મેકઅપ પ્રોડક્ટસની વાત કરીએ તો એમાં લિપસ્ટિક એક એવી વસ્તુ છે જે પ્રથમ ક્રમે આવે છે. મેકઅપ ભલે પ્રસંગને ધ્યાનમાં રાખીને થતો હોય, પરંતુ લિપસ્ટિક એવરગ્રીન છે. તે દરેક વર્ગની માનુનીઓની હોટ ફેવરિટ છે. લિપસ્ટિક લગાવતી વખતે યોગ્ય ટ્રિક્સને અપનાવવામાં આવે તો લિપસ્ટિક વધુ આકર્ષક લાગે છે. તમે પણ આ ટ્રાય કરી જૂઓ.
• હોઠને એક્સફોલિએટ કરોઃ આપણે ચહેરાને ફેસવોશથી વોશ કરીને તેને સ્ક્રબ કરીએ છીએ પરંતુ હોઠ પર ક્યારેય સ્ક્રબિંગ કરતાં નથી. લિપસ્ટિક લગાવતા પહેલાં હોઠને હળવેકથી સ્ક્રબિંગ કરવામાં આવે તો મૃત કોશિકાઓમાંથી છુટકારો મળશે અને લિપસ્ટિક લગાવવામાં સરળતા રહેશે.
• લિપ બામનો ઉપયોગઃ હોઠને મોઇશ્ચરાઇઝ કરવા લિપ બામનો ઉપયોગ કરવામાં આવે છે. શિયાળામાં લિપસ્ટિક લગાવતાં પહેલાં લિપ બામનો ઉપયોગ અવશ્ય કરવો જોઇએ. લિપ બામ લગાવ્યા બાદ પાંચ મિનિટ પછી લિપસ્ટિક લગાવવી જોઇએ, જેથી લિપસ્ટિક હોઠ સાથે મિક્સ થઇ જાય અને હોઠ ફાટી ગયા હોય તો કોમળ થઇ જાય. જોકે ઉનાળામાં લિપ બામનો ઉપયોગ કરવાનું ટાળવું જોઇએ, નહીંતર તમારી લિપસ્ટિક સ્પ્રેડ થઇ જશે અને લિપસ્ટિક લાંબા સમય સુધી ટકશે નહીં.
• પ્રાઇમરનો ઉપયોગઃ આપણાંમાંથી મોટા ભાગના લોકોના હોઠ પિગ્મેન્ટેડ હોય છે. પરિણામે ઉપરના અને નીચેના હોઠ એકસમાન લાગતા નથી તેથી હોઠ ઉપર લિપસ્ટિકનો સાચો શેડ દેખાતો નથી. હોઠ ઉપર પ્રાઇમરનો ઉપયોગ કરવાથી ફાયદો થશે. પ્રાઇમર લિપસ્ટિકને લાંબા સમય સુધી ટકાવવામાં પણ મદદ કરે છે અને હોઠ પર એકસમાન શેડ પણ દેખાશે.
• લિપલાઇનરનો ઉપયોગઃ લિપલાઇનર લગાવ્યા બાદ લિપસ્ટિક લગાવવાથી તે સ્પ્રેડ થતી નથી. નાના હોઠને મોટા બનાવવામાં અને મોટા હોઠને નાના બનાવવામાં લિપલાઇનર અગત્યનો ભાગ ભજવે છે. લિપસ્ટિક લાંબા સમય સુધી ટકી રહે એ માટે હોઠ પર લિપલાઇનર લગાવી શકાય છે.
• પાઉડરનો ઉપયોગઃ ઘણી વખત લિપલાઇનર અવેલેબલ ન હોય અને લિપસ્ટિક લગાવવી હોય તો સ્પ્રેડ થઇ જતી હોય છે. સ્પ્રેડ લિપસ્ટિકને કારણે હોઠ તો ખરાબ લાગે જ છે, લુક પણ હાસ્યાસ્પદ બને છે. આવું ન થાય માટે લિપસ્ટિકને યોગ્ય રીતે સેટ કરવા હોઠ ઉપર પહેલાં લિપસ્ટિક લગાવી દો. લિપસ્ટિક લગાવ્યા બાદ એની ઉપર લુઝ પાઉડર અથવા ટ્રાન્સલુસન્ટ પાઉડર લગાવો. હવે તેના ઉપર લિપસ્ટિકનો બીજો એક શેડ લગાવી દો.
• દાંત પર લિપસ્ટિકઃ લિપસ્ટિક લગાવતી વખતે દાંત ઉપર લિપસ્ટિક લાગી ગઇ હોય તો આપણે સામાન્ય રીતે સાફ કરી લેતાં હોઇએ છીએ, પરંતુ તૈયાર થઇને બહાર નીકળી ગયા બાદ વાતચીત દરમિયાન કે અન્ય કોઇ કારણસર લિપસ્ટિક દાંત ઉપર લાગી જતી હોય છે. આવું ન થાય તે માટે લિપસ્ટિક લગાવ્યા બાદ એક આંગળી મોંની અંદર મૂકીને હોઠને ખોલો અને બંધ કરો. એનાથી હોઠ ઉપર લાગેલી વધારાની લિપસ્ટિક આંગળીમાં લાગી જશે.