ભારતના પ્રતિષ્ઠિત એવા કોર્પોરેટ ગ્રૂપ એચસીએલના સંસ્થાપક શિવ નાદરે તાજેતરમાં તેમની પુત્રી રોશની નાદર - મલ્હોત્રાને કંપનીની 47 ટકા ભાગીદારી ટ્રાન્સફર કરી છે. આ સાથે જ તેઓ ભારતનાં સૌથી ધનિક મહિલા બની ગયાં છે. બ્લૂમબર્ગ બિલિયનેયર્સ ઈન્ડેક્સ અનુસાર, રૂ. 3.13 લાખ કરોડની સંપત્તિની સાથે રોશની હવે ત્રીજા નંબરનાં સૌથી ધનિક ભારતીય બની ગયાં છે. તેમના કરતાં વધુ સંપત્તિ ફક્ત મુકેશ અંબાણી (રિલાયન્સ ગ્રૂપ) અને ગૌતમ અદાણી (અદાણી ગ્રૂપ)ની પાસે છે.
રોશની નાદર પહેલા તેમના પિતા શિવ નાદર ભારતના ત્રીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ હતા. તેમના નેતૃત્વવાળી એચસીએલ ટેકનોલોજી દેશની ત્રીજા ક્રમની સૌથી મોટી આઈટી કંપની છે. એચસીએલ કંપનીનું માર્કેટ કેપ રૂ. 4.20 લાખ કરોડ છે. એમાં હવે અડધાથી વધુ ભાગીદારી શિવ નાદરની પુત્રી રોશની પાસે છે.
રોશની નાદર બ્રિટનની નોર્થવેસ્ટર્ન યુનિવર્સિટીમાંથી કોમ્યુનિકેશનમાં ગ્રેજ્યુએટ થયેલાં છે, અને કેલ્લોગ સ્કૂલ ઓફ મેનેજમેન્ટમાંથી એમબીએ કર્યું છે. રોશનીએ બ્રિટનનાં મોખરાના મીડિયા હાઉસ સ્કાય ન્યૂઝમાં પ્રોડ્યુસર તરીકે કારકિર્દીનો આરંભ કર્યો હતો.
રોશની 2009માં પિતાની કંપની એચસીએલ ટેકનોલોજી અને એચસીએલ ઈન્ફોસિસ્ટમ્સની હોલ્ડિંગ કંપની એચસીએલ કોર્પોરેશનમાં જોડાયાં હતાં. 2020માં તેઓ એચસીએલ ટેકનાં ચેરપર્સન બન્યા હતા. તેમના નેતૃત્વમાં એચસીએલએ રૂ. 13,740 કરોડમાં આઈબીએમની 7 પ્રોડક્ટ ટેઇકઓવર કરી હતી. એચસીએલના ઇતિહાસમાં આ સૌથી મોટું ટેઇકઓવર હતું.
રોશની નાદર હવે દેશનાં સૌથી ધનિક મહિલા પણ છે. આ મામલામાં તેમણે સાવિત્રી જિંદાલને પાછળ મૂક્યા છે. સાવિત્રી જિંદાલની પાસે કુલ રૂ. 2.63 લાખ કરોડની સંપત્તિ છે. જિંદાલ ભારતનાં પાંચમા ક્રમની સૌથી અમીર હસ્તી છે.
બ્લૂમબર્ગ બિલિયનેયર્સ - ઈન્ડિયા લિસ્ટ મુજબ, મુકેશ અંબાણી રૂ. 7.7 લાખ કરોડની સંપત્તિ સાથે સૌથી અમીર ભારતીય છે. બીજા નંબરે રૂ. 6 લાખ કરોડની સંપત્તિ સાથે અદાણી ગ્રૂપના મોભી ગૌતમ અદાણી છે.
રોશની નાદર યુએસ ઈન્ડિયા સ્ટ્રેટજિક પાર્ટનરશિપ ફોરમમાં બોર્ડ ઓફ ડાયરેક્ટરમાં સામેલ છે. તેઓ ‘'ધ નેચર કન્ઝર્વેન્સી’ના ગ્લોબલ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સમાં પણ સામેલ છે. આ ઉપરાંત, એચડીએફસી એસેટ મેનેજમેન્ટ કંપનીના બોર્ડમાં સ્વતંત્ર ડાયરેક્ટર તરીકે પણ જવાબદારી સંભાળી રહ્યાં છે.
આ ઉપરાંત રોશની શિવ નાદાર ફાઉન્ડેશનનાં ટ્રસ્ટી છે. બિઝનેસ અને સમાજમાં યોગદાન આપવા બદલ તેમને કેટલીય વાર‘ ફોર્ચ્યુન’ ઈન્ડિયા મેગેઝિન દ્વારા ‘સૌથી શક્તિશાળી મહિલાઓ’ની યાદીમાં સામેલ કરવામાં આવી ચૂક્યાં છે.
ઉલ્લેખનીય છે કે એચસીએલ કંપનીની સ્થાપના 1976માં શિવ નાદરે કરી હતી. આ કંપની ડિજિટલ, એન્જિનિયરિંગ, ક્લાઉડ અને સોફ્ટવેર ક્ષેત્રે મોખરાનું સ્થાન ધરાવે છે. દેશવિદેશમાં વ્યાપ ધરાવતી એચસીએલમાં 2,27,481થી વધુ કર્મચારીઓ છે.