વાળ સફેદ થવાના અનેક કારણો છે, જેમ કે અવ્યવસ્થિત આહાર એટલે કે જંકફૂડનો વધુ પડતો ઉપયોગ, તીખા અને મસાલેદાર ખોરાક, કોઈ પણ સમયે ખાવાની આદતો વાળને ખૂબ જ અસર કરે છે. માનસિક તણાવ, ચિંતા, દુઃખ વગેરે પણ વાળને અસર કરે છે. અપૂરતી ઊંઘ અને રાત્રે ઉજાગરા વાળને ખૂબ જ નુકસાન કરે છે. વિટામિન્સ અને મિનરલ્સની ખામીના કારણે પણ આવું થઈ શકે છે.
ઘણા લોકોમાં સફેદ વાળ એ વારસાગત પણ હોઈ શકે છે. વધારે પડતા ગરમ પાણીથી માથું ધોવાથી, માથું સાફ ન રાખવાથી પણ આવું થઈ શકે છે. વાળ ઉપર વધુ પડતો કલર, ડાઈ વગેરેના ઉપયોગથી, વાળ ઉપર વપરાતા સ્ટ્રેટનર, હીટ મશીન વગેરેના કારણે વાળ જલ્દી સફેદ થવા લાગે છે. તમાકુ, સિગારેટ, દારૂ વગેરેના વ્યસનથી પણ વાળ પર અસર થાય છે. અમુક ખાસ પ્રકારની દવાના કારણે પણ વાળ જલ્દી સફેદ થઈ શકે છે.
વાળને અકાળે સફેદ થતા અટકાવવા આહાર - જીવનશૈલી બદલાવવી ખૂબ જ જરૂરી છે. આહારમાં દૂધનો ઉપયોગ ખાસ કરવો જોઈએ. તલ, ટોપરું, અળસીનાં બીજ, કેળાં વગેરે વાળ માટે ખૂબ ઉપયોગી થાય છે. તીખાં, ખારા, મસાલેદાર ખોરાક ન લેવા જોઈએ. આ ઉપરાંત વિટામિન્સ અને મિનરલ્સથી ભરપૂર શાક અને ફળોનો આહારમાં અચૂક સમાવેશ કરવો જોઈએ. દરેક પ્રકારની દાળ અને સૂકાં મેવા પણ વાળ માટે
ખૂબ જ જરૂરી છે. તેમાંથી મળતું પ્રોટીન વાળને ખૂબ ઉપયોગી થાય છે. મેંદો, કલર, પ્રિઝર્વેટિવ વગેરે ધરાવતો ખોરાક વાળને નુકસાન કરે છે. વધુ પડતી ચા, કોફી અને ઠંડા પીણા વાળ માટે હાનિકારક છે.
વાળ માટે રાતના સમયસર આઠ કલાકની ઉંઘ ખુબ જરૂરી છે. વાળમાં નિયમિત તેલ નાંખવું અને માલિશ કરવી જરૂરી છે. તલનું તેલ, ટોપરાનું તેલ, એરંડિયાનું તેલ અથવા કોઈ પણ ઔષધોથી સિદ્ધ કરેલા તેલ વાળની જરૂરિયાત અનુસાર વાપરી શકાય છે.
વાળ માટે ઓછા કેમિકલવાળા નેચરલ શેમ્પુનો ઉપયોગ કરવો જોઈએ. આમળા, ભાંગરો, બ્રાહ્મી, તલ, મહેંદી, ત્રિફળા વગેરે ઔષધોનો લેપ પણ ઉપયોગી થાય છે. યોગ અને પ્રાણાયામ પણ આમાં ઉપયોગી થઈ શકે છે.
અકાળે વાળ સફેદ થવા હવે લાઈફ સ્ટાઈલને લીધે થતી સમસ્યા છે. તેનાથી બચવા સૌપ્રથમ લાઈફ સ્ટાઈલ જ બદલવી પડે. ત્યારબાદ જ કોઈ પણ ઔષધ અથવા ચિકિત્સા કામ કરી શકે. નાની ઉંમરે જ કાળજી લેવાથી આ સમસ્યાથી બચી શકાય છે.