સ્ત્રીઓનો વસ્ત્ર અને શૃંગારપ્રેમ વિશ્વભરમાં પ્રખ્યાત છે. સ્ત્રીને સુંદર દેખાવ બક્ષવા માટે વસ્ત્રો અને આભૂષણો એકબીજાના પૂરક ગણાય છે. આજે આપણે પણ અહીં વસ્ત્રાલંકારની વાત કરવાની છે. સામાન્ય રીતે સ્ત્રીઓ પહેરવેશમાં રંગના મેચિંગનું ધ્યાન રાખે તેવી જ રીતે તેમણે ઘરેણાં પહેરવામાં પણ મેચિંગનું ધ્યાન રાખવું જોઈએ. ખાસ કરીને વારે તહેવારે કે લગ્નપ્રસંગે આ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
પરંપરાગત વસ્ત્રો સાથે હેવિ જ્વેલરી
આજે ઇન્ડિયન એથનિક ડ્રેસ સાથે રાજા રજવાડાઓના સમયમાં પહેરવામાં આવતી જ્વેલરી પહેરવાનો ભારે ટ્રેન્ડ જોવા મળે છે. આ પ્રકારની જ્વેલરીને રજવાડી જ્વેલરી કહેવામાં આવે છે. કેટલીક સ્ત્રીઓ પગથી માથા સુધીનો શૃંગાર પસંદ કરે છે. અતિઅલંકારો તેમની શોભામાં વધારો કરતાં દેખાય છે. જેમકે ફિલ્મ અભિનેત્રી રેખા કોઈ પણ ફંક્શનમાં કાનજીવરમ સાડી સાથે સોનાની અતિભારે જ્વેલરી પહેરતી જોવા મળે છે. સામાન્ય સ્ત્રીઓ પણ વારે તહેવારે રેખાને ફોલો કરી શકે છે. શરત માત્ર એટલી કે વસ્ત્રોમાં વપરાયેલું કાપડ પરંપરાગત બાંધણી, પટોડા પ્રિન્ટ, બનારસી, ભાગળપુરી, કાનજીવરમ, કલકત્તી, ચંદેરી વગેરે હોવું જોઈએ. હા, પરંપરાગત કાપડમાંથી જોકે તમે ઇન્ડો વેસ્ટર્ન ડ્રેસ તૈયાર કરાવ્યો હોય તો એવા ડ્રેસ સાથે હેવિ જ્વેલરી ઓછી શોભે છે. આ પ્રકારના ડ્રેસ સાથે કાનમાં હેવિ ઝુમકી અને આંગળીઓમાં જડતર કે મીનાની વીંટી પહેરી શકાય, પણ ગળામાં લાઈટ જ્વેલરી પહેરો.
મોતી કે ડાયમંડના ઘરેણા
દિવાળીનો તહેવાર છે ત્યારે સ્ત્રીઓ પરંપરાગત વસ્ત્રોમાં જ સગા વહાલા અને મિત્રોને મળવાનું પસંદ કરે છે. વસ્ત્રો પણ ભારે પહેરવાનું પસંદ કરે. જો તમારા વસ્ત્રોમાં ગોલ્ડન કે સિલ્વર હેવિ વર્ક હોય તો સાથે મોતી કે ડાયમંડની જ્વેલરી પહેરવાનું પસંદ કરો. ખાસ કરીને વસ્ત્રોની બોર્ડર હેવિ સિલ્વર કે ગોલ્ડન વર્ક ધરાવતી હોય તો તેની સાથે વસ્ત્રના રંગના ડાયમંડને સમાવતો મોતી કે ડાયમંડનો સેટ જચશે.
ડિઝાઈનર વસ્ત્રો અને જ્વેલરી
ઘણી સ્ત્રીઓ સાદગીમાં જ સુંદરતાના સૂત્રને જીવનમાં અનુસરતી હોય છે. તો આ પ્રકારની મહિલાઓ માટે લાઈટ ડિઝાઈનર વસ્ત્રો જ ઉત્તમ વિકલ્પ છે. ડિઝાઈનર વસ્ત્રોમાં જો ગોલ્ડન કે સિલ્વર લાઈટ વર્ક હોય તો મહિલાએ સોના કે ચાંદીના જ હળવા આભૂષણો પહેરવા જોઈએ. ગોલ્ડ કે વ્હાઈટ ગોલ્ડની જ્વેલરીમાં રિઅલ પર્લ કે રિઅલ ડાયમંડનું કામ હોય તો સ્ત્રી પર શોભી ઊઠે છે. આવા વસ્ત્રો સાથે હીરાની કંઠી સ્ત્રીની ડોકને અપૂર્વ સૌંદર્ય બક્ષે છે.