નવી દિલ્હી: વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ભારતનું નામ રોશન કરીને પરત ફરનારાં મહિલા બોક્સર્સે તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત લીધી હતી. વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં બોક્સર નિખત ઝરીન, મનીષા મૌન અને પરવીન હુડ્ડાએ મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું છે. નિખતે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો છે જ્યારે મનીષા મૌન અને પરવીન હુડ્ડાએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે. નિખતે વડા પ્રધાન સાથે સેલ્ફી લીધી હતી અને પોતાના બાવડા પર વડા પ્રધાન મોદીના હસ્તાક્ષર પણ લીધા હતાં. વડાપ્રધાને ત્રણે મહિલા બોક્સર સાથે તેમના સુંદર દેખાવ અંગે ચર્ચા કરી હતી અને તે બદલ અભિનંદન આપ્યા હતાં.
નિખતે વડાપ્રધાન સાથેના ફોટોગ્રાફ્સને ટ્વિટર પર શેર કરવાની સાથે લખ્યું હતુંઃ વડા પ્રધાન સરને મળવાનું બહુમાન પ્રાપ્ત થયું... થેંક્યૂ સર. નોંધનીય છે કે તેલંગણના મુખ્યમંત્રી કે.સી. રાવે વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ મેળવનારી નિખત ઝરીન અને ISSF જુનિયર વિશ્વ કપમાં ગોલ્ડ મેડલ હાંસલ કરનારી ઇશાસિંહને 2-2 કરોડ રૂપિયાનું ઇનામ આપવાની જાહેરાત કરી છે. સાથોસાથ તેમને બનજારા હિલ્સ અથવા જ્યુબિલી હિલ્સ વિસ્તારમાં જમીનનો પ્લોટ ફાળવવાની પણ જાહેરાત કરી છે.