ઓરિસ્સાની ચિત્રકાર અને ડૂડલિંગ આર્ટિસ્ટ ભાગ્યશ્રી સાહુનાં તાજેતરમાં વડા પ્રધાન મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમમાં વખાણ કર્યાં હતાં. ૨૭ વર્ષીય એન્જિનિયરિંગ સ્ટુડન્ટ ભાગ્યશ્રીનાં પટ્ટચિત્ર ખૂબ જ વખણાય છે. આ પારંપરિક કળાથી તેને પોતાની આવડતને આગળ વધારવામાં મદદ મળી છે.
ભાગ્યશ્રીએ બહુ ઓછા સમયમાં આ કળા શીખી લીધી હતી, પરંતુ આ કળા તેની કારકિર્દી બની જશે તેની તેને ખબર નહોતી. રાઉકેલા સ્ટીલ સિટી સેક્ટર-૧૯માં રહેતી ભાગ્યશ્રી પથ્થર પર પટ્ટચિત્ર પેઈન્ટ કરે છે. લોકડાઉનમાં તેણે બોટલ્સ, ફ્યૂઝ ઇલેક્ટ્રિક બલ્બ અને પ્લાસ્ટિકની વસ્તુઓ પર સુંદર પેન્ટિંગ કર્યું હતું.
ભાગ્યશ્રી કહે છે કે, પુરીનાં રઘુરાજપુરની મુલાકાત લેતી વખતે તેને કળામાં રસ વધ્યો હતો. કોલેજમાં ભણતા ભણતા રસ્તામાંથી ભાગ્યશ્રીને ઘણા બધા પથ્થર મળ્યા હતા. આ પથ્થર તે ઘરે લાવતી અને તેને સાફ કરીને તેના પર પેન્ટિંગ કરતી હતી. ભાગ્યશ્રી વર્કશોપનું આયોજન પણ કરે છે. થોડા દિવસ પહેલાં ‘મન કી બાત’ કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વખાણ કરતા કહ્યું હતું કે, સુભાષબાબુની જયંતીએ ભાગ્યશ્રીએ પથ્થર પર પેન્ટિંગ કરીને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે. હું ભાગ્યશ્રીનાં ભવિષ્ય માટે શુભકામના આપું છું. ભાગ્યશ્રીએ પણ વડા પ્રધાન મોદીનો આભાર માન્યો હતો.