પ્રદૂષણથી ભરેલા વાતાવરણ રોજિંદી અનિયમિત જિંદગીની અસર સંપૂર્ણ શરીરની સાથે સાથે તમારા કેશ પર પણ થાય છે. લાંબા, રેશમી, ઘટાદાર કેશ દરેક કિશોરીથી માંડીને વયોવૃદ્ધ મહિલાનું સપનું હોય છે. ભરાવદાર ઘાટા વાળ મેળવવા માટે અહીં કેટલીક ટિપ્સ આપેલી છે.
કોઈ પણ વ્યક્તિનાં સુંદર વાળ તરત જ કોઈનું પણ ધ્યાન ખેંચે છે. એ જેટલા ભરાવદાર હશે તેટલી જ સુંદરતા આપશે. જોકે બધાના વાળ કુદરતી રીતે જ ઘાટા અને રેશમી હોતા નથી. કેટલાક ઘરેલુ ઉપચારથી વાળને સુંદર બનાવી શકાય છે.
દિવેલ
વાળને ભરાવદાર બનાવવાનો આ સૌથી જૂનો અને અસરકારક ઉપાય છે. દિવેલમાં પ્રોટિન, ફેટી એસિડ, એન્ટી-ઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ ભરપૂર માત્રામાં હોવાથી હેર ફોલિકલ્સને ફાયદો થાય છે. વાળના મૂળમાં દરરોજ દિવેલ લગાડો એનાથી વાળનો વિકાસ થશે અને દરેક વાળ જાડો અને મજબૂત બનશે. દિવેલ આંગળીના ટેરવા પર લઈને માથાનાં તાળવામાં પર મસાજ કરો. ૩૦ મિનિટ રાખો. એથી વધુ સમય પણ રાખી શકાય.
કોપરેલ
કોપરેલ તમારા વાળ પર કન્ડિશનર અને મોઇશ્ચરાઈઝર તરીકે કામ કરશે. એનાથી લોહીનું પરિભ્રમણ પણ વધે છે. જુદા જુદાં પ્રોટિન અને વિટામિન ઇ, આયર્ન જેવાં ન્યૂટ્રીઅન્ટ્સને કારણે વાળ વધુ ઘાટા, રેશમી અને લાંબા બને છે. તમે દરરોજ કોપરેલ લગાડી શકો, પરંતુ અઠવાડિયે બે-ચાર દિવસ લગાડશો તો પણ સારું પરિણામ મળશે. કોપરેલમાં રૂનો પૂમડો બોળીને આખી રાત માથા પર રાખી શકાય. સવારે હેરવોશ કરી નાંખો.
ઓલિવ ઓઇલ
ઓલિવ ઓઇલમાં વિટામિન એ અને ઈ હોય છે. વિટામિન ઈ દરેક વાળને નરીશ કરે છે અને વિટામિન એ આપણા શરીરના નેચરલ ઓઇલને ઉત્તેજે છે જે વાળની વૃદ્ધિમાં સહાય કરે છે. થોડાંક અઠવાડિયામાં સારું પરિણામ જોઈતું હોય તો દિવસના ઓછામાં ઓછું એક વાર તો ઓલિવ ઓઇલ માથામાં લગાડવું જ જોઈએ. તમારી આંગળીના ટેરવા પર ઓલિવ ઓઇલના
ટીપાં લો અને વાળના મૂળિયાં સુધી મસાજ કરો. આઠથી દસ કલાક પછી હેર વોશ કરો.
પેટ્રોલિયમ જેલી
પેટ્રોલિયમ જેલી વાળમાં મોઇશ્વર જાળવી રાખે છે. એનાથી લાંબે ગાળે વાળ જથ્થામાં થાય છે. તમારા વાળ ભરાવદાર ન થાય ત્યાં સુધી દરરોજ રાત્રે વાળમાં પેટ્રોલિયમ જેલી લગાડો. રાત્રે પેટ્રોલિયમ જેલી લગાડો અને સવારે હુંફાળા પાણીથી ધોઈ નાંખો.