મોડાસા: આઇઆઈટી ગાંધીનગરમાં બીટેક ઇન કેમિકલ એન્જિનિયરીંગમાં સ્ટડી કરતી ૧૮ વર્ષની નિલાંશી પટેલે ૨૦૧૮, ૨૦૧૯ અને ૨૦૨૦માં એટલે સતત ત્રણ વાર પોતાના નામે ‘લોંગેસ્ટ હેર’નો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ નોંધાવ્યો છે. ૨૦૨૦મા જ્યારે નિલાંશીના નામે આ રેકોર્ડ નોંધાયો ત્યારે તેના વાળની લંબાઈ ૨૦૦ સે.મી. હતી. બે દિવસ પહેલા નિલાંશીએ ૧૨ વર્ષ બાદ પોતાના લાંબા કાળાને કપાવ્યાં હતાં. ગિનિસ વર્લ્ડ રેકોર્ડ દ્વારા નિલાંશીના હેર કટનો વીડિયો સોશિયલ મીડિાય પર અપલોડ કરવામાં આવ્યો હતો. જે શેર થતાની સાતે જ સોશિયલ મીડિયા પર વાઈરલ થયો હતો. નિલાંશી આ વીડિયોમાં હેર કટ કરાવતા સમયે ભાવુક થઈ હતી.
અમેરિકાના હોલિવૂડ મ્યુઝિયમમાં નિલાંશીના હેર મુકાશે
અમેરિકામાં ગિનિસ બુક ઓફ રેકોર્ડ ધરાવતા લોકોનું હોલિવૂડ મ્યુઝિયમ આવેલું છે. હેર કટ બાદ નિલાંશીના વાળ જોઈને લોકોને પ્રેરણા મળે તે માટે આ મ્યુઝિયમમાં વાળ ડિસ્પ્લેમાં મુકાશે. આ સાથે કોરોના બાદ નિલાંસીના વાળને સમગ્ર વિશ્વમાં વર્લ્ડ ટૂર પર પણ મોકલવામાં આવશે. સતત ત્રણ વાર ગિનિસ રેકોર્ડ પોતાના નામે નોંધાવાની સિદ્ધિ મેળવા બદલ ગિનિસ બુક રેક્રોડ દ્વારા નિલાંશીને ‘લોંગેસ્ટ હેર ઇન એવર’થી સન્માનિત કરી છે.
નિલાંશીને માતા એ પણ કેન્સરના દર્દીઓ માટે હેર કટ કરાવ્યું
નિલાંશીની સાથે તેની માતા કામિનીબહેન પટેલે પણ હેર કટ કરાવ્યું હતું. નિલાંશીની માતાએ કેન્સરની સારવાર દરમિાયન અને ખાસ કરીને કિમોથેરાપીમાં હેરલોસ થનારી મહિલાઓ માટે પોતાના હેર ડોનેટ કર્યા છે. દિકરી સાથે માતાએ પણ કેન્સરગ્રસ્ત મહિલાઓ માટે વાળ આપીને એક અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. હાલ નિલાંશીની વાળની કેર તેના માતા કરી રહી છે.
કોઈ ફંકશનમાં જવાનું હોય ત્યારે બે કલાક પહેલા મારી મમ્મી વાળ સરખા કરવા બેસી જતી
નિલાંશીએ કહ્યું કે, ‘સામાન્ય રીતે કોઈ છોકરીને તૈયાર થવામાં એકદ કલાકનો સમય લાગે પરંતુ મારા કિસ્સામાં જ્યારે મારે બહાર જવાનું હોય ત્યારે ત્રણ કલાક જેટલો સમય લાગતો. જો મારે સવારે ૧૦ વાગ્યે કોઈ ફંકશનમાં જવાનું હોય તો મારા મમ્મી ૮ વાગ્યામાં જ મારા હેરને ઓળવામાં તેને વ્યવસ્થિત કરવામાં અને તેને હેરસ્ટાઈલમાં બદલવામાં લાગી પડતાં. આટલા લાંબા વાળ હોવાથી તે બહુ કાળજીપૂર્વક મારા વાળમાં કંગી કરી આપતા હતા.આથી મારે જ્યારે કોઈ ફંકશનમાં જવાનું હોય ત્યારે ત્રણ કલાક પહેલાં મારે તૈયાર થવું પડે છે.