બેરુતઃ મિડલ ઇસ્ટના ટચુકડા દેશ લેબેનોનમાં વસતી મહિલાઓમાં નાકની કોસ્મેટિક સર્જરી કરાવવાનો ક્રેઝ દાવાનળની જેમ પ્રસર્યો છે એમ કહેવામાં લગારેય અતિશ્યોક્તિ નથી. ૨૦૧૯માં જ્યારે આખા દેશમાં સરકાર વિરુદ્વ પ્રચંડ દેખાવો થઇ રહ્યા હતા અને અનેક રસ્તાઓ બંધ હતા તો લોકો નાકની સર્જરી કરાવવા પગપાળા ક્લિનિક પર પહોંચી રહ્યા હતા. દેશમાં ભલે જરૂરી દવાઓની અછત પ્રવર્તતી હોય, પરંતુ પ્લાસ્ટિક સર્જન પાસે બોટોક્સ ઇન્જેક્શનનો જથ્થો ભરપૂર માત્રામાં ઉપલબ્ધ છે. લેબેનોનમાં વારંવાર વીજકાપ હોય છે. તેને કારણે ડો. સાદ ડિબોએ તો પોતાના ઘરમાં જ દવાઓનો સ્ટોક કરી રાખ્યો છે. તેઓ જનરેટરની મદદથી ફ્રિજને ઠંડુ રાખીને દવાનો બગાડ અટકાવે છે.
કોરોના મહામારી દરમિયાન ભલે દેશને આર્થિક ફટકો પડ્યો પરંતુ આ કપરા સમયમાંય નિષ્ણાતોએ પ્લાસ્ટિક સર્જરીથી ધીકતી કમાણી કરી હતી. આર્થિક સંકટ દરમિયાન થયેલી કમાણી કરતાં પણ તેના પછી તેઓની કમાણીમાં વધારો થયો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (‘હૂ’)ના જણાવ્યા અનુસાર લેબેનોનમાં આર્થિક મંદીને કારણે લગભગ 40 ટકા ડોક્ટર દેશ છોડવા મજબૂર થયા છે પરંતુ જે ડોક્ટરો દેશાં ટકી રહ્યા તેના માટે આ સમય બહુ ફાયદાકારક સાબિત થયો છે.
આ સમયગાળા દરમિયાન નાકની સર્જરી કરાવનારા લોકોની સંખ્યામાં ઉછાળો નોંધાયો હતો, પરંતુ તેઓનો ઇલાજ કરવા માટે પ્રતિભાશાળી ડૉક્ટરની સંખ્યા ઓછી હતી. પ્લાસ્ટિક સર્જન ચાડી મુર્ર કહે છે કે દેશમાં નાકની સર્જરી કરવા માટે અન્ય દેશોમાંથી પણ લોકો આવી રહ્યા છે. જોકે, તેમાં 70 ટકા લોકો લેબેનોનના જ વતની છે. ડો. મુર્ર કહે છે કે જ્યાં સુધી લેબેનોનની મહિલાઓમાં સુંદર નાકની ઘેલછા છે ત્યાં સુધી સુંદરતાનું માર્કેટ ધમધમતું રહેશે.
સર્જરીનો ખર્ચ ઓછો
કોસ્મેટિક સર્જરી કરાવવા વિદેશના લોકો પણ લેબેનોન પહોંચી રહ્યા છે તેનું કારણ આપતા નિષ્ણાતો કહે છે કે આ દેશમાં બહુ નજીવા ખર્ચે કોસ્મેટિક સર્જરી થઇ જાય છે તેથી લોકો દેશવિદેશથની અહીં પહોંચી રહ્યા છે. બેરુતમાં નાકની સર્જરી કરાવવાનો ખર્ચ લગભગ ૧૯ લાખ રૂપિયા થાય છે. જ્યારે પશ્વિમી દેશોમાં આ જ કોસ્મેટિક સર્જરી માટે મસમોટી રકમ ચૂકવવી પડે છે. અમેરિકાની તુલનાએ તો લેબેનોનમાં અડધાથી પણ ઓછા ખર્ચે કોસ્મેટિક સર્જરી થઇ જાય છે. દરિયાપારના દેશોમાંથી પણ લોકો કોસ્મેટિક સર્જરી કરાવવા લેબેનોન પહોંચી રહ્યા છે તેનું આ જ મુખ્ય કારણ છે.