લંડનઃ પહેલાં પેપ્સીકોમાં ઈન્દ્રા નૂયી અને હવે શનેલમાં લીના નાયર. ભારતીય નારીશક્તિએ તેની સજ્જતા-ક્ષમતા વડે ફરી એક વખત આંતરરાષ્ટ્રીય તખતે નામના મેળવી છે. વિશ્વવિખ્યાત ફ્રેન્ચ લક્ઝરી ગ્રૂપ શનેલે (Chanel) તેના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) તરીકે ભારતવંશી લીના નાયરની નિમણૂંક કરી છે. એફએમસીજી ક્ષેત્રની મલ્ટીનેશનલ કંપની યુનિલિવરના સૌથી નાની વયના ચીફ હ્યુમન રિસોર્સીસ ઓફિસર બનવાની સિદ્ધિ પણ લીના નાયરના નામે છે તે ઉલ્લેખનીય છે. બાવન વર્ષીય બ્રિટિશ નાગરિક લીના નાયર હાલ યુનિલિવર લીડરશિપ એક્ઝિક્યુટિવ (યુએલઈ)ના સભ્ય છે, જે યુનિલિવર બિઝનેસ અને ફાઈનાન્સિયલ પર્ફોર્મન્સની જવાબદારી સંભાળે છે.
બિઝનેસ કોઇ પણ હોય, પરંતુ લોકોને કેન્દ્રમાં રાખીને કામ કરવાની વ્યક્તિની આવડતને કોર્પોરેટ વિશ્વમાં વિશેષ પ્રાધાન્ય આપવામાં આવે છે. લીના નાયરની સફળતાનું રહસ્ય પણ આ જ છે. તેઓ ઘણી વાર કહી ચૂક્યાં છે કે, જ્યારે તમે લોકોનું ધ્યાન રાખો છો, ત્યારે તેઓ પણ તમારા બિઝનેસનું ધ્યાન રાખે છે.
પેપ્સિકોના પૂર્વ સીઈઓ ઈન્દ્રા નૂયી પછી લીના નાયર બીજા ભારતવંશી મહિલા છે, જેમની કોઈ જાયન્ટ કંપનીનાં વડાં તરીકે નિમણૂક કરાઈ છે. યોગાનુયોગે લીના નાયરનાં પ્રેરણાસ્રોત ઈન્દ્રા નૂયી છે.
ફેશનજગતની વિખ્યાત કંપનીના સર્વોચ્ચ સ્થાને નિમણૂક થયા પછી લીના નાયરે ટિ્વટ કરી હતીઃ ‘પ્રતિષ્ઠિત અને પ્રશંસનીય કંપની શનેલના સીઈઓ તરીકે નિમણૂક બદલ હું સન્માનની લાગણી અનુભવું છું.’
કોરોના મહામારી પછી વિશ્વ વિખ્યાત ડિઝાઈનર લેબલ શનેલ ઘણી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યું છે. આ કારણસર શનેલે કંપનીમાં મોટા પાયે આંતરિક ફેરફારો શરૂ કર્યા છે. આ મુદ્દે શનેલે કહ્યું છે કે, જાન્યુઆરીના અંત સુધીમાં લીના નાયર અમારી લંડનસ્થિત કંપનીમાં જોડાઈ જશે. અમને આશા છે કે, તેમની નિમણૂંકથી અમને એક કંપની તરીકે લાંબા ગાળાની સફળતા મળશે. શનેલ દ્વારા લીના નાયર જેવા ફેશન ઈન્ડસ્ટ્રીમાં ‘આઉટસાઈડર’ની નિમણૂક એ વાતનો પણ સંકેત છે કે, હવે શનેલ ગ્રૂપ ઈન્ક્લુસિવ એપ્રોચ સાથે આગળ વધવા માંગે છે.
યુનિલિવરે સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે લીના નાયરે જાન્યુઆરી ૨૦૨૨માં યુનિલિવર છોડવાની જાહેરાત કરી છે. આ અંગે યુનિલિવરના સીઈઓ એલન જોપે કહ્યું હતું કે, યુનિલિવરમાં લીનાના ત્રણ દાયકાના જબરદસ્ત પ્રદાન બદલ અમે તેમનો આભાર માનીએ છીએ. લીના તેમની સમગ્ર કારકિર્દી દરમિયાન યુનિલિવરના અગ્રણી સભ્ય રહ્યાં છે, પરંતુ તેઓ હવે ચીફ હ્યુમન રિસોર્સીસ ઓફિસરનો હોદ્દો છોડી રહ્યાં છે. તેઓ હંમેશા અમારી કંપનીના સર્વસમાવેશક એજન્ડા, નેતૃત્વ પરિવર્તન તેમજ ભવિષ્યની તૈયારીનું ચાલકબળ રહ્યાં છે.
‘મોસ્ટ પાવરફૂલ વિમેન’ની યાદીમાં
વિખ્યાત ‘ફોર્ચ્યુન’ મેગેઝિને ૨૦૨૧માં લીના નાયરને ‘મોસ્ટ પાવરફૂલ વિમેન’ની યાદીમાં સ્થાન આપ્યું હતું. મહારાષ્ટ્રના કોલ્હાપુરમાં જન્મેલાં લીના નાયરે સાંગલીની વાલચંદ કોલેજમાંથી ઈલેક્ટ્રોનિક્સ એન્ડ ટેલિકોમ્યુનિકેશન્સ એન્જિનિયરિંગ કર્યું હતું. આ પછી ૧૯૯૨માં તેમણે જમશેદપુરની એક્સએલઆરઆઈમાંથી હ્યુમન રિસોર્સીસમાંથી એમબીએ કર્યું, જેમાં તેમણે ગોલ્ડ મેડલ મેળવ્યો હતો. એ જ વર્ષે તેઓ યુનિલિવરમાં મેનેજમેન્ટ ટ્રેઇની તરીકે જોડાઈ ગયાં હતાં.
યુનિલિવરમાં તેમણે સતત ઝળહળતો દેખાવ કર્યો અને ૨૦૧૬માં તેઓ યુનિલિવરના પહેલા મહિલા, પહેલા એશિયન અને સૌથી નાની વયના ચીફ હ્યુમન રિસોર્સીસ ઓફિસર બન્યાં. ત્યાર પછી તેઓ પ્રતિષ્ઠિત ગણાતા યુનિલિવર લીડરશિપ એક્ઝિક્યુટિવમાં પણ સભ્ય નિમાયા. આ પહેલાં તેઓ બ્રિટિશ સરકારના બિઝનેસ, એનર્જી એન્ડ ઈન્ડસ્ટ્રિયલ સ્ટ્રેટેજી ડિપાર્ટમેન્ટમાં નોન-એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે પણ કામ કરી ચૂક્યાં છે.