દરેક વ્યક્તિને પોતાના વાળ સ્વસ્થ સુંદર અને ચમકદાર હોય તે પસંદ હોય છે. વાળની માવજત માટે સૌથી મહત્ત્વની તેલમાલિશ હોય છે. માર્કેટમાં પણ કેટલીય પ્રકારના હેરઓઈલ મળી જ રહે છે, પણ તમે વાળની સંભાળ માટે જાતે પણ તેલ બનાવી શકો છો. રોજ તો વાળમાં તેલ નાંખવું આ ઝડપી જીવનમાં અશક્ય છે, પણ સપ્તાહમાં ત્રણ દિવસ તેલ માલિશ કરો તો વાળ સ્વસ્થ રહી શકે છે. ઘરે જ માથામાં નાંખવાનું તેલ બનાવવાની અહીં પાંચ જેટલી પદ્ધતિ આપી છે. આ પાંચેય હેરઓઈલ માટેની સામગ્રીઓ પણ સહેલાઈથી મળી રહે તેમ છે અને પદ્ધતિ પણ ખૂબ જ સહેલી છે.
• એક ચમચી મેથીનાં દાણા પલાળી દો. દાણા પલાળવા માટે એટલું જ પાણી લો કે દાણા બધું પાણી શોષી લે અને દાણા ફૂલી જાય. બારેક કલાક મેથીના દાણા પલાળી રાખો. એ પછી આશરે એકાદ કપ જેટલું કોપરેલનું તેલ લો. કોપરેલનું તેલ મધ્યમ આંચે ગેસ પર ગરમ કરવા મૂકો. પલાળેલા મેથીના દાણા એ તેલમાં નાંખી દો. મેથીના દાણા તતળી જાય પછી તેલ ગાળી લો. આ તેલ જો રોજ માથામાં નાંખીને અડધો કલાક માથામાં માલિશ કરી શકો તો વાળ ખરતા અટકશે અને સ્વસ્થ પણ રહેશે.
• બે જાસૂદનાં ફૂલની પાંખડીઓ, બે ગુલાબનાં ફૂલની પાંખડીઓ, અડધો કપ મીઠા લીમડાનાં પત્તાં અને અડધો કપ કડવા લીમડાનાં પત્તાં લો. આ બધી જ સામગ્રીને મિક્સરમાં પીસી લો. બે કપ કોપરેલનું તેલ લો અને આ બધી જ સામગ્રી તેમાં આશરે દસેક મિનિટ ઉકાળો. તેલ ઠંડું થાય એટલે ગાળી લો. આ તેલની નિયમિત માલિશથી વાળ સ્વસ્થ રહે છે.
• એક કપ જેટલું તલનું તેલ લો. અડધા કપ જેટલું દૂધીનું છીણ લો. તલનું તેલ મધ્યમ આંચે ગેસ પર ગરમ કરવા મૂકો. તેલ સહેજ ગરમ થાય એટલે તેમાં દૂધીનું છીણ નાંખો. દૂધીના છીણનો પાણીનો ભાગ સંપૂર્ણ બળી ન જાય અને પાણી તેલ પર ન તરે ત્યારે આ મિશ્રણ ઠંડું થવા મૂકો. આ તેલ માથાના સ્કેલ્પમાં નાંખવાથી માથામાં ઠંડક મહેસૂસ થશે.
• એક કપ જેટલું કોપરેલનું તેલ લો. એક ચમચી આમળાનો પાઉડર, એક ચમચી કલોંજીનો પાઉડર અને એક ચમચી મેથીનો પાઉડર દસેક મિનિટ સુધી કોપરેલ તેલમાં ઉકાળો. આ તેલથી માથામાં રોજ અડધો કલાક નિયમિત માલિશ કરવાથી વાળનો જથ્થો સારો થશે અને વાળ કાળા અને મુલાયમ પણ થશે.
• એક કપ જેટલું કોપરેલનું તેલ લો. પા કપ જેટલો એલોવેરાનો અર્ક લો. કોપરેલના તેલમાં દસેક મિનિટ સુધી મધ્યમ આંચે એલોવેરાનો અર્ક ઉકાળો. અર્કનો પાણીનો ભાગ ન રહે અને માત્ર તેલ રહે એવું મિશ્રણ થાય એ પછી એ મિશ્રણને ઠંડું કરો. આ મિશ્રણથી માથામાં નિયમિત માલિશ કરવાથી વાળને જરૂરી પોષણ મળે છે અને વાળ સ્વસ્થ રહે છે.