નવી દિલ્હી: ભારતની ટોચની 100 ધનિક મહિલાઓમાં જેટસેટ ગોના કનિકા ટેકરીવાલે સૌથી યુવાન સભ્ય તરીકે સ્થાન મેળવ્યું છે તો HCL ટેક્નોલોજીસના ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રા ભારતના સૌથી શ્રીમંત મહિલા બન્યા છે.
HCL ટેક્નોલોજીસના ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રા 84,330 કરોડ રૂપિયાની નેટવર્થ સાથે ભારતનાં સૌથી ધનિક મહિલા સ્થાપિત થઈ છે. 31 ડિસેમ્બર 2021ના રોજ મહિલાઓની નેટવર્થના આધારે તૈયાર કરવામાં આવેલ ‘કોટક પ્રાઈવેટ બેંકિંગ હુરુન - લીડિંગ વેલ્થ વુમન લિસ્ટ’ની ત્રીજી આવૃત્તિ અનુસાર, તેણીએ સતત બીજા વર્ષે આ સ્થાન જાળવી રાખ્યું છે. અહેવાલમાં જણાવાયું છે કે નાયકાનાં ફાલ્ગુની નાયર બાયોકોનના કિરણ મઝુમદાર-શોને પાછળ મુકીને 57,520 કરોડ રૂપિયાની નેટવર્થ સાથે ભારતની સૌથી ધનિક સેલ્ફમેડ મહિલા બની
ગયાં છે.
રિપોર્ટમાં કહેવાયું છે કે વર્ષ 2021માં રોશની નાડરની કુલ સંપત્તિનો 54 ટકાના વધારો 84,330 કરોડ રૂપિયા થયો છે. ઉલ્લેખનીય છે કે રોશની HCL ટેક્નોલોજીસના સંસ્થાપક શિવ નાડરના પુત્રી છે. જ્યારે સેલ્ફ મેડ કેટેગરીમાં નાયકાના ફાઉન્ડર ફાલ્ગુની નાયર 57,520 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ સાથે ટોચના સ્થાને છે. રિપોર્ટ અનુસાર નાયરની સંપત્તિમાં 2021માં 963 ટકાનો વધારો થયો છે. તેઓ ભારતના બીજા નંબરના સૌથી ધનિક મહિલા છે.
આ સિવાય બાયોકોનના કિરણ મજુમદાર-શોની કુલ સંપત્તિ 21 ટકા ઘટીને 29,030 કરોડ રૂપિયા રહી ગઈ છે. તેમ છતાં તેઓ દેશના ત્રીજા નંબરના સૌથી શ્રીમંત મહિલા છે. આ રિપોર્ટ અનુસાર યાદીમાં સામેલ 100 મહિલાઓની કુલ સંપત્તિ 2021માં 53 ટકાના વધારા સાથે 4.16 લાખ કરોડ રૂપિયા પર પહોંચી ગઈ છે. જે 2020માં 2.72 લાખ કરોડ રૂપિયા હતી.
કનિકા ટેકરીવાલ સૌથી યુવા
આ સિવાય જેટસેટગોનાં 33 વર્ષીય કનિકા ટેકરીવાલ યાદીમાં સૌથી યુવા સેલ્ફ મેડ રિચ વુમન છે. આ અમીર મહિલાઓની ઉંમર અંગે નારિપોર્ટમાં જણાવાયું છે કે યાદીમાં મહિલાઓની વર્તમાન સરેરાશ ઉંમર અગાઉની યાદીની સરખામણીએ વધીને 55 વર્ષ થઈ ગઈ છે. 40 વર્ષ કે તેથી ઓછી વયની 20માંથી 9 મહિલાઓ સેલ્ફ મેડ છે.
દેશની જીડીપીમાં ૨ ટકા પ્રદાન
આ મહિલાઓ ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં બે ટકાનો ફાળો આપે છે. મહિલા ધનાઢયોની આ યાદીમાં સૌથી વધુ દિલ્હી-એનસીઆરની 25 મહિલા સામેલ છે. તે બાદ મુંબઇ (21), હૈદરાબાદ (12)નું સ્થાન છે. ઉદ્યોગોની વાત કરીએ તો ટોચની 100 મહિલાઓમાં 12 ફાર્મા સેક્ટરની, 11 હેલ્થ કેર સેક્ટરમાંથી અને નવ કન્ઝ્યુમર ડ્યુરેબલ ક્ષેત્રમાંથી છે.
એપોલો હોસ્પિટલ્સ એન્ટરપ્રાઇઝની ચાર મહિલાઓએ પણ આ યાદીમાં પોતાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. તો ભોપાલ સ્થિત જેટસેટ ગોના કનિકા ટેકરીવાલ (33 વર્ષ) આ યાદીમાં સૌથી ઓછી વય ધરાવતા મહિલા છે.
યાદીમાં 25 નવા ચહેરાં
ભારતની સૌથી ધનિક મહિલાઓની 2021ની આવૃત્તિ વિશેષરૂપે એવી મહિલાઓ પર કેન્દ્રિત છે જેમણે કોર્પોરેટ જગતમાં ઉચ્ચ હોદ્દા પર પોતાને સ્થાપિત કરી હોય. 25 નવા ચહેરાઓએ આ યાદીમાં સ્થાન મેળવ્યું છે, જેમણે 2020માં £100 કરોડ રૂપિયાની સામે 2021માં કટ-ઓફ તરીકે £300 કરોડ મેળવ્યા છે. રિપોર્ટમાં જે મુખ્ય વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે એ છે કે મહિલાઓની સરેરાશ સંપત્તિ 2021માં વધીને 4,170 કરોડ રૂપિયા થઈ ગઈ છે, જે અગાઉની આવૃત્તિમાં 2,725 કરોડ રૂપિયા હતી.