દિલ્હીની રહેવાસી ૨૩ વર્ષીય લેખિકા એલિસ શર્મા લોકકાર્યો થકી જરૂરિયાતમંદોને મદદરૂપ થઈ રહી છે. ભારતમાં કોરોના સંક્રમણ પછી લોકડાઉન દરમિયાન એલિસે પોતાની ટીમની સાથે મળીને આશરે ૧૫ હજાર લોકોની મદદ કરી છે. જોકે, લોકડાઉનમાં લોકોની મદદ કરવી સહેલી નહોતી. લોકડાઉનમાં ફંડ ભેગું કરવા માટે એલિસે બહુ મહેનત કરવી પડી હતી. ગરીબો સુધી ભોજન પહોંચાડવું પણ અઘરું પડ્યું હતું. મહામારી દરમિયાન લોકોની મદદ કર્યા પછી એલિસ પોતે ૩ મહિના સુધી આઈસોલેશનમાં રહી હતી. એલિસે કહ્યું કે, મારા કારણે ઘરના અન્ય લોકોને ઇન્ફેક્શન ના થાય આથી મારું આઈસોલેશનમાં રહેવું જરૂરી હતું.
હાઈજિન સંબંધી જાણકારી
એલિસ કહે છે કે, ઝૂપડપટ્ટીમાં રહેતી મહિલાઓ હાઈજિન અંગે વધુ જાણકાર નથી. આ સંબંધિત જાણકારી તેમને આપવી જરૂરી છે. પીરિયડ્સ દરમિયાન પણ તેઓ હાઈજિનનું જોઈએ તેટલું ધ્યાન રાખતી નથી. ઘણી મહિલાઓ સેનેટરી નેપકિનનો ઉપયોગ કરતા નથી જેથી બીમારીઓની સંભાવના વધે છે. એલિસ ટીમની સાથે આ પ્રકારની મહિલાઓને હાઈજિનનું મહત્ત્વ સમજાવે છે. અત્યાર સુધી એલિસે ૭ બુક્સ લખી છે. ઇન્ડિયન નેશનલ બાર એસોસિએશન તરફથી ભારતની ૧૦૦ લીડિંગ લેડીઝમાં એલિસનું નામ સામેલ છે.
વર્ષ ૨૦૧૩માં કેદારનાથમાં મદદ
વર્ષ ૨૦૧૩માં કેદારનાથમાં આભ ફાટ્યું હતું ત્યારે એલિસ શર્મા ત્યાં જ હાજર હતી. તે પોતાના પરિવાર અને મિત્રો સાથે તીર્થયાત્રાએ ગઈ હતી. આફત સમયે તેણે કેદારનાથમાં જિંદગી અને મોત સામે લડી રહેલા અનેક લોકોની મદદ કરી હતી. એ પછી ૨૦૧૮માં તેણે દિલ્હીમાં હાડ થીજવતી ઠંડીમાં લોકોને તેણે મદદ કરવાનું નક્કી કર્યું હતું અને ‘વસ્ત્ર અને જિંદગી’ ફાઉન્ડેશનની સ્થાપના કરી હતી. આ ફાઉન્ડેશનમાં એલિસ સાથે ઓછામાં ઓછા ૨૦ લોકો કામ કરે છે. તેની સંસ્થા ફૂટપાથ પર રહેતા ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને ધાબળા, ભોજન અને કપડાં વહેચે છે.