નવી દિલ્હી: વર્જિનિયાની એક મહિલાએ વિવિધ બ્રાન્ડ્સની નકલી કુપનો દ્વારા ૩.૨ કરોડ ડોલર (રૂ. ૨૪૦ કરોડ)ની ઠગાઈ કરી છે. મહિલાએ આ કુપનોના વેચાણ દ્વારા થયેલી આવકમાંથી પોતાના ઘરનું સમારકામ પણ કરાવ્યું હતું, અને તે હાઇફાઈ લાઇફસ્ટાઇલથી જીવન પસાર કરતી હતી. એટલું જ નહીં, તેણે વિદેશમાં શાનદાર વેકેશન પણ માણ્યા. આ મહિલાની ધરપકડ થઈ ચૂકી છે અને કોર્ટે તેને ૧૨ વર્ષની સજા સંભળાવી છે. ૪૧ વર્ષની લોરી એન વિલાનુલોવા ટેલેન્સે ઘર પર ડિઝાઇન કરાયેલા અને પ્રિન્ટ કરાયેલા હજારો કુપન ૨૦૦૦થી વધારે ગ્રાહકોને તેના નેટવર્ક પર મોકલ્યા હતા, જેને તેઓએ માસ્ટર શેફના નામથી ફેસબૂક અને ટેલિગ્રામ જેવી સોશિયલ મીડિયા સાઇટ પર જમા કર્યા હતા.
લોરીની ધરપકડ બાદ તેના ઘરમાંથી એક મિલિયન ડોલર એટલે કે દસ લાખ ડોલરની કુપન મળી હતી. વાસ્તવમાં કેટલીય કંપનીઓ વિવિધ કુપનો જારી કરે છે. તેનાથી ખરીદદારી કરનારાને સામાનની ખરીદીમાં રાહત મળે છે. લોરીએ આવી કુપનની નકલી કુપન તૈયાર કરીને બે હજારથી વધુ લોકોને વેચી. આ કુપન કંપનીઓ પાસે પહોંચી ત્યારે દુકાનદારોને ખબર પડી કે આ કુપન નકલી છે.
એફબીઆઇએ જણાવ્યું હતું કે લોરી કોઈ પણ પ્રકારના કરિયાણાની દુકાન કે દવાની દુકાનના ઉત્પાદન માટે કુપન બનાવવા સક્ષમ હતી. આમ તે જે પણ મૂલ્ય ઇચ્છતી હતી તેની કુપન બનાવવા સક્ષમ હતી. ઉદાહરણ તરીકે જોઈએ તો ૨૫ ડોલરનો ડાઇપરનો ડબ્બો હોય તો તે ૨૪.૯૯ ડોલરની કુપન બનાવતી હતી, આમ તેને ડાઇપર લગભગ મફતમાં મળી જતું હતું.
આ મામલાની તપાસ કરી રહેલા અધિકારી જેસન થોમસને જણાવ્યું હતું કે તેની દરેક જેકેટમાં કુપન હતી. લોરીએ પ્રોક્ટર એન્ડ ગેમ્બલ, કોકા-કોલા અને ઝીપલોક સહિત ૧૦૦ કંપનીઓને નકલી કુપન દ્વારા મોટો ફટકો માર્યો હતો. સૌથી વધારે ફટકો પેપર ઉત્પાદક કિમ્બર્લી ક્લાર્કને પડયો છે. એફબીઆઇને લોરીના કમ્પ્યુટર પર ૧૩ હજારથી વધારે જુદા-જુદા ઉત્પાદનો માટે કુપન બનાવવાની ડિઝાઇન મળી હતી.