વાઘ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. વાઘની ચામડીનો રતાશ પડતો બદામી રંગ અને ચામડી પરના પટ્ટા આકર્ષક હોય છે. વાઘની ગણના એક શ્રેષ્ઠ અને ભવ્ય વન્ય પ્રાણી તરીકે થાય છે. ૧૮ નવેમ્બર ૧૯૭૨ના વાઘને ભારતનો રાષ્ટ્રીય પ્રાણીનો દરજ્જો આપવામાં આવ્યો... શાળામાં વાઘ અંગે આ પ્રકારની માહિતી તમે ભણ્યા હશો, ક્યારેક નિબંધ પણ લખ્યો હશે, પણ એક એવી મહિલા છે જેણે વાઘ પર પીએચ.ડી. કર્યું છે. જાણો છો એને ?
લતિકા નાથને મળો... રાષ્ટ્રીય પ્રાણી વાઘ પર પીએચ.ડી.-ડોકટરેટ કરનાર પ્રથમ ભારતીય મહિલા. ધ ટાઈગર પ્રિન્સેસ ઓફ ઇન્ડિયા. ભારતની વાઘકુમારી લતિકા નાથ. એક વાઈલ્ડલાઈફ કન્ઝર્વેટિસ્ટ અને વાઈલ્ડલાઈફ ફોટોગ્રાફર. લતિકાને ૨૦૨૦માં પ્રકાશિત એક લેખમાં ‘હર ડેરિંગનેસ’નું વિશેષણ પણ આપવામાં આવેલું. લતિકાએ ૧૯૯૦ના વર્ષથી ભારતમાં બિગ કેટ્સ કહેવાતી વન્ય પ્રજાતિઓ અંગેના અભ્યાસ, સંશોધન અને એમની સુરક્ષા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું છે. લતિકાના કામનું ‘ધ ટાઈગર પ્રિન્સેસ’ નામની દસ્તાવેજી ફિલ્મમાં ફિલ્માંકન કરવામાં આવ્યું છે. ‘વાઈલ્ડ થિંગ્સ’ નામના અન્ય કાર્યક્રમમાં પણ લતિકા નાથના જીવન અને કાર્યોને દર્શાવાયો છે ! આ લતિકા નાથ મીરા નાથ અને પ્રાધ્યાપક લલિત એમ. નાથની દીકરી. લલિત નાથે ૧૯૬૯માં ભારતમાં વન્યજીવ બોર્ડની સ્થાપના કરેલી. નાનપણમાં લતિકા મોટા ભાગે માતાપિતા સાથે જંગલોમાં ઘૂમતી. લતિકા મુગ્ધાવસ્થામાં પ્રવેશી ત્યારે વાઘની તસવીરથી ઓરડો સજાવેલો. લતિકાએ સાત વર્ષની ઉંમરે ઇકોલોજિસ્ટ-પર્યાવરણ નિષ્ણાત બનવાનું નક્કી કરી લીધેલું.
પોતાના વિચારને આકાર આપ્યો લતિકાએ. લતિકા ભારતની વાઈલ્ડલાઈફ ઇન્સ્ટિટયૂટમાં જોડાઈ ગઈ. ઇન્સ્ટિટયૂટના નિર્દેશક ડૉ.એચ.એસ. પવારે લતિકાને વાઘ પર ડોકટરેટ કરવાનું સૂચન કર્યું, કારણ કે રાષ્ટ્રીય પ્રાણી પર કોઈ પ્રકારનું સર્વાંગી વૈજ્ઞાનિક સંશોધન કરાયું નહોતું. ઓક્સફર્ડનાપ્રખ્યાત જીવવૈજ્ઞાનિક ડેવિડ મેકડોનાલ્ડના માર્ગદર્શનમાં લતિકાએ ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલયમાંથી પીએચ.ડી. કર્યું. અભ્યાસના અનુભવો અંગે લતિકાએ કહેલું કે, ‘વાઘોની ઓળખ અને એમના નિરીક્ષણ માટે હું કેમેરા ટ્રેપ સાથે અભયારણ્યમાં નીકળી પડેલી. જ્યાં જ્યાં વાઘ વારંવાર અવરજવર કરતા એવા પાણીથી ભરેલા ખાડા અથવા તો પગદંડીઓ પર કેમેરા ટ્રેપ લગાડતી...’
લતિકાએ સાંભળેલું કે જંગલમાં નવી વાઘણ આવેલી. લતિકા નદીને રસ્તે ભરેલા પાણીના ખાડા ભણી ચાલી. એને વિશ્વાસ હતો કે વાઘણ ત્યાં આવશે. લતિકા એના સહાયક સાથે કેમેરા ટ્રેપ લગાવવાનું કામ કરી રહેલી ત્યારે અંધારાના ઓળા ઊતરવા લાગેલા. અને અચાનક લતિકાને જોખમની ઘંટડી સંભળાઈ. લતિકાને મહેસૂસ થયું કે એક વાઘ આવી રહ્યો છે ! લતિકા અને એના સહાયકે ઝડપથી પોતાનું કામ પૂરું કર્યું. નાળાથી દૂર પોતાની ગાડી જ્યાં ઊભી રાખેલી એ દિશામાં સડકભણી ઝડપથી આગળ વધવા લાગ્યાં.પણ જેવાને એમણે નાળાની બહાર આવીને ચાલવાનું શરૂ કર્યું, કે રસ્તાની એક કોરથી વાઘ સામે આવીને ઊભો રહી ગયો. આ ઘટના અંગે લતિકાએ કહેલું કે,
‘હું વધુ ભયભીત થયેલી કે વાઘ વધુ ડરી ગયેલો, એ મને ખબર ન પડી. મારા સદભાગ્યે વાઘે ત્યારે જ શિકાર કરેલું હરણ એના જડબામાં જકડાયેલું હતું. વાઘ મારાથી માત્ર ત્રણ ફૂટના અંતરે ઊભેલો.
મોંમાં હરણ પકડીને એ વાઘ મારી તરફ ગોળ ગોળ આંખોથી ઘૂરકિયાં કરી રહેલો. હું તો ત્યાં જ ખોડાઈ ગયેલી. થોડી વાર પછી મેં અને મારા સહાયકે નાનાં નાનાં ડગલાં ભરીને પારોઠનાં પગલાં ભરવાનું શરૂ કર્યું. અમે જ્યાં સુધી પીછેહઠ કરીને દૂર ચાલ્યા ગયા ત્યાં સુધી વાઘ પણ પાછળ ન ફર્યો. અમે બીજો રસ્તો પકડીને ગાડી સુધી પહોંચી ગયાં. પછી એ જ સાંજે પાણી ભરેલા ખાડા પાસે પોતાના બચ્ચા સાથે આવેલી પેલી નવી વાઘણની તસવીર લેવામાં અમે સફળ થયાં.’
આ પ્રકારના અનુભવો સાથે લતિકાએ વાઘ અંગેનું પીએચ.ડી. પૂરું કર્યું. ડોકટરેટની ડિગ્રી મળતાંની સાથે લતિકા નાથ વાઘ પર મહાશોધનિબંધ લખનાર પહેલી ભારતીય મહિલા બની ગઈ. લતિકાના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક તસવીરની નીચે આ પ્રકારનું લખાણ જોવા મળે : ડૉ. લતિકા નાથના કેટલાયે અવતાર છે- એક કોસ્મોપોલિટન વુમન સાયન્ટિસ્ટ, એક કન્ઝર્વેશનિસ્ટ ટેલિવિઝન પર્સનાલિટી અને એક હાર્ડ વર્કિંગ રિસર્ચર... પરિચય ઘણા છે, પણ લતિકા નાથનો કોઈ એક કાયમી અવતાર હોય તો એ છે ‘ધ ટાઈગર પ્રિન્સેસ તરીકેની ઓળખ !’