ગુજરાતી અમેરિકન રેખાબહેન વિનોદભાઈ પટેલ છેલ્લા ૨૫ વર્ષથી અમેરિકાનાં ડેલાવરમાં વસે છે. તેઓ બે દીકરીઓનાં માતા છે. બાળપણથી જ વાચનમાં રસ રુચિ ધરાવતાં રેખાબહેને છ વર્ષ પહેલાં સોશિયલ મીડિયા - ફેસબુક પર લેખન કાર્યની શરૂઆત કરી હતી. બાળકીઓ ધીરે ધીરે મોટી થઈ રહી હતી તેમ તેમ ગૃહિણી તરીકે જીવતાં રેખાબહેનને વધુ ને વધુ સમય મળતો ગયો. તેઓ આ સમય પોતાના શોખ લેખન માટે ફાળવવા લાગ્યા. કવિતાથી સાહિત્ય લેખનમાં પગલું મૂકનારાં રેખાબહેન ‘વિનોદિની’ ઉપનામ સાથે ધીરે ધીરે ગઝલ, વિવિધ વિષયો પર આર્ટિકલ્સ, વાર્તા અને નવલકથા પણ લખતાં થયાં. તેમના શોખને તેમના પતિ વિનોદભાઈ પટેલ તરફથી પ્રોત્સાહન પણ મળતું રહ્યું.
રેખાબહેન મૂળ ચરોતરનાં વાલવોડ ગામનાં છે. જોકે બાળપણથી લઈને યૌવનકાળ સુધી તેઓ ભાદરણમાં રહ્યાં હતાં. ભાદરણનાં બાળપુસ્તકાલયથી લઈને કંકુબા પુસ્તકાલયનાં કેટલાય પુસ્તકો તેમણે વાંચ્યા છે. પરિણામે લેખનમાં તેમનો મહાવરો સારો થતો ગયો.
લગ્ન પહેલાં રેખા નવનીતભાઈ પટેલ અને લગ્ન પછી રેખા વિનોદભાઈ પટેલ બનેલાં આ સ્ત્રી જ્યારે લેખિકા, કવયિત્રી તરીકે ‘વિનોદિની’ તરીકે ઓળખાય છે ત્યારે તેઓ આનંદ સાથે ગર્વની લાગણી અનુભવે છે. તેવું તેમનું કહેવું છે.
રેખાબહેનની ટૂંકી વાર્તાઓનો એક સંગ્રહ ‘ટહુકાનો આકાર’ ગુર્જર પ્રકાશન દ્વારા અને ટૂંકી વાર્તાઓનું બીજું પુસ્તક ‘લિટલ ડ્રીમ’ પાર્શ્વ પ્રકાશન દ્વારા પબ્લિશ કરાયું છે. અમેરિકા વિશે લખેલાં તેમનાં લેખોનું એક પુસ્તક ટૂંક સમયમાં જ પ્રકાશિત થશે.
રેખાબહેનની ત્રીજી લખેલી ટૂંકી વાર્તા ‘મારો ખરો ગૃહ પ્રવેશ’ વર્ષ ૨૦૧૩નાં ચિત્રલેખા મેગેઝિનનાં દિવાળી અંકમાં પ્રકાશિત થઈ હતી. આ પછી તેઓનાં લેખ અને વાર્તાઓ અભિયાન, માર્ગી, ફિલિંગ્સ અને જલારામદીપ જેવાં ગુજરાતી મેગેઝિનમાં સ્થાન પામતાં રહ્યાં છે. આશરે બે વર્ષ સુધી રેખાબહેનની કોલમ ‘અમેરિકા આજકાલ’ ફિલિંગ્સ મેગેઝિનમાં પ્રકાશિત થતી હતી. આ ઉપરાંત અમેરિકા અને કેનેડાનાં પખવાડિક અને માસિક મેગેઝિનમાં પણ રેખાબહેનની કવિતાઓ અને વાર્તાઓ નિયમિત રીતે પબ્લિશ થતી રહે છે. તેઓ ડેલાવરમાં તેઓ લોકોને ગુજરાતી સાહિત્યનાં વાંચન માટે પ્રોત્સાહન મળે તે માટે લાયબ્રેરી પણ ચાલાવે છે.
છેલ્લાં બે વર્ષથી ‘અમેરિકાનાં ખત ખબર’ નામની રેખાબહેનની કોલમ ગુજરાતી સાપ્તાહિક મેગેઝિન અભિયાનમાં ચાલી રહી છે. રેખાબહેન માતબર ગુજરાતી અખબાર દિવ્ય ભાસ્કરના ઓનલાઈન સાઈટ સાથે NRG ન્યૂઝ રિપોર્ટર તરીકે જોડાયેલાં છે. જેથી અમેરિકાનાં કમ્યુનિટી ન્યૂઝ વતન સુધી વહેતા થઈ શકે. આ ઉપરાંત રેખાબહેનની વેબસાઈટ https://vinodini13.wordpress.com/ પર પણ તેમની રચનાઓ વાંચી શકાય છે.
રેખાબહેન કહે છે કે, અમેરિકામાં બનતી ઘટનાઓ સચ્ચાઈ સાથે વતનવાસીઓ સુધી પહોંચે એ જ મારો હેતુ હોય છે. કારણ કે વતનમાં વસતા વાચકોને - લોકોને અમેરિકામાં બનતી ઘટનાઓ અંગે ગેરસમજ થાય એ પ્રકારે ઘણી વખત સમાચારો પ્રસિદ્ધ થઈ જાય છે. લોકોને કોઈ ઘટના અંગે થતી ગેરસમજનો મને હંમેશાં છૂપો ડર રહે છે. તેઓ કહે છે કે, વર્ષોથી હું વિદેશમાં રહું છું, પણ ભારતીયતાને વાણી વર્તનમાં સાચવી રાખવી મને પસંદ છે. તેથી જ મારી મોટાભાગની વાર્તા ભારતીય સંસ્કૃતિની આસપાસ વણાયેલી હોય છે.