લંડનઃ ગ્રામીણ મહિલાઓનાં સશક્તિકરણ આંદોલનની ઉજવણી કરવા ધ ડિઝાઈન મ્યુઝિયમ ઓફ લંડન દ્વારા ભારતીય ફેશન ‘ઓફબીટ સારી’ પ્રદર્શનમાં લખનૌની ‘ગુલાબી ગેંગ’ની સાડીને સ્થાન આપવા નિર્ણય લીધો છે. આગામી મહિના - મે મહિનામાં યોજાનાર આ પ્રદર્શનમાં 90થી વધુ પ્રકારની સાડીને સ્થાન અપાશે. ‘ગુલાબી ગેંગ’નાં સ્થાપક સંપત પાલે જણાવ્યું હતું કે તે ગુલાબી સાડી, બ્લાઉઝ, પેટીકોટ (ચણિયો) અને લાઠી લંડનમાં પ્રદર્શનાર્થે મોકલી આપશે.
ધ ડિઝાઈન મ્યુઝિયમ ઓફ લંડન ખાતે 19 મેથી 17 સપ્ટેમ્બર 2023 સુધી યોજાનારા ‘ઓફબીટ સારી’ પ્રદર્શનમાં વર્તમાન ફેશન વસ્ત્ર પરિધાન તરીકે સાડી પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. સાડી નવતર પ્રકાર અને પ્રગતિશાળી વિચારની વસ્તુ તરીકે સાંસ્કૃતિક પ્રભાવોને આત્મસાત કરે છે તેમજ વ્યક્તિત્વની આગવી ઓળખ છે.
ગુલાબી સાડી વિમેન સિસ્ટરહૂડનું પ્રતીક છે, જેને બુંદેલખંડના તકેદારી ગ્રૂપ દ્વારા લોકપ્રિય બનાવાયું છે. ગુલાબી સાડી પહેરતી ‘ગુલાબી ગેંગ’ની મહિલા સભ્યો ગુલાબી લાઠી લઈને જુલ્મ અને અત્યાચાર સામે લડત ચલાવે છે. મહિલાઓ વિરુદ્ધ અત્યાચારના દોષિતો અથવા ભ્રષ્ટાચારીઓ સામે ન્યાય મેળવવાના હેતુસર સંપત પાલ દ્વારા 2006માં શરૂ કરાયેલી આ અસાધારણ મહિલા ચળવળે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. આ સંસ્થામાં આજે 11 લાખ સભ્ય છે. આ સાથે જ ‘ગુલાબી ગેંગ’ની લડત હવે વિદેશમાં પહોંચી છે. સંપત પાલને 2008માં ફ્રાન્સ દ્વારા આમંત્રણ અપાયું હતું.
પ્રદર્શનનાં ક્યુરેટર પ્રિયા ખાનચંદાણીએ સંપત પાલને ઈ-મેઈલ પાઠવી જણાવ્યું હતું કે ‘ગુલાબી ગેંગ’ના એક દાયકાના અસાધારણ કાર્યની નોંધ લેવાઈ છે અને પ્રતિકારના પ્રતીક તરીકે ગુલાબી ગેંગની સભ્યે પહેરેલી ગુલાબી સાડી પ્રદર્શનમાં મૂકવાનો અમને આનંદ થશે. યુકેના ઓડિયન્સ સમક્ષ ગુલાબી ગેંગના કાર્યોની કથા સંભળાવતા પણ અમને ખુશી થશે.