આજકાલ દરેક વર્કિંગ વુમનને એ પ્રશ્ન હોય છે કે ઓફિસમાં કઈ જ્વેલરી પહેરીને જવી? હેવિ જ્વેલરી ઓફિસવેર પર સૂટ પણ ન થાય અને તે કમ્ફર્ટેબલ પણ ન હોય. જ્વેલરી એવી એક્સેસરી છે જે ઓછી પહેરવામાં આવે તો પણ દરેક દરેક સ્ત્રીને પહેરવી તો ગમેજ. ભાગ્યે જ કોઈ એવું મળશે જે રોજિંદા જીવનમાં એકાદ નાની જ્વેલરીનો પીસ પણ નહીં પહેરતા હોય. જો કોઈ કોર્પોરેટ હાઉસમાં કામ કરતા હો તો ત્યાંની રૂલ બુકમાં જ તમારે શું પહેરવું અને શું નહીં એનું પણ લિસ્ટ હોય છે. આ સિવાય તમે ઓફિસમાં કઈ કઈ જ્વેલરી પહેરી શકો એ માટે અહીં થોડી જાણકારી આપવામાં આવી છે.
સિમ્પલ પણ સ્ટાઈલિશ
ઓફિસે પહેરવાની જ્વેલરીનો દરેક પીસ ખૂબ જ સિમ્પલ હોય એનું ધ્યાન રાખો. ખૂબ મોટી કે કોમ્પ્લીકેટેડ ડિઝાઇનોને બાજુ પર મૂકો. સાદી પરંતુ સુંદર દેખાતી ડિઝાઇનો સિલેક્ટ કરો. અહીં સમાવેશ થઈ શકે છે બેઝિક સોનાની પાતળી ચેઇન, ચાંદીના લાઇટવેઇટ નેકપીસ અથવા મોતીના ઈયર રિંગનો. ડાયમન્ડના સ્ટડ પણ ફોર્મલ લુક સાથે સારા લાગશે.
ક્લાસી ટચ
ડાયમન્ડ જ્વેલરીની ખાસિયત એ છે કે ફોર્મલવેર, પાર્ટીવેર અને ટ્રેડિશનલવેર એમ ગમે એ રેન્જના પરિધાન સાથે સારાં લાગે છે. બોરિંગ લાગતાં ઓફિસ આઉટફિટ સાથે નાજુક એવી ડાયમન્ડની જ્વેલરી સુંદર લાગે છે. મોટા અને આકર્ષણનું કેન્દ્ર બને એવા ડાયમન્ડના પીસ પાર્ટીવેર સુધી સીમિત રાખો. સિમ્પલ ડાયમન્ડ પેન્ડન્ટ અને સિલ્વર અથવા વ્હાઈટ ગોલ્ડની ચેઈન તેમજ ઈયરિંગ સારા લાગશે.
કલર કોમ્બિનેશન
કલર સ્ટોનની મોટી જ્વેલરી અહીં નથી પહેરવાની, પરંતુ ઓફિસવેર સાથે રંગીન સ્ટોન સાથે ડાયમન્ડ જડેલી જ્વેલરી પહેરી શકાય. અહીં જેવા કલરનો ડ્રેસ પહેર્યો હોય એવા જ કલર સ્ટોનની જ્વેલરી પહેરવા થોડા વધુ પડતાં લાગશે, પરંતુ કલર કોન્ટ્રાસ્ટ અને કલર બ્લોકિંગનો ફન્ડા અહીં કામ કરે છે. ઓફિસ જ્વેલરીની વાત આવે ત્યારે બ્લુ ટોપ સાથે ઓરેન્જ ઈયરિંગ અને ગ્રે ડ્રેસ સાથે ગ્રીન નેકલેસ હંમેશાં સારો લુક આપશે.
સિગ્નેચર પીસ
કોઈ એક જ્વેલરી પીસ એવો રાખો, જે તમારી સિગ્નેચર સ્ટાઇલ બની જાય. તમારા આખા લુકમાં આ એક જ્વેલરીનો પીસ હાઇલાઇટ થતો હોવો જોઈએ. મોટી રિંગ્સ કે ડાયમન્ડની સ્ટેટમેન્ટ રિંગ રોજ પહેરો અને એ તમારી ઓળખ બની જશે. આ રીતે જ્વેલરી પહેરવાથી તમારી સ્ટાઇલમાં એક નિયમિતતા દેખાશે.
મોતી સદાબહાર
મોતીની જ્વેલરી સારી ન દેખાય એવું ભાગ્યે જ બને છે. મોતીના નેકલેસ, ઈયર સ્ટડ અને કલર્ડ મોતીનું બ્રેસલેટ એકસાથે પણ પહેરશો તો સારું લાગશે. મોતી ફોર્મલ ઓફિસવેર પર સારો લુક આપે છે.
અવાજ કરતી જ્વેલરી ન પહેરો
ઓફિસમાં જો સ્ટ્રિક્ટ કોર્પોરેટ કલ્ચર ન હોય તો જ્વેલરીના સિલેક્શનમાં થોડી છૂટછાટ ચાલે. ડ્રેસ પર શોભે એ પ્રમાણે મોટા બીડ્સના નેકલેસ અથવા હાથમાં બંગડીઓ સારી લાગે, પરંતુ એમાં એ ધ્યાન રાખો કે એ તમને પોતાને તેમજ તમારા સહકર્મીને કામમાં ડિસ્ટર્બ ન કરે. બંગડી પહેરો પણ એમાં ખનખન અવાજ ન આવવો જોઈએ અને નેકપીસ કે ઈયર રિંગ પહેરો તો એના વજનને કારણે કામ કરવામાં કંટાળો ન આવવો જોઈએ.