કોરોના વાઇરસે વિશ્વભરમાં ભરડો લીધો છે. તેના કારણે લગાવાયેલા લોકડાઉનથી ઘણા દેશોમાં શિશુઓનાં પ્રિમેચ્યોર બર્થના દરમાં ઝડપથી ઘટાડો થયો છે. આ પરિવર્તનથી દુનિયાભરના ડોક્ટર્સ બહુ ખુશ છે. તેઓ હવે આ પેટર્ન અંગે રિસર્ચની તૈયારી કરી રહ્યા છે.
આયર્લેન્ડ, ડેનમાર્ક, નેધરલેન્ડ, અમેરિકા, ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશોની હોસ્પિટલોમાં નિયોનેટલ આઇસીયુમાં પ્રિમેચ્યોર બર્થ ઝડપથી ઘટ્યાં છે. ડોક્ટર્સ એવું માની રહ્યા છે કે, લોકડાઉનમાં સગર્ભાઓને ઘણો આરામ મળી રહ્યો છે. સાથે જ પ્રદૂષણ ઘટ્યું છે. બહારનું ખાવા-પીવાનું બંધ છે. તેઓ ઘરનાં કામ પણ કરી રહી છે. આ બધાનો લાભ ચોક્કસ થયો છે.
અમેરિકામાં દર ૧૦માંથી એક બાળક પ્રિમેચ્યોર જન્મે છે. સામાન્ય રીતે પ્રેગ્નન્સી ૪૦ અઠવાડિયાની હોય છે, પણ ડિલિવરી ૩૭ અઠવાડિયાં પહેલાં થાય તો તેને પ્રિમેચ્યોર કહે છે. આયર્લેન્ડના ડો. રોય ફિલિપે કહ્યું કે લોકડાઉન દરમિયાન પ્રિમેચ્યોર બર્થ ઘટ્યા છે. છેલ્લા ૨ દાયકામાં દર હજારે ૩ બાળક ૪૫૩ ગ્રામ વજનનાં જન્મતાં હતાં એટલે કે નબળાં અને પ્રિમેચ્યોર. જોકે, માર્ચથી અત્યાર સુધીમાં આ વેઇટ ગ્રૂપમાં એક પણ બાળક નથી જન્મ્યું. બે દાયકા બાદ આવું થયું છે.
આયર્લેન્ડમાં પ્રિમેચ્યોર જન્મદરમાં ૯૦ ટકા ઘટાડો
લોકડાઉન દરમિયાન આયર્લેન્ડમાં પ્રિમેચ્યોર જન્મદરમાં ૯૦ ટકા ઘટાડો નોંધાયો છે. આલ્બર્ટાના કેલગારીના ડો. બેલાલ અલ શેખ કહે છે કે સમગ્ર યુરોપમાં આમ થઇ રહ્યું છે. સ્વસ્થ બાળકો જન્મે છે, પ્રિમેચ્યોર બર્થ ઘટ્યા છે. મેલબોર્ન સ્થિત મર્સી હોસ્પિટલના ડો. ડેન કાસાલાજ હવે રિસર્ચ કરવા જઇ રહ્યા છે કે લોકડાઉનમાં એવું શું થયું કે જેના કારણે પ્રીમેચ્યોર બર્થ ઘટ્યા?
અમેરિકામાં ૨૦૧૮ સુધી સતત ૪ વર્ષ પ્રિમેચ્યોર બર્થ વધ્યા હતા
અમેરિકાના નેશવિલે સ્થિત વેન્ડરબિલ્ટ ચિલ્ડ્રન હોસ્પિટલના ડો. સ્ટીફન પેટ્રિક કહે છે કે પ્રિમેચ્યોર બર્થમાં ૨૦ ટકાથી વધુ ઘટાડો થયો છે. સીડીસીના જણાવ્યા અનુસાર દેશમાં ૨૦૧૮ સુધી પ્રીમેચ્યોર ડિલિવરીનો દર સતત ૪ વર્ષ વધ્યો હતો. આ દરમિયાન શ્વેત મહિલાઓને ૯ ટકા અને અશ્વેતને ૧૪ ટકા જોખમ હતું.