સાઉથ કોરિયાની પહેલી વર્ચ્યુઅલ ઇન્ફલુએન્સર (આભાસી પ્રભાવશાળી વ્યક્તિ)નું નામ છે રોઝી. અને (કાગળ પર) ઉંમર છે ૨૨ વર્ષ..! તેના ડિજિટલ અવતારે અત્યાર સુધીમાં ૬ લાખ પાઉન્ડથી વધુની કમાણી કરી લીધી છે. લોકોનું કહેવું છે કે રોઝી હવે મોડેલિંગના માધ્યમથી ટૂંક સમયમાં કોરિયન ઉદ્યોગજગત પર વર્ચસ્વ જમાવી લે તો પણ નવાઇ નહીં. આ આભાસી મોડેલને અત્યાર સુધીમાં ૧૦૦થી વધુ સ્પોન્સરશિપ અને આઠ કોન્ટ્રેક્ટ મળી ચૂક્યા છે, અને યાદી લંબાઇ જ રહી છે. સાઉથ કોરિયાની એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીમાં હવે તે બ્લુ ચિપ બનીને ઊભરી રહી છે. આભાષી મોડેલ આવી જતાં એડવર્ટાઇઝિંગ ઇન્ડસ્ટ્રીના દિગ્ગજોને લાગે છે કે હવે તેની સાથે કોઇ પણ પ્રકારની છેતરપિંડી કે આર્થિક નુકસાન નહીં થાય. રોઝીને સિડમ સ્ટુડિયો એક્સે ગત વર્ષે ઓગસ્ટમાં ડેવલપ કરી હતી, અને એક જ વર્ષમાં તે ૬.૨૫ લાખ પાઉન્ડની કમાણી કરી ચૂકી છે. રોઝી - એક આભાસી વ્યક્તિત્વ હોવા છતાં - તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર એક સાચુકલા માણસ જેવી જ દેખાય છે અને તેના ૭૦ હજારથી વધુ તો ફોલોઅર્સ છે.