દરેક યુવતી કે સ્ત્રીનું સપનું હોય છે તે તેના વાળ સુંદર અને સુંવાળા હોય. તણાવ તથા પ્રદૂષણભરી આ જિંદગીમાં રેશમી વાળ મેળવવા એ ખૂબ જ અઘરું છે. તેથી જ વાળની માવજત કરતાં કેરાટિન ટ્રીટમેન્ટ જરૂરી બને છે. કેરાટિન એક મુખ્ય પ્રોટિન છે જે આપણા વાળમાં કુદરતી રીતે હોય જ છે. કમ્પોનન્ટને કારણે જ આપણા વાળ ચમકીલા દેખાય છે. એ વાળને સ્વસ્થ અને સુરક્ષિત રાખવા એક બાહ્ય સુરક્ષાત્મક અને આતંરિક સંરચનાત્મક પ્રોટિન તરીકે કામ કરે છે. પરંતુ તડકો, પ્રદૂષણ અને કેમિકલ્સના સંપર્કમાં આવવાને કારણે વાળમાં રહેલું પ્રોટિન ઘટતું જાય છે. પરિણામે વાળ ડ્રાય અને ડેમેજ થઈ જાય છે. આ કારણે વાળમાં રહેલું પ્રોટિન પૂરું થઈ જાય છે. વાળમાં નેચરલ પ્રોટિન રીસ્ટોર કરવાની ટ્રીટમેન્ટને જ કેરાટિન પ્રોટિન ટ્રીટમેન્ટ કહેવામાં આવે છે. આ ટ્રીટમેન્ટમાં વાળમાં આર્ટિફિશિયલ કેરાટિન નાંખવામાં આવે છે. જેથી વાળ સ્મૂધ અને શાઈની બને છે.
ટ્રીટમેન્ટની પદ્ધતિ
આ પ્રક્રિયામાં સૌથી પહેલાં વાળમાં કેરાટિન હેર સ્ટ્રેટનિંગ પ્રોડક્ટ લગાડવામાં આવે છે. પછી એ સૂકવવા માટે ફ્લેટ આયર્નથી વાળને હોટ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે. વાળની લંબાઈ પ્રમાણે આ પ્રક્રિયામાં ૯૦ મિનિટ કે એનાથી વધારે સમય લાગે છે. આ ટ્રીટમેન્ટ બાદ વાળની સ્ટાઈલમાં કોઈ અસર થતી નથી. એનાથી વાળ બહુ મજબૂત અને એકદમ સ્ટ્રેટ થઈ જાય છે એ કરાવ્યા બાદ ૭૨ કલાક સુધી વાળમાં પિન બક્કલ નાખી શકાતાં નથી. સૂતી વખતે તકિયો એવી રીતે રાખવામાં આવે છે જેથી વાળ નીચેથી બાજુ લટકતા રહે.
ટ્રીટમેન્ટના ત્રીજા કે ચોથા દિવસે વાળ ધોવા જરૂરી છે કારણ કે એમાં ઉપયોગમાં લેવાયેલા કેમિકલ સોલ્યુશનને કામ કરતાં સમય લાગે છે. પહેલી વાર પાર્લરમાં જઈને જ હેર વોશ કરાવવા પડે છે. ત્રણ-ચાર દિવસ પછી વાળ દોવા માટે સોડિયમ સલ્ફેટ ફ્રી કેરાટિન શેમ્પુનો ઉપયોગ કરવો પડે છે. કારણે કે આ શેમ્પુ કરવાથી ટ્રીટમેન્ટની અસર લાંબો સમય સુધી રહે છે.
અસર અંગે જાણકારી લો
કેરાટિન પ્રોટિન ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ સ્પેશિયલ શેમ્પુ, કન્ડિશનર અને હેરસ્ટાીલિંગ પ્રોડક્ટ યુઝ કરવી પડે છે. એ તમારા વાળ પ્રમાણે બનાવવામાં આવે છે. જેની જાણકારી હેર એક્સપર્ટ પાસે લેવી જરૂરી છે. આ ટ્રીટમેન્ટમાં રહેલા ફોર્મલ્ડિહાઈડની ઘણી આડઅસર થઈ શકે છે. જો તમારી ત્વચા સંવેદનશીલ હોય તો આ ટ્રીટમેન્ટ કરાવતાં પહેલા ટેસ્ટ ચોક્કસ કરાવો. કેરાટિન કરાવ્યા બાદ વાળ એકદમ સ્ટ્રેટ દેખાય છે અને એમાંથી વોલ્યુમ અને બાઉન્સ નીકળી જાય છે.
વાળ બહુ જલ્દી ઓઈલી થઈ જાય છે. ટ્રીટમેન્ટમાં વપરાતાં કેમિકલ્સને કારણે ત્વચા અને આંખમાં બળતરા થઈ શકે છે. રેશિશ તથા ઇચિંગ જેવા એલર્જિક રિએક્શન આવી શકે છે. એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે સગર્ભા મહિલાઓએ આ ટ્રીટમેન્ટ કરાવવી ન જોઈએ.
કર્લી હેર હોય તો ન કરાવવી
જેમના વાળ કર્લી એટલે કે ઘૂંઘરાળા હોય છે એમના માટે કેરાટિન ટ્રીટમેન્ટ એકદમ સેફ નથી. એનાથી વાળની કુદરતી ચમક અને કાળાશ નીકળી જાય છે એટલે બહુ જરૂરી હોય તો જ આ ટ્રીટમેન્ટ કરાવો.
ટ્રીટમેન્ટના ફાયદા
આ ટ્રીટમેન્ટથી વાળા ઓછા ગૂંચવાય છે અને વાળ મેનેજ કરવા સહેલા પડે છે. વાળ શાઈની અને ગ્લોસી દેખાય છે. વાળ સ્ટ્રેટ થઈ જાય છે એટલે જુદી જુદી સ્ટાઇલિંગ કરવાનું સહેલું પડે છે. સૂર્યના હાનિકારક કિરણો અને વાતાવરણમાંના પ્રદૂષણોથી વાળનું રક્ષણ થાય છે. વાળ ઓછા ડેમેજ થાય છે એટલે એના તૂટવા ખરવાની સમસ્યા ઓછી થાય છે. વાળ સ્ટ્રેટ કરાવ્યા બાદ હેર સ્પ્રે અને જેલની જરૂર પડતી નથી.