લીમડો અતિશય ગુણકારી હોવા છતાં મોટા ભાગના પરિવારોમાં હંમેશાં સીધો વપરાશ ભાગ્યે જ જોવા મળતો હોય છે. હા, લીમડાના નામે કેમિકલપ્રોસેસ કરેલું નીમ ફેશવોશ વાપરવામાં તેમને કોઈ વાંધો હોતો નથી. આવા ફેશવોશ કરતાં જો લીમડાના પાનને ત્વચા માટે સીધા જ ઉપયોગ લેવામાં આવે તો ત્વચાને વધુ કુદરતી નિખાર મળી શકે છે. આયુર્વેદમાં તો લીમડો ૪ હજાર કરતાં પણ વધુ વર્ષોથી ખાસ બ્યુટી-ઇન્ગ્રિડિયન્ટ તરીકે વપરાતો રહ્યો છે. લીમડો તમારા બ્યુટી લિસ્ટમાં કેમ હોવો જોઈએ એ જાણી લો.
બ્યુટી બેનિફિટ
લીમડાનાં પાન, બી, છાલ, તેલ બધામાં કોઈને કોઈ બ્યુટી-બેનિફિટ છે. લીમડામાં એન્ટિસેપ્ટિક, એન્ટિ-ફંગલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી તત્ત્વો રહેલાં છે. એ વિટામીન-ઇથી પણ ભરપૂર છે. લીમડામાં સારા પ્રમાણમાં ફેટી એસિડ છે તેમ જ એ નેચરલ બેક્ટેરિયાનાશક છે.
લીમડાનાં પાન
લીમડાનાં પાનનો વપરાશ કરવો સહેલો છે અને એ ઘણી રીતે ઉપયોગમાં લઈ શકાય છે. ૫૦ જેટલા લીમડાનાં પાનને બે લિટર પાણીમાં ઉકાળો. પાન નરમ થવા લાગે તેમ જ પાણી લીલું થાય એટલે એને ગાળીને બોટલમાં ભરી લો. રોજ સ્નાન કરવામાં પાણીમાં ૧૦૦ મિલીલિટર જેટલું લીમડાનું આ પાણી ઉમેરો. એનાથી સ્કિનનું ઇન્ફેકશન દૂર થશે તેમ જ વ્હાઇટહેડ્સ અને ખીલથી પણ છુટકારો થશે.
લીમડાના પાણીનો ટોનર તરીકે પણ વપરાશ કરી શકાય છે. એ માટે રૂનું એક પૂમડું પાણીમાં બોળી અને દિવસમાં બે વાપર ચેહરા પર લગાવો. આનાથી ખીલ, ડાઘ, પિગ્મેન્ટેશન અને બ્લેકહેડ્સની સમસ્યા દૂર થશે. જો ખૂબ વાળ ખરતા હોય કે ખોડાની સમસ્યા હોય તો આ પાણીથી વાળ પણ ધોઈ શકાય.
લીમડાની ડાળખી
લીમડાના થડ અને મૂળિયાંનું દાંતણ ભારતના ગામડાંઓમાં આજે પણ વપરાતું જોવા મળે છે. એમાં એન્ટિ-બેક્ટેરિયલ અને મેડિસિનલ તત્ત્વો હોય છે. આ ડાળીને સૂકવીને એનો પાઉડર બનાવવામાં આવે તો એનો વપરાશ ખોડો તેમ જ વાળમાં થતી બીજી જીવાતનો નાશ કરવામાં કરી શકાય છે. લીમડાનો આ પાઉડર સ્કિનના ઘણાખરા રોગોમાં રાહત આપી શકે છે.
લીમડાનું તેલ
લીમડાના તેલનો વપરાશ મખ્યત્વે બ્યુટી પ્રોડક્ટસ તેમ જ કેટલીક દવાઓ બનાવવામાં કરવામાં આવે છે. સાબુ, શેમ્પુ, ક્રીમ, લોશન, ટૂથપેસ્ટ જેવી કેટલીક પ્રોડક્ટ્સમાં લીમડાનું તેલ મુખ્ય સામગ્રી તરીકે વપરાય છે. લીમડાના તેલની કેપ્સ્યુલનો ઉપયોગ પણ કેટલાક લોકો કરે છે. એનો ઉપયોગ રોગપ્રતિકારક શક્તિ વધારવા, સ્કિન પ્યુરિફાયર તરીકે તેમ જ જીવજંતુઓના ડંખ સામે રક્ષણ મેળવવા પણ કરી શકાય છે.
હોમ રેમેડી
લીમડાનાં દસ પાનના ટુકડા કરીને એને સંતરાની છાલના ટુકડાને પાણી સાથે ઉકાળો. એનો પલ્પ બનાવી એમાં થોડું મધ, દહીં અને સોયા મિલ્ક ઉમેરો. એની સ્મૂધ પેસ્ટ બનાવીને ચહેરા અને ગરદન પર લગાવો. આ પ્રયોગ અઠવાડિયામાં ત્રણ વાર પણ કરી શકાય. એનાથી ખીલ અને કાળા ડાઘ દૂર થશે. વ્હાઇટહેડ્સ સુકાઈ જશે, બ્લેકહેડ્સ દૂર થશે. અને મોટા રોમછીદ્રો દેખાતાં હોય તો એ પણ ટાઇટ થશે. મધ અને લીમડો સ્કિન પર ઉત્તમ મોઇશ્ચરાઇઝર તરીકે કામ કરે છે.
લીમડાનાં પાનમાંથી બનાવેલી પેસ્ટને મધ અને પાણીમાં ઉકાળીને વાળમાં પણ લગાવી શકાય. આનાથી વાળમાંના ડેન્ડ્રફ જશે તેમ જ વાળ સોફ્ટ બનશે.