વર્કિંગ વુમનઃ મેકઅપથી નિખારો વ્યક્તિત્વ

Wednesday 08th April 2015 07:24 EDT
 
 

વર્કિંગ વુમનની સૌથી મોટી સમસ્યા એ હોય છે કે દિવસભરની દોડધામ વચ્ચેથી પોતાનો દેખાવ નિખારવા માટે સમય કઈ રીતે કાઢવો. દિવસભરની વ્યસ્તતા મહિલાની લાઇફસ્ટાઇલ અને દેખાવમાં સમસ્યા ઊભી કરી શકે છે, પણ સુંદર દેખાવ માટે જરૂર છે થોડાક આયોજન, મહેનત અને સમયની.

ઘરના કામકાજ, સંતાનોને સ્કૂલે મોકલવા અને એ પછી જોબની જવાબદારી. વર્કિંગ વુમન માટે આ બધા વચ્ચેથી સમય કાઢવો કદાચ મુશ્કેલ બને એવું બની શકે. પણ કેટલીક બ્યુટી ટીપ્સ એટલી સરળ હોય છે કે તેને અપનાવી સરળતાથી સુંદરતા નિખારી શકાય છે.

જોકે આ બધામાં સૌથી પાયાની બાબત એ છે કે મેકઅપ તમારા વ્યવસાયને અનુરૂપ જ હોવો જોઈએ. જેમ કે, તમે મોડેલિંગ, પબ્લિસિટી જેવા જાહેર ક્ષેત્ર સાથે સંકળાયેલા હો તો તમારો મેકઅપ ડાર્ક હોવો જોઈએ કેમ કે અહીં તમારે તીવ્ર પ્રકાશમાં રહેવાનું હોય છે. જો તમે શિક્ષણ ક્ષેત્ર સાથે સંકળાયેલા હો તો હળવો મેકઅપ કરો. જેથી તમારું માન વધુ જળવાઈ રહે. તબીબી ક્ષેત્ર સાથે સંકળાયેલી વર્કિંગ વુમન માટે મેકઅપ જરૂરી નથી.

મુખ્ય વાત એ છે કે મેકઅપ તમારા વ્યક્તિત્વ સાથે મેચ થવો જોઈએ. જે સ્ત્રી વગર મેકઅપે સુંદર દેખાતી હોય તેને મેકઅપની જરૂરત જ નથી. જો તમારી સ્કિન ડાર્ક હોય તો આછું ફાઉન્ડેશન અને લિપસ્ટીક વાપરો. તમારા વસ્ત્રો ઉપર વધુ ધ્યાન આપો. મેકઅપ ઉપરાંત વાળ અને વસ્ત્રોની સંભાળ રાખો. ઊજળી સ્કિન ધરાવતી મહિલા પોતાની ઇચ્છા પ્રમાણે મેકઅપ કરી શકે.

વર્કિંગ વુમનનો મેકઅપ સાંજ સુધી એકસરખો રહે તેવો હોવો જોઈએ. તેથી મેટ અને વોટરપ્રુફ મેકઅપ વાપરવો. જાણીતી અને વિશ્વાસુ બ્રાન્ડના મેકઅપ વાપરવા તમારા હિતમાં છે. હંમેશા એવા સૌંદર્ય પ્રસાધનો વાપરો, જેથી સ્કિનના છિદ્રો પુરાઈ જાય નહીં અને ત્વચા સ્વસ્થ તથા ચળકતી રહે.

તમારા સર્વગ્રાહી દેખાવને નિખારવા માટે પહેલાં તો તમારી સ્કિનની સંભાળને પ્રાધાન્ય આપો. ઓફિસની કામગીરીમાં તમારા વ્યક્તિત્વનો પ્રભાવ હંમેશા નિર્ણાયક ભૂમિકા ભજવતો હોય છે. આથી ચહેરાની સ્કિનની ચમક જાળવવા તેની યોગ્ય સંભાળ લો. સ્કિનના જતન માટે તેને દિવસમાં બે વાર ધુઓ. જો તમારો ચહેરો ઓઇલી હોય તો પહેલાં સાબુથી ધોઈને તરત જ મોઇશ્ચરાઇઝર લગાડો. તેનાથી ઓઇલી સ્કિન ધરાવનારા લોકોનો ચહેરો સુંવાળો રહે છે.

જો તમારી સ્કિન સૂકી હોય તો સાબુને બદલે ક્રીમ વાપરો. એસ્ટ્રીન્જન્ટની જગ્યાએ ટોનર વાપરવું. એ પછી મોઇશ્ચરાઇઝર વડે મસાજ કરવું. લ્યુફા સ્પોન્જથી એક્સફોલીએટિંગ ક્રિમ કે લોશન કે સ્કિન પરના મૃત કોષોને સાફ કરો. તેનાથી સ્કિનના છિદ્રો ઓછા થશે, જે બ્લેક હેડ કે અન્ય ડાઘાને જન્મ આપે છે. રાત્રે ગમે તેટલા થાકેલા હો તો પણ ચહેરો ધોઈને, તેના પર મોઇશ્ચરરાઇઝર લગાડયા પછી જ સૂઓ.

મેકઅપમાં કાળજી

ઓફિસમાં તમારો દેખાવ આકર્ષક હોવો જોઈએ. મેકઅપ હળવાશનો અનુભવ કરાવવાની સાથોસાથ આત્મવિશ્વાસ વધારે તેવો હોવો જોઇએ. સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝર લગાડયા પછી ફાઉન્ડેશન વાપરો, જે સ્કિનને મેચ થતું હોય. તેને આંગળી અથવા સ્પોન્જથી લગાડો. તેના ઉપર આછો પાઉડર લગાવો. વેનિલા અથવા ક્રીમ રંગનો આઇશેડો પોપચા ઉપર લગાડો. આછા રંગની પેન્સિલ આંખના એક ખૂણેથી બીજા ખૂણે કરો. બને ત્યાં સુધી પાંપણની એકદમ નજીક આવે તે રીતે લાઇન કરો. મસ્કરા લગાડતી વખતે પાંપણને બને તેટલી ગોળાકાર કરવાનો પ્રયત્ન કરો. ગાલના ઉપરના હાડકા ઉપર ક્રિમ બ્લશર હળવા હાથે લગાવો અને તેને ઉપર તથા નીચેની સ્કિન સાથે મિક્સ થાય તે રીતે આંગળીથી ફેલાવી દો. હોઠની આસપાસની કિનારી રોઝ પિન્ક કલરથી કરો અને તેમાં એ જ રંગની લિપસ્ટીક લગાવો.

સ્કિન ઉપર વારંવાર મેકઅપનું કોટિંગ કરવાથી સ્કિનની કુમાશ જતી રહે છે. કેટલીક બાબતોની કાળજી લેવાથી સ્કિનની ચમક જળવાઈ રહેશે. મેકઅપ કરતાં પહેલાં ચહેરો ધુઓ, સૂકાવા દો અને પછી સનસ્ક્રીન લગાડો. તેને બે મિનિટ માટે સેટ થવા દો. આ પછી એન્ટી-ઓક્સિડન્ટ ક્રીમ લગાડીને મેકઅપની શરૂઆત કરો. આમ કરવાથી તમારો મેકઅપ એકદમ સારી રીતે થઈ શકશે. વધુ પડતું મોઇશ્ચરરાઇઝર લગાડવાનું ટાળો. વધારાનું મોઇશ્ચરાઇઝર ટીશ્યુ પેપરથી સાફ કરી નાખો.

ક્વીક મેકઅપ કેમ કરશો?

ક્યારેક એવું બનતું હોય છે કે ઓફિસમાં આખો દિવસ બીઝી રહ્યા પછી તમારા ઓફિસના સાથીદાર તમને ઘરની બહાર સાંજ વિતાવવા કહે કે પછી તમારા મિત્ર તમને દસેક મિનિટમાં જ મળવા આવી રહ્યા હોય ત્યારે મેકઅપ વિશે ચિંતા થવી સ્વાભાવિક છે. જોકે ગણતરીની મિનિટોમાં પણ મેકઅપ શક્ય છે.

• જો તમને આંખની આસપાસ સોજો કે તાણ જેવું લાગે તો કોલ્ડ કોમ્પ્રેસ લગાડો. • ચહેરો ધોયા પછી મોઇશ્ચરરાઇઝર લગાડો. • આંગળી વડે ફાઉન્ડેશન લગાડીને ચહેરા ઉપર એકસરખું ફેલાવો. તેના માટે સ્પોન્જનો પણ ઉપયોગ કરી શકાય. • ચહેરાના કાપા કે ડાઘ ઉપર આંગળીથી ક્લીન્સિંગ મિલ્ક લગાવી શકાય, પણ તે ફાઉન્ડેશન સાથે ભળી જાય તે વાતની કાળજી રાખો. • આઇબ્રો માટે બ્રશ વાપરો. જરૂર પડયે આઇબ્રો ઉપર કલર પેન્સિલ ફેરવી શકાય. • આઇ શેડો લગાડો. જરાક પાણી ભેળવીને લગાડવાથી તે લાંબો સમય ટકે છે. • આઇલાઇનર અને મસ્કરા લગાડો. • હોઠ પર લિપસ્ટીક લગાડો. આછો પાઉડર અને આછું બ્લશર લગાડો.

તાજગીભર્યા દેખાવ માટે

જો તમે ઘરે મેકઅપ કરતાં હો તો તમે જે જગ્યાએ જવાના છો, ત્યાંની પ્રકાશ વ્યવસ્થાનું ધ્યાન રાખો. જો તમારી ઓફિસમાં ફલોરોસન્ટ લાઇટ હોય તો તે પ્રમાણે મેકઅપ થવો જોઈએ. જો તમારા ચહેરા ઉપર કોઈ ડાઘ ન હોય તો ફાઉન્ડેશન લગાવવાનું ટાળો.

• ક્લીન્સિંગ પછી સનસ્ક્રીન અને મોઇશ્ચરાઇઝર વાપરો. આંખની નજીક પાઉડરના થર કરવાનું ટાળો.

• જો ફાઉન્ડેશન લગાડવું હોય તો તે વોટર બેઝ્ડ હોવું જોઈએ. તમારી સ્કિન સૂકી હોય તો તેના ઉપર ક્રીમ ફાઉન્ડેશન લગાડો, પણ અંદર પાણી જરૂરથી ભેળવો. બને ત્યાં સુધી ત્વચાના પ્રકારને ઓળખીને જ ફાઉન્ડેશનનો ઉપયોગ કરો.

• આંખના મેકઅપ માટે માત્ર પેન્સિલનો ઉપયોગ કરો. પોપચા ઉપર બ્રાઉન અથવા ગ્રે રંગનો આઇ શેડો કરી શકાય. તેનાથી સોફટ દેખાવ મળે છે. એ પછી મસ્કરા લગાડો. તેનાથી આંખમાં ચમક આવશે અને હેવી મેકઅપ કર્યો હોય તેવો દેખાવ પણ દૂર થશે. મસ્કરા હંમેશા બે હળવા કોટમાં લગાડવું.

• ક્યારેય ડાર્ક રંગની લિપસ્ટીક ન વાપરો. ફ્લોરોસન્ટ લાઇટિંગ હોય ત્યાં આંખો વધુ ઊંડી દેખાતી હોય છે. આથી કોપર કે વાઇટ રંગ અથવા પેસ્ટલ કલર વાપરો. જરૂર લાગે તો જ લીપ ગ્લોસ વાપરો.

• આછું કોલોન કે પરફ્યુમ અવશ્ય લગાડો. તીવ્ર સુગંધ ધરાવતા પરફ્યુમ ક્યારેય ઓફિસમાં લગાડવા નહીં.

આટલી ભૂલ અચૂક ટાળો

મેકઅપથી તમારા ચહેરા ઉપર ચમક અને તાજગી આવે છે, પણ કેટલીક સ્ત્રીઓ વધુ પડતો મેકઅપ કરે છે. સૌથી મોટી ભૂલ એ કરે છે કે તેઓ ચહેરા ઉપર વધારે પડતો પાઉડર લગાવે છે. આથી ચહેરો વિચિત્ર લાગે છે. માત્ર જરૂરત હોય ત્યાં જ પાઉડર લગાવો. નાક, આઇબ્રોની વચ્ચે કે દાઢી ઉપર વધુ પડતી ચમક કે તૈલીપણું દેખાય તો જ ત્યાં પાઉડર લગાવો. ફાઉન્ડેશનને બદલે ક્રીમ પાઉડર લગાવવો વધુ હિતાવહ છે. તેનાથી તમારા ચહેરાની ચમક લાંબો સમય જળવાઈ રહે છે.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter