ્ત્રીઓ અજાણી નહીં જ હોય. ચોકર એવો ગળાબંધ નેકલેસ છે જેને પહેરવાથી દરેક સ્ત્રીને એક રજવાડી ઘરાના જેવો લૂક મળે છે. ઉપરાંત ચોકર લગ્ન સિઝનમાં નવવધૂ માટે પણ એક વિશેષ ઓળખ આપતું ઘરેણું છે. પહોળા ગળાના બોટનેક બ્લાઉઝ કે પછી લોકેટ ઇવનિંગ ગાઉન, લોંગ ફ્રોક, શોર્ટ ફ્રોક, અનારકલી જેવા તમામ હેવી લૂક આપતા પોશાક પછી તે ઇન્ડિયન હોય કે વેસ્ટર્ન કે પછી ઇન્ડો વેસ્ટર્ન બધાં સાથે ચોકર રોયલ કે વિન્ટેજ લૂક આપે છે. સામાન્ય રીતે વર્ષો પહેલાંના સોનાનાં ઘરેણા પર કુંદનનું કે મીણાનું કામ રહેતું હતું. એ પછી ડાયમંડના ચોકર પણ ઘણા પ્રચલિત બન્યાં. જોકે હવે ચોકર ડાયમંડની સાથે જડતર, પોલકી, મોતી, સ્ટોનની કારીગરી અને ડિઝાઇનવાળા ચોકર પણ જોવા મળે છે.
ચોકર ડિઝાઇન તમને ડ્રેસીસમાં ઇન બિલ્ટ પણ મળે છે જે અલગ અલગ બજેટ પ્રમાણે હોય છે. ઘણા ગાઉનમાં કે અનારકલીમાં જરદોશી સાથે કે મોતી કે ટીકી વર્ક સાથે ચોકર જેવી ડિઝાઇન બનાવવામાં આવે છે, પરંતુ મોટાભાગે સ્ત્રીઓ અલગ દાગીના સ્વરૂપે જ ચોકર ખરીદવાનું પસંદ કરે છે. હાલમાં બિકાનેરી જડતર તથા લાખ વર્કના કોમ્બિનેશનમાં પણ મળતા ચોકર ઇન ટ્રેન્ડ છે. કાળા - ઝીણાં કીડિઆની ત્રણ ચાર સેરની આંટી સાથે ડાયમંડના ચોકર બ્રિટિશ શાહી ઠાઠ જેવા દેખાય છે.
વિવિધ ધાતુમાંથી ચોકર
સિલ્વરમાં વ્હાઇટ મોતી સાથેના કોમ્બિનેશનના ચોકર પણ ઇન ટ્રેન્ડ છે. હાલમાં કન્ફી ચોકર પણ ખૂબ પસંદગી પામ્યા છે. તેથી ઓછા બજેટમાં ખરીદી શકાય અને રૂટિન ફંકશનામાં પહેરી શકાય તેવા ચોકર રિબિન, વેલ્વેટ તેમજ બિન નેકલેસ તરીકે મળી રહે છે.
પ્રસંગ પ્રમાણે પસંદગી
લગ્નના ફંકશન્સ માટે તો જડતર અને શાહી લૂક આપતા ચોકર જ પસંદગી પામે છે જ્યારે મીડિયમ ચોકર નેકલેસ બહુ લાઇટ પણ નહીં અને બહુ હેવી પણ નહીં પરંતુ બેલેન્સ લૂક આપે છે. જેને તમે ઘરના પ્રસંગોમાં પહેરી શકો છો. હેવી ચોકર-નેકલેસ કે જેનાથી આખું ગળું અથવા ડોક ભરાઈ જાય છે એવા ચોકર લગ્ન કરનાર નવવધૂને ગળે જ શોભે છે. ચોકરમાં વિવિધ સ્ટાઇલ પણ જોવા મળે છે એ પ્રમાણે ચોકર નાના-મોટા કે મીડિયમ સાઇઝના હોય છે અને તે મોટાભાગે ચોકર ગોળ હોય છે, પરંતુ હવે તે ચોરસ તેમજ શંકુ આકારની ડિઝાઇનમાં પણ જોવા મળે છે. ઉપરાંત ચોકર અર્ધ ગોળાકાર હોય છે.