દરેક વર્કિંગ વુમનને કાયમ એ જ વાત મૂંઝવણમાં મૂકતી હોય છે કે ઓફિસમાં કેવો લુક અપનાવવો? કેવી રીતે પોતે તૈયાર થાય જેથી તેની ઇમેજ ઓફિસમાં વધારે સારી બને. ખાસ કરીને જ્યારે ઓફિસમાં ડ્રેસકોડ ન હોય ત્યારે તો આ વાતે યુવતીઓ અને મહિલાઓ ખૂબ પરેશાન થાય છે. તો આવી વર્કિંગ વુમન્સ માટે કેટલીક ટિપ્સ અહીં અપાઈ છે કે જેથી ઓફિસમાં તેમનું ડ્રેસિંગ પરફેક્ટ અને ઇમ્પ્રેસિવ લાગે. જોકે દરેક ઓફિસમાં વાતાવરણ અલગ હોય છે. ક્યાંક સ્ટ્રિક્ટ વાતાવરણ હોય છે તો ક્યાંક થોડું લિબરલ પણ જોવા મળે છે. આથી તમારી ઓફિસના વાતાવરણ અનુસાર પોશાક પહેરો તે વધારે સારું રહે છે. ઓફિસમાં પહેરવાના ડ્રેસની પસંદગી એવી રીતે કરો કે તે તમને કમ્ફર્ટેબલ લાગે અને ઓફિસમાં તમે આસાનીથી કામ પણ કરી શકો અને કૂલ અને સ્માર્ટ લાગો. તમારી કાર્યક્ષમતાની સાથોસાથ ડ્રેસિંગ સેન્સ પણ સારી હશે તો તમારી અલગ જ ઇમેજ ઊભી થશે. હાલમાં જ થયેલા એક અભ્યાસ દ્વારા જાણવા મળ્યું છે કે બોસ પણ એવા એમ્પ્લોયીને વધારે પસંદ કરે છે. જેમની ડ્રેસિંગ સેન્સ સારી હોય. જો તમારી ડ્રેસિંગ સેન્સ સારી હશે તો તેની અસર તમારા કામ અને સહકર્મચારીઓ પર પણ થશે. જો તમારો પોશાક કમ્ફર્ટેબલ નહીં હોય તો તમે સારી રીતે કામ નહીં કરી શકો અને તમારા આત્મવિશ્વાસમાં ઘટાડો થશે. આથી ઓફિસમાં પોશાક પહેલાં તો તમને સુવિધાજનક હોવો જરૂરી છે.
સલવાર-કુર્તા: ભારતીય કમ્ફર્ટેબલ પોશાકમાં સલવાર - કુર્તા વર્કિંગ વુમનની પ્રથમ પસંદગી રહે છે. કુર્તામાં લોંગ એન્કલ લેન્થ ધરાવતી કુર્તીથી લઇને એકદમ શોર્ટ કુર્તી પણ લેગિંગ્સ, જેગિંગ્સ, જીન્સ કે પેન્ટ અથવા ચૂડીદાર કે સલવાર સાથે પહેરી શકાય છે. તમે જ્યારે ઓફિસવેર માટે કુર્તીની પસંદગી કરો ત્યારે એ ધ્યાન રાખો કે તે સિમ્પલ અને શાલિન દેખાય. વધારે પડતી એમ્બ્રોઇડરી કરેલી કે મોટી પ્રિન્ટની કુર્તીઓ ઓફિસવેરમાં સારી નથી લાગતી. ઓફિસવેર કુર્તીમાં જ્યોર્જેટ, શિફોન જેવા મટીરિયલની કુર્તી સારી લાગે છે. આવા મટીરિયલમાં કરચલીઓ પડતી નથી. સાદી કુર્તી અને ચૂડીદાર સાથે બ્રાઇટ કલરફૂલ દુપટ્ટા તમને અલગ જ લુક આપશે.
સાડી: સાડી એવો પોશાક છે, જે ફોર્મલ હોવાની સાથે તમારા લુકને બધાથી ખાસ અને જુદા દર્શાવે છે. અલબત્ત, આજે મોટા ભાગની મહિલાઓ ઓફિસમાં સાડી પહેરવાનું ટાળે છે. સિવાય કે તેઓના પ્રોફેશન પ્રમાણે સાડી યોગ્ય ડ્રેસકોડ ગણાતો હોય. જેમકે શિક્ષક, પ્રોફેસર કે એનજીઓમાં સામાજિક કાર્યકર તરીકે કાર્ય કરતી મહિલાઓનો સાડી માનીતો ડ્રેસકોડ ગણાય છે. બાકી કોઇ ખાસ અવસર કે તહેવાર હોય એ સિવાય મહિલાઓ ઓફિસમાં સાડી પહેરતી નથી. તેમને સાડી ઓફિસમાં કમ્ફર્ટેબલ નથી લાગતી. જોકે દિવાળી જેવા તહેવારો હોય કે ઓફિસનું કોઇ ખાસ ફંક્શન હોય ત્યારે ઓફિસમાં પહેરવા કોટનની સાડીની પસંદગી કરો. આજકાલ રેડી ટુ વેર સાડી મળે છે તે સૌથી શ્રેષ્ઠ વિકલ્પ છે.
જીન્સ ટ્રાઉઝર્સ: ઘણી વાર વર્કિંગ વુમન માટે જીન્સ પેન્ટ કે ટ્રાઉઝર્સ ઓફિસવેર તરીકે સારામાં સારો પોશાક રહે છે, પણ જેમને ફેશનેબલ દેખાવું હોય તેમના માટે આ પરિધાન બોરિંગ ગણાય છે. ટ્રાઉઝર કે જીન્સ સાથે તમે ટી-શર્ટ પહેરીને સ્પોર્ટી લુક મેળવી શકો છો. આનાથી તમને ઓફિસમાં કામ કરવામાં પણ તાજગી અનુભવાશે. જો આ પરિધાન સાવ ફોર્મલ લાગતાં હોય તો તેના પર બ્લેઝર પહેરી શકો છો.
ટી-શર્ટ: આજની મોડર્ન વર્કિંગ વુમન અથવા કહો કે યુવતીઓ ટી-શર્ટ અને જીન્સ કે કેપ્રી પહેરીને ઓફિસે જવાનું પસંદ કરે છે. આનાથી તમને સ્પોર્ટી લુક મળે છે. હા, એટલું અવશ્ય ધ્યાન રાખો કે તમે જે ટી-શર્ટ પહેરવાનું પસંદ કરો તેના પર કોઇ કંપનીનો લોગો ન હોય અથવા તેના પર લખાણ લખેલું ન હોય. જો લખાણ હોય તો પણ તમારી ઇમેજ અનુસારનું હોય. તે સાથે જ ટી-શર્ટના કલર્સ પણ વધારે પડતા બ્રાઇટ ન હોય તેનો ખ્યાલ ચોક્કસ રાખવો.
શર્ટ: ઓફિસમાં પોતાની એલિગન્ટ અને ક્લાસી ઇમેજ જાળવી રાખનારી મહિલાઓ માટે શર્ટ અને પેન્ટ સૌથી સારો પોશાક છે. જો તમે ઓફિસમાં કેઝ્યુઅલ પોશાક પહેરવા ન માગતા હો તો ફોર્મલ પેન્ટ-શર્ટ પણ તમને સારા લાગશે. સિમ્પલ ડાર્ક અને લાઇટ કલરના પેન્ટ અને શર્ટ સાથે તમે જો જેકેટ પહેર્યું હશે તો તે તમને એકદમ પરફેક્ટ લુક આપશે.
સ્કાર્ફ: રેગ્યુલર ભારતીય ડ્રેસ અથવા પેન્ટ-શર્ટ સાથે સ્કાર્ફ ગળામાં વીંટાળીને અથવા માથા પર બાંધીને તમે એક અલગ જ લુક ઊભો કરી શકો છો. તે તમારા ક્લાસી લુકમાં થોડો ફંકી લુક ઉમેરશે. વેસ્ટર્ન ડ્રેસિસ સાથે તમે ગળામાં વીંટાળેલો અથવા તો ખભા પર નાખેલો સ્કાર્ફ તમારી પર્સનાલિટીને સાવ અલગ જ દર્શાવશે.