મહિલાઓને નીતનવી જ્વેલરી પહેરવી પસંદ હોય છે. સસ્તી સુંદર અને ટકાઉ જ્વેલરી જે ખોવાય તો પણ વધુ નુક્સાન ન થાય તેવી જ્વેલરી પર સામાન્ય રીતે યુવતીઓ અને મહિલાઓ ઝડપથી પસંદગી ઉતારતી હોય છે એવી જ એક પ્રકારની જ્વેલરીમાં કાપડની જ્વેલરીનો સમાવેશ થાય છે. વળી કાપડની જ્વેલરીની ખાસ વાત એ પણ છે કે તેનાથી મહિલાઓને શરીર પર એલર્જી થતી નથી. તે રોજિંદા જીવનમાં પણ પહેરી શકાય છે. જાતે જ જ્વેલરી બનાવવાનો શોખ જે યુવતીઓને કે મહિલાઓને હોય તેમના માટે રોજેરોજ નીતનવા ઓપ્શન પણ રેડી થઈ શકે છે.
વેસ્ટમાંથી બેસ્ટ
તમે તમારા આઉટફિટ્સ સિવડાવો તેમાંથી બચેલા કાપડમાંથી પણ જે તે સિવડાવેલા ડ્રેસને મેચિંગ જ્વેલરી તૈયાર કરી શકો છો અથવા તૈયાર કરાવી શકો છો. જો તમારે હળવી જ્વેલરી બનાવવી હોય તો વેસ્ટ કાપડના એક સરખાં ટુકડા કરીને તેને તેના મેચિંગ દોરાથી સીવીને નેકલેસ, એરિંગ, બ્રેસલેટ, પાયલ અને વીંટી પણ તૈયાર કરી શકાય છે. જો તમારે હેવિ જ્વેલરી તૈયાર કરવી હોય તો વધેલા કાપડની ગોટીઓ બનાવી લો. એ ગોટીથી કોલર નેકલેસ બને એમ તેને સિવતા જાઓ. તે નેકલેસ ઉપર ડાયમંડ ચોંટાડો. એવી જ ડિઝાઈનની બુટ્ટી, બ્રેસલેટ અને અન્ય ઘરેણા પણ બનાવી શકાય છે. જેથી તમે મેચિંગ જ્વેલરી પણ પ્રસંગે પહેરી શકો અને એ પણ ખૂબ જ સસ્તી કિંમતે.
બ્લોક પ્રિન્ટ જ્વેલરી
કોઈ પણ બ્લોક પ્રિન્ટ કરેલું કાપડ તમે પસંદ કરી શકો. પ્રિન્ટ પ્રમાણે બે બ્લોક કટ કરી લો. એ બે બ્લોકની વચ્ચે કોઈ કપડું કે કેનવાસ મૂકીને એને સીવી લો. કોઈ પણ વેસ્ટ કાપડના ટુકડા પણ એમાં નાંખી શકાય. બહુ વજનદાર ન થાય તેનું ધ્યાન રાખવું. તારથી તેમાં કાણા પાડીને કોઈ પણ જ્વેલરી તૈયાર કરી શકાય છે. આ પ્રકારની જ્વેલરી પ્રોફેશનલ વુમન, કોલેજની યુવતીઓ કે ઘરના કોઈ ફંક્શનમાં પણ ઓપી ઊઠે છે. તેની પર ભરતકામ, જરી વર્ક, ગોટા વર્ક કાશ્મીરી વર્ક પણ કરી કે કરાવીને તમે સુંદર જ્વેલરી બનાવી શકો છો.
તૈયાર ઢાંચા
આજકાલ જ્વેલરી માટે બજારમાં તૈયાર ઢાંચા કે બીબાં મળે છે. જે પંચધાતુ, લોખંડ, પ્લાસ્ટિકના બનેલા હોય છે. આ મનપસંદ સાઈઝ અને આકારના તૈયાર ઢાંચા પર વેલ્વેટથી લઈને તમને પસંદ હોય તેવા પ્રિન્ટેડ કે પ્લેન કાપડ ચડાવીને કે વીંટીને તમે સુંદર જ્વેલરી તૈયાર કરી શકો છો.