તમે કેટલો લાંબો કૂદકો મારી શકો છો ?
ના કૂદયા હો તો કૂદી જોજો. પાંચ ફૂટથી માંડીને દોઢબે મીટર જેટલું તો માંડ કૂદી શકશો. જો ખેલકૂદમાં રસ ધરાવતા હશો તો થોડી વધુ લાંબી છલાંગ લગાવી શકશો. પણ અંજુ બોબી જ્યોર્જ કેટલી લાંબી છલાંગ લગાવી શકે છે એ જાણો છો ?
અંજૂ બોબી જ્યોર્જ ૬ મીટર જેટલી લાંબી છલાંગ લગાવી શકે છે. આ સિદ્ધિને કારણે અંજૂએ દેશનું નામ દુનિયામાં રોશન કર્યું છે. અંજૂ લોંગ જમ્પ- લાંબી છલાંગની ખેલાડી છે. લોંગ જમ્પની વિશ્વ પ્રતિયોગિતામાં ચંદ્રક જીતનારી એકમાત્ર ભારતીય એથલીટ છે.અંજૂએ વર્ષ૨૦૦૩માં પેરિસમાં આયોજિત વર્લ્ડ એથલેટિસ ચેમ્પિયનશિપમાં લાંબા કૂદકાની સ્પર્ધામાં ૬.૭૦ મીટર છલાંગ લગાવેલી.એણે કાંસ્ય ચંદ્રક જીતીને રમતગમત જગતમાં ઈતિહાસ રચેલો..ખેલકૂદની દુનિયામાં ભારતનું નામ રોશન કરવાને પગલે અંજૂને ૨૦૦૨માં અર્જુન પુરસ્કાર, ૨૧ સપ્ટેમ્બર ૨૦૦૪ના રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર અને ૨૦૦૪માં જ દેશના ચોથા સર્વોચ્ચ સન્માન પદ્મશ્રીથી પુરસ્કૃત કરવામાં આવી હતી.
અંજૂને વર્લ્ડ એથલેટિકસ તરફથી ૨૦૨૧ માટે વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા તરીકેનું સન્માન આપવામાં આવ્યું છે. અંજૂનો જન્મ દક્ષિણ મધ્ય કેરળના કોટ્ટાયમ જિલ્લાના નાનકડા ગામ ચીરનચીરામાં ૧૯ એપ્રિલ ૧૯૭૭ના થયેલો. માતા ગ્રેસી માર્કોસ અને પિતા કે. ટી.માર્કોસ. અંજૂને નાનપણથી જ ખેલકૂદમાં રુચિ હતી. પાંચ વર્ષની ઉંમરથી જ એથલેટિકસ સ્પર્ધાઓમાં ભાગ લેવાનું શરૂ કરેલું. અંજૂ લાંબા કૂદકા ભણી વળી ગઈ. ૧૯૯૬માં એણે દિલ્હી જુનિયર એશિયન ચેમ્પિયનશિપમાં ચંદ્રક મેળવ્યો. ૧૯૯૯માં અંજૂએ બેંગલુરુ ફેડરેશન કપમાં ટ્રિપલ જમ્પનો રાષ્ટ્રીય વિક્રમ નોંધાવ્યો. આ જ વર્ષે અંજૂએ નેપાળમાં આયોજિત સાઉથ એશિયા ફેડરેશન ગેમ્સમાં ચાંદીનો ચંદ્રક જીત્યો.
અંજૂની કારકિર્દીના દરિયામાં ભરતી ચડેલી, પણ જાણે કે નજર લાગી હોય એમ જીવનમાં અણધાર્યો વળાંક આવ્યો. વર્ષ ૨૦૦૦માં અંજૂને ખબર પડી કે એના શરીરમાં એક જ કિડની છે. એ સમયે અંજૂ કારકિર્દીની ટોચે હતી. એક જ કિડની હોવાની બાબતે એ ચિંતિત થઈ ગઈ, પણ તબીબોએ અંજૂનું શારીરિક પરીક્ષણ કર્યા પછી અંજૂ પોતાની રમત જારી રાખી શકવાની સ્થિતિમાં છે એવા શુભ સમાચાર આપ્યા.
એ પછી ૨૦૦૨માં અંજૂએ માન્ચેસ્ટરમાં યોજાયેલી કોમનવેલ્થ ગેમ્સમાં ૬.૪૯ મીટર લાંબી છલાંગ લગાવીને ભારતને કાંસ્ય ચંદ્રક અપાવ્યો. આ જ વર્ષે દક્ષિણ કોરિયાના બુસાનમાં આયોજિત એશિયન ગેમ્સમાં ૧.૮ મીટરની ઝડપે ૬.૫૩ મીટરની છલાંગ લગાવીને સુવર્ણ ચંદ્રક જીત્યો. ત્યાર પછી અંજૂએ એ કરી બતાડ્યું, જે કોઈ ભારતીય એથલીટ કરી શક્યું નહોતું. એણે પેરિસમાં આયોજિત વર્લ્ડ એથલેટિકસ ચેમ્પિયનશિપમાં ૩૦ ઓગસ્ટ ૨૦૦૩ના રોજ ૬.૭૦ મીટર લાંબી છલાંગ લગાવીને ખેલકૂદના ઈતિહાસમાં પોતાનું નામ અંકિત કર્યું. આ ચેમ્પિયનશિપમાં અંજૂને કાંસ્ય ચંદ્રક મળ્યો. ભલે ત્રીજા ક્રમાંકે આવી, પણ અંજૂ આ ખેલમાં ચંદ્રક જીતનારી પહેલી ભારતીય ખેલાડી બની. અનેરા આત્મવિશ્વાસથી ભરપૂર અંજૂ બોબી જ્યોર્જને ૧૩ ઓગસ્ટ ૨૦૦૪ના આરંભાયેલા એથેન્સ ઓલિમ્પિકમાં ભારતીય ધ્વજવાહકનું સન્માન મળેલું. અંજૂએ કુલ ત્રીસ ખેલાડીઓ સાથે લાંબા કૂદકામાં ભાગ લીધો અને ૬.૬૯ મીટરની લાંબી છલાંગ લગાવીને ફાઈનલમાં પ્રવેશ કર્યો. ફાઈનલમાં પહોંચવા માટે ઓછામાં ઓછી ૬.૬૫ મીટરની છલાંગ લગાવવી અનિવાર્ય હતું. ફાઈનલમાં બાર પ્રતિયોગીઓ હતા. અંજૂએ ૬.૮૩ મીટરની છલાંગ લગાવીને નવો રાષ્ટ્રીય વિક્રમ સર્જ્યો, પણ ઓલિમ્પિકમાં છઠ્ઠા સ્થાનથી સંતોષ માનવો પડ્યો.
એથેન્સ ઓલિમ્પિક પછી અંજૂના પ્રદર્શનમાં ઓટ આવતી દેખાઈ. ૨૦૦૫માં વર્ષ ૨૦૦૬માં અંજૂનું પ્રદર્શન બગડવાને પગલે આઈએએએફ- ઈન્ટરનેશનલ એસોસિયેશન ઓફ એથલેટિકસ ફેડરેશન મહિલા લાંબી છલાંગ રેંકિંગમાં એ ચોથા સ્થાનેથી ગબડીને છઠ્ઠા ક્રમાંકે પહોંચી ગઈ.
વર્ષ ૨૦૦૭માં ઓમાનમાં યોજાયેલી એશિયન એથલેટિકસ ચેમ્પિયનશિપમાં રજત ચંદ્રક અને ૨૦૦૮અં ત્રીજી દક્ષિણ એશિયાઈ એથલેટિકસ ચેમ્પિયનશિપમાં સુવર્ણ ચંદ્રક અંજૂ જ્યોર્જે મેળવ્યો..અંજૂ દ્રઢપણે એવું માને છે કે જીવનમાં ભરતી અને ઓટ તો આવ્યા જ કરે. સહુએ પોતાનું કામ મહેનત, લગન અને ખંતથી કરવું જોઈએ. બાકી બધું ઉપરવાળા પર
છોડી દેવું જોઈએ. કારણ કે ઉપર બેઠેલો ઈશ્વર એક ને એક દિવસ મહેનતનું ફળ જરૂર આપે જ છે !