વોશિંગ્ટનઃ વર્લ્ડ બેંકની ગ્લોબલ એન્વાર્યન્મેન્ટ ફેસિલિટી (GEF)ની સ્વતંત્ર મૂલ્યાંકન ઓફિસમાં નવા ડાયરેક્ટર તરીકે ભારતવંશી અર્થશાસ્ત્રી ગીતા બત્રાની પસંદગી કરાઈ છે. આની સાથે સાથે જ તેઓ વિકાસશીલ દેશમાંથી આ પ્રતિષ્ઠિત હોદ્દો સંભાળનાર પ્રથમ મહિલા બન્યાં છે.
57 વર્ષના બત્રા હાલમાં વર્લ્ડ બેંક સાથે સંલગ્ન GEFના સ્વતંત્ર મૂલ્યાંકન કાર્યાલય (ઇન્ડિપેન્ડન્ટ ઇવેલ્યુએશન ઓફિસ) ખાતે ચીફ ઇવેલ્યુએટર એન્ડ ડેપ્યુટી ડાયરેક્ટર (ઇવેલ્યુએશન) તરીપે ફરજ બજાવે છે. નવમી ફેબ્રુઆરીએ વોશિંગ્ટનમાં યોજાયેલી 66મી GEF કાઉન્સિલની મીટિંગમાં આ પ્રતિષ્ઠિત પદ માટે તેમના નામની સર્વસંમતિથી ભલામણ કરાઈ હતી.
નવી દિલ્હીમાં જન્મેલા બત્રાએ મુંબઈ અને ચેન્નઈમાં ફાઈનાન્સમાં એમબીએનો અભ્યાસ કર્યો હતો. ઓગસ્ટ 1990માં ઈકોનોમિક્સમાં પીએચ.ડી. માટે અમેરિકા ગયાં હતાં. ડોક્ટરેટની પદવી પછી તેમણે અમેરિકન એક્સપ્રેસ બેન્કમાં સિનિયર મેનેજર (રિસ્ક) તરીકે બે વર્ષ કામ કર્યું હતું અને 1998માં વર્લ્ડ બેંકના ખાનગી ક્ષેત્રના વિકાસ વિભાગમાં જોડાયા હતાં. ગીતા બત્રા હાલમાં તેમના પતિ પ્રકાશ અને તેમની પુત્રી રોશિની સાથે નોર્ધર્ન વર્જિનિયામાં રહે છે.