વાળ વધારવા માટે કરો તેલીય તત્ત્વોનો યોગ્ય ઉપયોગ

Wednesday 25th November 2020 05:52 EST
 
 

વાળની સંભાળ માટે આવશ્યક (એસેંશિયલ) ઓઈલનો ઉપયોગ ખૂબ જ જરૂરી છે. પ્રાચીન કાળથી કેશની માવજત માટે અનેક તેલનો ઉપયોગ કરવામાં આવતું હોવાનું જાણવા મળે છે. દેશ અને વિદેશમાં હેર એક્સપર્ટ્સ વાળની સંભાળ માટે આવશ્યક તેલનાં ઉપયોગની સલાહ આપે છે. છોડમાંથી કે કેટલીક કુદરતી ચીજોમાંથી મળતાં તેલનો ઉપયોગ વાળના મેટાબોલિઝ્મને વધારે છે. તેનાથી વાળનાં છિદ્રોમાં વધારો થાય છે.
જોજોબા, લવેન્ડર, જેરેનિયમ, સેડરવુડ, થાઇમ, ટી ટ્રી ઓઇલ સહિત કેટલાક આવશ્યક તેલ છે જે વાળને લાંબા, મજબૂત અને ઘટ્ટ બનાવે છે. ઘણા વર્ષોથી લોકોએ આ તેલ પોતાના વાળ વધારવા માટે ઉપયોગ કર્યા છે. જો જરૂરી તેલને કેટલીક વધુ સામગ્રીઓ સાથે મેળવીને વાળમાં લગાવવામાં આવે કે તેની મસાજ કરવામાં આવે તો તેનાથી માત્ર વાળ વધશે સાથે તે ઘટ્ટ અને મજબૂત પણ બનશે. કેટલાક આવશ્યક તેલ તમે જાતે જ તૈયાર કરી શકો છો અથવા રોજિંદા તેલમાં આ તેલ ઉમેરીને લાંબા વાળ પામી શકો છો.
જોકે દરેક પ્રકારના તત્ત્વો તમને સૂટ થાય છે કે નહીં તે જાણવા માટે કોઈ પણ મિશ્રણનો ઉપયોગ કરતા પહેલાં એકાદ ટીપું પહેલાં ત્વચા પર લગાવીને જોઈ લો. ત્યાર બાદ જ વાળ પર લગાવો કે જેથી આપને ખબર પડે કે મિશ્રણથી આપને નુકસાન નહીં થાય.
• ઓલિવ ઓઇલ: જ્યારે વાત વાળ ખરતા રોકવા અને વાળ વધારવાની આવે છે, ત્યારે ઓલિવ ઓઇલ જેટલું અસરકારક કંઈ પણ ન હોઈ શકે.
ઉપયોગઃ ૩-૪ ટીપા જોજોબા ઓઈલમાં બે ચમચી ઓલિવ ઓઇલ મેળવો. આ મિશ્રણને આખા માથા પર લગાવો. અડધો કલાક બાદ શેમ્પૂથી વાળ ધોઈ લો.
• એલોવેરા જેલ: એલોવેરા જેલને હેર ઓઈલ તેલ સાથે મેળવવામાં આવે છે ત્યારે તે ખૂબ સારી અસર વાળ પર કરે છે અને આપના માથામાં રક્ત વહન બરાબર થઈ જાય છે.
ઉપયોગ: ૩-૪ ટીપાં જેરેનિયમ કે નારિયેળ તેલમાં ૨ મોટી ચમચી એલોવેરા જેલ મેળવો. આ મિશ્રણને માથા પર લગાવો. ૪થી ૫ મિનિટ સુધી મસાજ કરો. તે પછી શેમ્પૂથી વાળ ધોઈ લો.
• આંબળા જ્યુસ: આંબળાને ઘણા વર્ષોથી લોકો વાળ લાંબા કરવા માટે ઉપયોગમાં લે છે અને તેમાં એંટી-ઓક્સીડંટ હોય છે કે જે આપને લાંબા અને મજબૂત વાળ આપે છે.
ઉપયોગ: થી ૫ ટીપાં રોઝમેરી તેલમાં અથવા રોજિંદા વપરાશના તેલમાં બે મોટી ચમચી આંબળા જ્યૂસ મેળવો. આ મિશ્રણને માથા પર લગાવો. અડધો કલાક બાદ વાળ હુંફાળા પાણીથી ધોઈ લો.
• દીવેલ-અરંડિયુ: અરંડિયુ વાળ માટે બહુ લાભકારક હોય છે. વાળ વધારવાથી લઈ નવા વાળ ઉગાડવા માટે તે અકસીર છે. તેને હેરઓઈલમાં મેળવી દેવાથી તેની સારી અસર થાય છે.
ઉપયોગ: ૩ ટીપાં સેડરવુડ તેલમાં ૧ નાની ચમચી અરંડિયુ તેલ મેળવો. આ મિશ્રણને વાળમાં લગાવો. કાક બાદ તેને શેમ્પૂથી ધોઈ લો. આ ઉપરાંત ૭૫ ગ્રામ નારિયેળનું તેલ, ૧૫ ગ્રામ બદામનું તેલ અને ૧૦ ગ્રામ એરંડિયું મેળવીને પણ તમે હેરઓઈલ તૈયાર કરી શકો છો.
• નારિયેળનું તેલ અને દૂધ: વર્જિન કોકોનટ ઓઈલ, નારિયેળનું તેલ અને નારિયેળનું દૂધ વાળ માટે ખૂબ આવશ્યક છે. હેર ઓઈલ સાથે નારિયેળનાં દૂધનો ઉપયોગ કરો તો આપનાં વાળ તૂટશે નહીં અન સાથે-સાથે લાંબા પણ થશે. નારિયેળ તેલનું એંટી-ઓક્સીડંટ આપનાં વાળ માટે બહુ અસરકારક સાબિત થઈ શકે છે. વાળને નબળા થતા બચાવવાથી લઈ વાળને વધારવા સુધી આ આપના વાળ માટે જાદુની જેમ બની શકે છે.
ઉપયોગઃ ૪-૫ ટીપાં લવેન્ડર તેલમાં બે મોટી ચમચી નારિયેળનું દૂધ મેળવો. હવે મિશ્રણ માથામાં લગાવો. લગાવ્યા બાદ થોડીક વાર સુધી મસાજ કરો. પછી વાળને શેમ્પૂથી ધોઈ લો. નારિયેળ તેલ રોજિંદું વાળમાં લગાવી પણ મસાજ કરી શકો છો. વર્જિન કોકોનટ ઓઈલમાં બદામનું તેલ મિક્સ કરીને વાળમાં લગાવી શકો છો. ૨ મોટી ચમચી નારિયેળ તેલમાં ૨થી ૩ ટીપા જોજોબા તેલ મેળવો. આ મિશ્રણ સારી રીતે વાળમાં લગાવો. અડધો કલાક પછી શેમ્પૂથી ધોઈ લો.
• મેથી: મેથી વાળ માટે ખૂબ ગુણકારી છે. હેરઓઈલમાં મેથી મેળવીને લગાવવામાં આવે તો વાળ વધારવામાં બહુ સહાયક બની શકે છે.
ઉપયોગ: 2 નાની ચમચી મેથી પાવડરમાં ૧ નાની ચમચી ગુલાબ જળ તથા ૪ ટીપા કોઈ પણ હેરઓઈલ મેળવી લો. આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાવો. તેને ૪૦થી ૪૫ મિનિટ સુધી રાખો અને તે પછી વાળ શેમ્પૂથી ધોઈ લો.
• વિટામિન ઈ: વાળ વધારવા માટે જો આપ વિટામિન ઈ સાથે હેરઓઈલને મેળવી દેવાથી તેની સારી અસર સ્પષ્ટ વાળ પર દેખાશે.
ઉપયોગ: વિટામિન ઈ કેપ્સૂલ બજારમાં મળે છે. તેમાંથી તેલ કાઢી લો. તેનાં બે ટીપાં હેરઓઈલ - તેલમાં મેળવી લો. આ મિશ્રણ માથામાં લગાવી લો. અડધો કલાક બાદ પોતાનાં શેમ્પૂથી વાળ ધોઈ લો.


comments powered by Disqus



to the free, weekly Gujarat Samachar email newsletter