વડોદરા: કોરોનાને કારણે ૧૨ દિવસ સુધી આઇસીયુમાં, ૧૭ દિવસ વોર્ડમાં રહેવું પડે અને ૩ મહિના સુધી ઘરે દિવસ-રાત, ૨૪ કલાક ઓક્સિજન લેવો પડે તો દર્દીની શું હાલત થાય? આ વિચાર માત્રથી રૂંવાડાં ઊભાં થઇ જાય છે. જોકે સયાજી હોસ્પિટલનાં કોરોના વોરિયર મહિલા નર્સ તેમના પરિવારની હૂંફ, મજબૂત મનોબળ અને યોગ્ય સારવારને કારણે આજે ફરી એક વખત પહેલાંની જેમ ફરજ બજાવી રહ્યાં છે. શહેરની સયાજી હોસ્પિટલના કોરોના વોર્ડનાં નર્સ ૫૩ વર્ષીય પ્રીતિબેન જાનીને કોરોનાએ પોતાના સકંજામાં લીધા. જેને પગલે શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી અને ઓક્સિજન લેવલ ૮૦ પર જતું રહ્યું. કરમની કઠણાઈ કે પોતે જ્યાં કામ કરતાં હતાં ત્યાં એ સમયે આઈસીયુ બેડ ખાલી ન હતો એટલે જાણીતી પ્રાઈવેટ હોસ્પિટલમાં તપાસ કરી તો ત્યાં ૪૧નું વેઈટિંગ હતું. નંબર આવે ત્યાં સુધી પ્રીતિબેન માટે ઘરે બેસી રહેવું શક્ય નહોતું, એટલે ઘરની નજીક એક પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ થઈ ગયાં. ઓક્સિજન આપીને સારવાર શરૂ કરવામાં આવી પણ પ્રીતિબેનના નસીબમાં હજી આકરી કસોટીમાંથી પસાર થવાનું લખ્યું હતું.
પ્રીતિબેનને વોર્ડમાં દાખલ કરીને ઓક્સિજન ચાલુ કરાયો, એ સાથે બીજી બધી સારવાર ચાલુ કરી દેવાઈ. દરમિયાન રાતે ૩ વાગ્યે તેમની તબિયત અચાનક ખરાબ થવા માંડી. ડોક્ટર તાત્કાલિક દોડી આવ્યા, પણ પ્રીતિબેને કહ્યું કે આ બધું કાઢી લો, મારે શાંતિથી મોત જોઈએ છે. ડોક્ટરે હિંમત આપીને કહ્યું કે એમ હારી ગયે ના ચાલે. પ્રીતિબેનને આઈસીયુમાં શિફ્ટ કરીને બાય પેપ મશીન પર મૂકવામાં આવ્યાં.
બાય પેપ મશીન પર ટ્રીટમેન્ટ શરૂ થાય એટલે કેટલાયે પેશન્ટ ખાવા-પીવાનું છોડી દેતા હોય છે. જોકે પતિ શૈલેશભાઈ તેમના જીવનસાથી માટે જાતે સૂપ, લીંબુનું પાણી, હળદરનું પાણી અને પીવા માટે ગરમ કરેલું પાણી લઇને રોજેરોજ જાતે આપવા જતા હતા. દિવસમાં એક કે બે વખત વીડિયો કોલ પર વાત કરવાની પરમિશન હતી અને પ્રીતિબેનની હાલત જોઈને પિતા અને પુત્રી કૃપા અલગ-અલગ રૂમમાં જઈને રડતાં, પણ તેમની સામે બંનેય જણા ચહેરા પર કાયમ સ્મિત રાખતાં.
સતત ૧૨ દિવસ સુધી પ્રીતિબેન આઈસીયુમાં રહ્યાં. આ દરમિયાન અસહ્ય પીડાને કારણે ટેરેસ પર જઈને કૂદકો મારી જીવનનો અંત લાવવાનો વિચાર સુધ્ધાં આવી ગયો. જોકે દીકરી કૃપા અને પતિ શૈલેશભાઈ સતત હિંમત આપતાં રહેતાં. ધીરે ધીરે હાલતમાં સુધારો થતાં ૧૩મા દિવસે વોર્ડમાં શિફ્ટ કરવામાં આવ્યાં. કુલ ૨૯ દિવસ સુધી હોસ્પિટલમાં રહ્યા બાદ તેમને રજા અપાઈ, એ પછી ઘરે પણ સતત ઓક્સિજન પર જ રહેવાનો વારો આવ્યો હતો. જોકે હિંમત હાર્યા વિના સંઘર્ષ કરીને ધીમે ધીમે તેઓ નોર્મલ થતાં ગયાં અને હવે રેગ્યુલર ડ્યૂટી પર પણ આવે છે.