આણંદ: વર્ષોથી લંડન વસતાં હરિયાણાનાં અનુરાધા બેનીવાલે તાજેતરમાં આણંદની કન્યા શાળાને દત્તક લીધી છે. અનુરાધા લંડનમાં ચેસ એકેડેમી ચલાવે છે. અનુરાધા ભવિષ્યમાં બાળાઓને સ્માર્ટ તેમજ શિક્ષિત બનાવવા મદદરૂપ થશે. અનુરાધાએ ૨૦ દિવસ માટે આ શાળાની બાળાઓ સાથે રહીને શાળા તેમજ બાળાઓને સમજવાનું નક્કી કર્યું હતું. બાળાઓને ચેસ તેમજ અલગ-અલગ પ્રવૃત્તિની ટ્રેનિંગ પણ આપવાનું તેમણે નક્કી કર્યું હતું.
આણંદની ચિખોદરા કન્યા શાળાની શિક્ષિકાએ ફેસબુક મારતફે અનુરાધાનો સંપર્ક કર્યો હતો અને તેમની સાથે ચેટિંગ દ્વારા પોતાની શાળાની બાળાઓને ચેસ સહિતની એકટિવિટીમાં રસ હોવાનું જણાવ્યું હતું. શિક્ષિકાની વાત સાંભળી અનુરાધાએ બાળાઓ માટે ખાસ કરવાનું નક્કી કર્યું હતું. અનુરાધા ૮ જાન્યુઆરીએ આણંદ સ્થિત ચિખોદરા કન્યા શાળાની મુલાકાતે આવ્યાં હતાં. બાળાઓની ચેસ પ્રત્યે રુચિ હોવાની જાણ થતાં તેઓએ ૧૫ દિવસ સુધી દરરોજ બાળકોને ચેસ રમવાની પ્રેક્ટિસ કરાવી હતી. તે સમય સુધી અનુરાધા શિક્ષિકાના મહેમાન બની તેમના ઘરે રોકાયા હતા. ૧૦ દિવસની પ્રેક્ટિસ બાદ મોટાભાગની બાળાઓ ચેસ રમતા શીખી ગઇ હતી. જેથી અનુરાધાએ બાળાઓની પરીક્ષા લેવાનું નક્કી કર્યું અને ૨૨ જાન્યુઆરીના રોજ ચેસ કોમ્પિટિશનનું આયોજન કરાયું હતું. વિજેતા બનેલી તમામ બાળાઓને રોકડ તેમજ ચેસ કીટની ભેટ અપાઈ હતી.
અનુરાધાએ આભાર વ્યક્ત કરતાં શાળા દત્તક લેવા માટેનો વિચાર જાહેર કર્યો હતો. શાળાના પ્રિન્સિપાલે જણાવ્યું કે, બાળાઓની બુદ્ધિ કૌશલ્યમાં વિકાસ થાય તે માટે દર વર્ષે વિવિધ રમતોનું આયોજન કરાશે.